Home /News /ahmedabad /હરસ્ટાર્ટ પ્લેટફોર્મથી મહિલા ઉદ્યોગસાહસિકના નવતર આઈડિયાઝને મળશે પ્રોત્સાહન, જાણો શું છે તે
હરસ્ટાર્ટ પ્લેટફોર્મથી મહિલા ઉદ્યોગસાહસિકના નવતર આઈડિયાઝને મળશે પ્રોત્સાહન, જાણો શું છે તે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ તરીકેની તેમની ગુજરાતની મુલાકાતના બીજા દિવસે ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિનિયોરશીપ કાઉન્સિલ (ગુસેક)ના પ્રયાસરૂપ હરસ્ટાર્ટનો પ્રારંભ કર્યો છે
આ પ્લેટફોર્મમાં હરસ્ટાર્ટ ઈન્ક્યુબેટર નામના મહિલા ઉદ્યોગસાહસિકો અને ઈનોવેટર્સ માટેના સંપૂર્ણ સ્તરના ઈન્ક્યુબેટર તથા હરસ્ટાર્ટ એસીલરેટરનો સમાવેશ થાય છે.
અમદાવાદ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ તરીકેની તેમની ગુજરાતની મુલાકાતના બીજા દિવસે ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિનિયોરશીપ કાઉન્સિલ (ગુસેક)ના પ્રયાસરૂપ હરસ્ટાર્ટનો પ્રારંભ કર્યો છે. જેનો ઉદ્દેશ મહિલાઓએ શરૂ કરેલા સ્ટાર્ટઅપ્સને સહયોગ આપવાનો અને તેનું વિસ્તરણ કરવાનો છે.
હરસ્ટાર્ટ પ્લેટફોર્મથી મહિલા ઉદ્યોગસાહસિકના નવતર આઈડિયાઝને પ્રોત્સાહન પૂરૂં પાડવાની કામગીરીને વેગ મળશે. આ ડિજીટલ પ્લેટફોર્મમાં ઉભરતા મહિલા ઉદ્યોગસાહસિકોને સાધનો અને ટ્રેનિંગ મોડ્યુલ્સ વિનામૂલ્યે પૂરાં પાડવાનો સમાવેશ થાય છે. આ ડિજીટલ સમુદાયને તેમની વિકાસગાથાઓ રજૂ કરવા ડિજીટલ પબ્લિકેશનનો સહયોગ અપાશે.
આ પ્લેટફોર્મમાં હરસ્ટાર્ટ ઈન્ક્યુબેટર નામના મહિલા ઉદ્યોગસાહસિકો અને ઈનોવેટર્સ માટેના સંપૂર્ણ સ્તરના ઈન્ક્યુબેટર તથા હરસ્ટાર્ટ એસીલરેટરનો સમાવેશ થાય છે. જે મહિલાઓએ શરૂ કરેલા હાઈ-ઈમ્પેક્ટ એસીલરેટર પ્રોગ્રામને સમગ્ર વર્ષ દરમ્યાન પ્રોત્સાહિત કરશે. આ બંનેનો પ્રારંભ રાષ્ટ્રપતિ મુર્મુએ કર્યો હતો. એસીલરેટર માટેની અરજીઓ ઓક્ટોબરથી સ્વિકારવાનું શરૂ થશે.
રાષ્ટ્રપતિએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, “સ્ટાર્ટઅપ ફ્રેન્ડલી યુનિવર્સિટીમાં મહિલાઓ માટે સમર્પિત હરસ્ટાર્ટ પ્લેટફોર્મનો પ્રારંભ કરવો તે મારા માટે ગૌરવની બાબત છે. આ પ્લેટફોર્મથી મહિલા ઉદ્યોગસાહસિકો આધારિત ઈનોવેશન અને સ્ટાર્ટઅપ વ્યવસ્થાને વેગ મળશે અને તે મહિલા ઉદ્યોગસાહસિકો અને સરકારને જોડતું ખાનગી એકમોનું અસરકારક પ્લેટફોર્મ પણ બની રહેશે.”
તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં જાહેર કરાયેલા ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2022માં ભારતે તેનું સ્થાન 81મા ક્રમથી સુધારીને 40મા ક્રમે પહોંચાડ્યું છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીના પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીના સંકુલમાં 450 સ્ટાર્ટઅપ્સનું સંચાલન થઈ રહ્યું છે અને યુનિવર્સિટી મહિલાઓ સંચાલિત વધુ 125 સ્ટાર્ટઅપ્સને સહયોગ પૂરો પાડી રહી છે.
આ પ્રસંગે મહિલા ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સના સ્થાપકો, શિક્ષણવિદ્દો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી ગુસેક વૈશ્વિક સંસ્થા યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) મહિલાઓ અને શાળામાં જતા બાળકોના ઈનોવેશનના સહયોગની વ્યવસ્થામાં સક્રિયપણે કામ કરી રહી છે.
યુનિસેફ ગુજરાતના ચીફ પ્રસાંતા દાસ જણાવે છે કે, “યુનિસેફે સ્ત્રી-પુરૂષ સમાનતા માટે કટિબધ્ધ છે અને તેના સહયોગીઓ સાથે મળીને મહિલાઓ અને બાળકોની સ્થિતિ સુધારવાના કાર્યક્રમોના સંચાલનમાં સહયોગ પૂરો પાડે છે. હરસ્ટાર્ટ પ્લેટફોર્મ એ આવો જ એક પ્રોગ્રામ છે, જેનાથી અનેક કન્યાઓ અને મહિલાઓને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રે સપનાં સાકાર કરવાની તક મળશે. ભંડોળ, મેન્ટરશીપ અને આંતરરાષ્ટ્રિય પ્રસિધ્ધિ પૂરી પાડવા માટે હું ગુસેકની ટીમ અને ગુજરાત સરકારને અભિનંદન પાઠવું છું. યુવાન સ્ત્રી-પુરૂષોને તેમની શક્તિ અને ક્ષમતા બહાર લાવવાથી ભારતની વૃધ્ધિ અને વિકાસની ગાથાને વેગ મળવાની સાથે સાથે ગ્લોબલ ડેવલપમેન્ટ ઈન્ડીકેટર્સને પણ પરિવર્તનની ભારે ક્ષમતા પ્રાપ્ત થશે.”
ગુસેકના ગ્રુપ સીઈઓ રાહુલ ભાગચંદાણીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે હરસ્ટાર્ટ પ્લેટફોર્મનો પ્રારંભ એ ગુજરાત યુનિવર્સિટી અને ગુસેક માટે સન્માનનો પ્રસંગ છે. અમે વિવિધ લક્ષિત પ્રયાસ મારફતે અને મહિલા ઉદ્યોગસાહસિકોની ક્ષમતાને બહાર લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. હરસ્ટાર્ટ પ્લેટફોર્મએ આ દિશાનું વધુ એક કદમ છે. અમને વિશ્વાસ છે કે, તેનાથી વધુ મહિલાઓને તેમના આઈડિયાઝનું વાસ્તવિકતામાં રૂપાંતર કરીને સ્ટાર્ટઅપ શરૂ કરવાની પ્રવૃત્તિને વેગ મળશે.”
રાષ્ટ્રપતિ મુર્મુએ ગુજરાત યુનિવર્સિટી અને હરસ્ટાર્ટના માધ્યમથી ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકતાના પ્રયાસોથી પોતાના ક્ષેત્રમાં સ્થાન હાંસલ કરનાર 10 મહિલા ઉદ્યોગસાહસિકોનું બહુમાન કર્યું હતું.
યુનિસેફ, ગુજરાત સરકાર અને ભારત સરકારનો સહયોગ ધરાવતા હરસ્ટાર્ટને ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) ની માન્યતા પ્રાપ્ત થઈ છે. ગુજરાતની સ્ટાર્ટઅપ વ્યવસ્થાના પ્રેરકબળ તરીકે હરસ્ટાર્ટને સ્ટેટસ સ્ટાર્ટઅપ રેન્કીંગ ફ્રેમ વર્ક રિપોર્ટ 2022માં સ્થાન પ્રાપ્ત થયું છે.
હરસ્ટાર્ટના ભાગરૂપે 15,000થી વધુ મહિલા ઉદ્યોગસાહસિકોને ઓનલાઈન અને ઓફ્ફલાઈન પધ્ધતિથી જોડી શકાઈ છે અને તે 2500થી વધુ મહિલા ઉદ્યોગસાહસિકોના ક્ષમતા નિર્માણ માટે કામગીરી કરી રહી છે. 200થી વધુ મહિલાઓ સંચાલિત સ્ટાર્ટઅપ્સને આ પ્લેટફોર્મ હેઠળ વૃધ્ધિ હાંસલ થઈ છે, જ્યારે 150થી વધુ સ્ટાર્ટઅપ્સ હરસ્ટાર્ટના નેજા હેઠળ વિસ્તરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે જેમનું સન્માન કરવામાં આવ્યું હતું તે 10 મહિલા સાહસિકોની યાદી નીચે મુજબ છેઃ
1. ડો. મેઘા ભટ્ટ
સાઈનોટેક - કે જેમાં અનોખા શિક્ષણલક્ષી પ્રયાસો વડે પ્રયોગશીલતા દાખવીને શાળાના બાળકોના ભણતર અને વિકાસને વેગ આપવામાં આવે છે.
2. શીખા શાહ
અલ્ટમાર્ટ પ્રાઈવેટ લિમિટેડ- અલ્ટમાર્ટ કૃષિ કચરામાંથી ટેક્ષટાઈલ ફાઈબર્સનું નિર્માણ કરે છે
3. બિંદી પટેલ
ઈકોરેક્ટ પ્રાઈવેટ લિમિટેડ-
ઈકોરેક્ટ દ્વારા બાયોડિગ્રેડેબલ બાયોપ્લાસ્ટીકનું ઉત્પાદન કરાય છે અને વર્તમાન પ્લાસ્ટીક એકમોમાં બનાવી શકાય છે
4. દિન્તા વઘાસીયા
ઈકોટેરા બાયોડિઝાઈન-
ઈકોટેરા એ રિન્યુએબલ અને બાયોડિગ્રેડેબલ પેકેજીંગ મટિરિયલ છે કે જેનાથી પોલિસ્ટરીનનો વપરાશ નિવારી શકાય છે.
5. ત્રિશલા પંજાબી
ભારત-એમડી
ભારત-એમડી સ્થાનિક શહેરી હોસ્પિટલોમાં ગુણવત્તાયુક્ત શસ્ત્રક્રિયા માટેનો ઉદ્દેશ ધરાવે છે.
6. એકતા અરોરા
કાસ્પર ટેક
કાસ્પર ટેક આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને માર્ગ સલામતિ પૂરી પાડવામાં સહાય કરે છે અને અકસ્માતનો ભોગ બનેલા લોકોને સહાય કરીને શહેરી તંત્રને બહેતર માર્ગ સલામતિ વ્યવસ્થા પૂરી પાડે છે
7. શ્રુતિ ટિબરેવાલબેબ
બર્પબેબ બર્પ બાળકો માટે આહારના 100 ટકા ઓર્ગેનિક વિકલ્પો પૂરાં પાડે છે અને તેમાં કોઈ પ્રિઝર્વેટીવ કે ફ્લેવરનો ઉપયોગ કરાયો નથી.
8. નિકીતા લાલવાણી
સીસીટેક હેલ્થ એન્ડ એન્વ પ્રા.લિ.શહેરોમાં વધતા જતા સાયક્લીંગને સમર્પિત આ પ્લેટફોર્મ ટ્રાફિકની સાથે સાથે પર્યાવરણ માટે તંદુરસ્ત, આનંદિત અને બહેતર વ્યવસ્થા પૂરી પાડે છે.
9. લજ્જા બ્રહ્મભટ્ટ
નીરા નેચરલ્સઆ એક નેચરલ કોસ્મેટિક કંપની છે, જે પેરાબિન્સ અથવા એસએલએસ સામગ્રીથી મુક્ત પ્રોડક્ટ પૂરી પાડતું સ્ટાર્ટઅપ છે.
10. રાજશ્રી સાઈ
ઈમ્પેક્ટ્રી ડેટા ટેકનોલોજીસ પ્રાઈવેટ લિમિટેડપ્રભાવ નામનું આ ક્લાઉડ આધારિત ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મ છે, જે વિવિધ નૉન પ્રોફીટ પ્રવૃત્તિઓને વિસ્તારવામાં અને તેમની ઓન-ગ્રાઉન્ડ અસર વધારવામાં સહાયક બને છે.