Home /News /ahmedabad /Borsad Heavy Rain : બોરસદમાં બારે મેઘ ખાંગા, 4 કલાકમાં 12 ઈંચ વરસાદ, લોકોની આંખોમાં આફતના અનરાધાર આંસુ

Borsad Heavy Rain : બોરસદમાં બારે મેઘ ખાંગા, 4 કલાકમાં 12 ઈંચ વરસાદ, લોકોની આંખોમાં આફતના અનરાધાર આંસુ

બોરસદ જળબંબાકાર

Borsad Heavy Rain : બોરસદમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો, કોઈના ઘરનો સામાન, તો કોઈના પશુ તણાયા, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત, એક વ્યકિતએ જીવ ગુમાવ્યો, વાહનો પાણીમાં ગરકાવ, ઘરવખરી તબાહ, કુદરતની થપાટ સામે લોકો મજબૂર

વધુ જુઓ ...
Borsad Heavy Rain : ખેડા (Kheda) જિલ્લાના બોરસદ (Borsad) માં મેઘરાજાએ તારાજી સર્જી (Borsad Heavy Rain) છે. માત્ર ચાર કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ વરસતા આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે. આકાશમાંથી અનરાધાર પાણી વરસતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. સ્થિતિ એટલી નાજુક બની ગઇ હતી કે લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. તો જોઈએ બોરસદમાં મેઘરાજાએ કેવું તાંડવ મચાવ્યું.

ઠેર ઠેર તારાજીના દ્રશ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, બોરસદમાં મેઘરાજા મન મુકીને વરસતા ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા છે. અડધી રાત્રે આકાશમાંથી એવી આફત ખાબકી કે, પુરૂ નગર પાણી-પાણી થઈ ગયું, ધોધમાર વરસાદથી બોરસદમાં તબાહીનું તાંડવ સર્જાયું છે.

કોઈના ઘરનો સામાન તણાયો, તો કોઈના પશુ તણાયા

ચોમાસાની ઠંડકમાં મીઠી ઉંઘ માણતા બોરસદવાસીઓ પર અડધી રાત્રે એવી આફત ખાબકી કે બધુ વેર-વિખેર થઈ ગયું, કોઈના ઘરનો સામાન તણાયો, તો કોઈના પશુઓ તણાઈ જતાં રોજી રોટી છીનવાઈ ગઈ. મેઘરાજાનું આવું રૌદ્ર રુપ બોરસદવાસીઓએ ક્યારેય જોયું નહોતું. એક તરફ ધોધમાર વરસાદ વરસ્યો, તો બીજી તરફ લોકોની આંખોમાં આફતના અનરાધાર આઁસુ જોવા મળી રહ્યા છે.

અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત

સાંબેલાધાર વરસાદથી બોરસદ આખું પાણી પાણી થઈ ગયું. અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા. નીચાણવાળા વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે, બોરસદના મોટાભાગના રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી, અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું.

મેઘતાંડવના કારણે એક વ્યકિતએ જીવ ગુમાવ્યો

મળતી માહિતી અનુસાર, બોરસદમાં મેઘતાંડવને કારણે એક વ્યકિતએ જીવ પણ ગુમાવ્યો છે, કસારી ગામે તળાવમાં સ્લિપ થતાં કુણાલ ઉર્ફે સંજુ લાલભાઈનું મોત થયું છે.

વાહનો પાણીમાં ગરકાવ, ઘરવખરી તબાહ

બીજીબાજુ વાહનોના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયેલા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ઘરવખરી બચાવવા લોકો ભારે જહેમત કરી રહ્યા છે. મુસીબત એટલી કે પાણી વચ્ચે લોકોની આઁખોમાં પણ અનરાધાર પીડા વહી રહી છે. કેટલાએ લોકોના લોકોના ઢોર-ઢાંખર, લોકોની ઘરવખરી બધુ જ તબાહ થઈ ગયું, અને રહી ગઈ તો માત્રને માત્ર મુસીબત. બોરસદના લોકો રહી-સહી માલ-મિલકત સાચવીને આંસુ સારવા મજબૂર બન્યા છે.

બોરસદની તાબાહી ન્યુઝ18 સંવાદદાતાની નજરે

અમારી ટીમે જ્યારે બોરસદની મુલાકાત લીધી ત્યારે ચોતરફ તબાહી જ તબાહી જોવા મળી હતી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને પાણીમાં ગરકાવ બોરસદ. લોકોના ઘરમાં અમારા કેમેરાએ નજર કરી તો ઘરવખરી પાણીમાં ગરકાવ હતી. આ ઘર છે કે સ્વિમિંગ પુલ એ કહેવું મુશ્કેલ બને એવા દ્રશ્યો સામે આવ્યા હતા. ઘરની વસ્તુઓ પાણીમાં તરી રહી હતી, ફર્નિચર પલળી ગયું હતુ, ગેસની બોટલ પાણીના હવાલે હતી. બાળકો ભૂખના માર્યા રોઈ રહ્યા હતા, શું ખાવા પીવા આપવું એ માતા પિતા માટે સમસ્યા હતી.

આ પણ વાંચોરાજ્યના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પડવાની આગાહી

કુદરતની થપાટ સામે લોકો મજબૂર

તમને જણાવી દઈએ કે, ભારે વરસાદ ખાબકતા બોરસદના કેટલાય વિસ્તારો હજી પણ પાણીમાં ગરકાવ છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી છે, તો કેટલાક લોકોના ઘરમાં પાણીનું સામ્રાજ્ય છે, ભારે જહેમત કરીને લોકોએ પલળેલો સામાન બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ કુદરતની થપાટ સામે લોકો હારી ગયેલા જોવા મળ્યા.
First published:

Tags: Borsad, Heavy rain, Heavy rain fall, Heavy rainfall, બોરસદ, ભારે વરસાદ, વરસાદ