અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો હજુ જાહેર થઈ નથી એવામાં નેતાઓના આક્ષેપ પ્રતિ આક્ષેપ થવા લાગ્યા છે. ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડોદરામાં તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. જે દરમિયાન રોડશોનાં આયોજન બાદ કેજરીવાલે કેમ છો? સાથે સંબોધન શરૂ કર્યું હતું. કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'હું કટ્ટર ભક્ત છું. મારો જન્મ જન્માષ્ટમી દિવસે થયો હતો. ભગવાને મને કંસની ઓલાદોનો નાશ કરવા અને આ લોકોથી મુક્તિ અપાવવા મોકલ્યો છે. હવે જનતા પરિવર્તન માગે છે. મને ગમે તેવી નફરત કરો પણ ભગવાનનું અપમાન કરશો તો ભગવાન નહીં છોડે.'
આ પ્રકારના નિવેદન બાદ આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કેજરીવાલને વળતો જવાબ આપીને જણાવ્યું કે, કેજરીવાલને પોતાને યાદ કરવું પડે કે તેમનો જન્મ ક્યારે થયો છે. એ જ ગુજરાતની જનતાની જીદ છે, જન્મ તો બદલાતો રહે છે પરંતુ કેજરીવાલ પર હું કઈ બોલવા નથી માંગતો એમના મંત્રી ધર્માંતરણનો આવો મોટો કારસો રચે છે.
આમ આદમી પાર્ટીના મંત્રીની હાજરીમા દિલ્હીમા થયેલા ધર્માંતરણનો મામલે ગુજરાતભરમા કેજરીવાલ અને આપ વિરોધી પોસ્ટર લાગ્યા છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમા ઠેર-ઠેર ચૂંટણી પહેલાં પોસ્ટરવોર શરૂ થયુ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે.
રાતોરાત લાગેલા પોસ્ટરોથી વાતાવરણ તંગ બનતા દિવસ દરમિયાન માહોલ પણ ગરમાયેલો જોવા મળ્યો હતો. હિન્દુ દેવી દેવતાઓ પરની ટિપ્પણીના પોસ્ટરથી ચૂંટણી ટાણે ધર્મનો મુદ્દો હાવી બન્યો છે. 'હું ઈશ્વરને માનીશ નહી' તેવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાકમાં બેનરો પણ લાગ્યા છે.