Home /News /ahmedabad /પટેલ VS પાટીલ : સત્તાની સાઠમારીમાં કોણ મારશે બાજી? BJP-કૉંગ્રેસના નવા સુકાની સામે ક્યા પડકારો આવશે?
પટેલ VS પાટીલ : સત્તાની સાઠમારીમાં કોણ મારશે બાજી? BJP-કૉંગ્રેસના નવા સુકાની સામે ક્યા પડકારો આવશે?
સીઆર પટેલે પ્રમુખ તરીકે 21મી જુલાઇએ વિજય મહૂર્તમાં 12.39 કલાકે ભાજપના પ્રદેશ અધ્યક્ષનો ભાર સંભાળ્યો હતો.
કૉંગ્રેસે યુવાન હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવ્યા બાદ ભાજપે પોતાના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સીઆર પાટીલની નિમણૂક કરતા રાજકારણ ગરમાયું છે.
અમદાવાદ : ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ (Gujarat BJP President) પ્રમુખ તરીકે સીઆર પાટીલ (CR Patil)ની નિમણૂક કરી છે. સીઆર પાટીલ ભાજપના (cr patil BJP president) નવસારી લોકસભા મતવિસ્તારના સાંસદ છે અને લોકસભાની હાઉસિંગ કમિટીના અધ્યક્ષ છે. આજે સવારે 12.39 કલાકે સીઆર પાટીલે વિજય મહૂર્તમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પદભાર સંભાળી લીધો છે. અગાઉ કૉંગ્રેસે પોતાના કાર્યકારી અધ્યક્ષ તરીકે યુવાન નેતા હાર્દિક પટેલની (hardik patel congress working president) નિમણૂક કરી છે. કૉંગ્રેસે યુવાન હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવ્યા બાદ ભાજપે પોતાના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સીઆર પાટીલની નિમણૂક કરતા રાજકારણ ગરમાયું છે. આગામી સયમમાં આ બંને નેતાઓ સામે અનેક પડકારો છે ત્યારે જાણો કોણ છે આ નેતાઓ, તેમના રાજકીય જીવનની ઉપલબ્ધી શું છે, ક્યા ક્યા વિવાદોમાં બંને નેતાઓ ઘેરાયેલા રહ્યા અને આગામી સમયમાં તેમની સામે શું પડકારો છે.
રાજકીય ઓળખ અને ઉપલબ્ધી
ચંદ્રકાંત રઘુનાથ પાટીલ : સી. આર. પાટીલનો જન્મ તા.16 માર્ચ 1955ના રોજ તત્કાલીન બોમ્બે રાજ્યના જલગાંવ જિલ્લાના એદલાબાદના પીંપરી-અકરાઉત ગામ ખાતે થયો હતો. વર્ષ 1975માં ગુજરાત પોલીસમાં જાડાયા હતા. સુરત પોલીસમાં કોન્સ્ટેબલની નોકરી સ્વીકારી હતી. પોલીસ વિભાગમાં કોઈ સંગઠન નોહતું તેમા સંગઠન બનાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, તેમને સફળતા ન મળતા તેમણે નોકરી છોડી દીધી હતી. 1988 સુધી ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર સી. આર. પાટીલે પોલીસમાંથી રાજીનામું આપીને બીજા વર્ષે પત્નીના નામે ડાઈંગ મિલ શરૂ કરી હતી. વર્ષ 1989ના ડિસેમ્બરમાં ભારતીય જનતા પાર્ટીમાં જાડાયા અને જિલ્લાકક્ષાએ ભાજપના ખજાનચી પણ બન્યા હતા. તેમણે સુરત શહેરના ભાજપના કોષાધ્યક્ષ તેમજ શહેર ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી. જીઆઇડીસી અને જેએસીએલના અધ્યક્ષ તરીકેની કુશળ જવાબદારી નિભાવી. લોકસભા, વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણીમાં વિવિદ સ્તરે કામ કરી ચુક્યા છે. વર્ષ 2009-2016-2019માં તેઓ નવસારી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ 6,89,668 મતે જીતે હાઇએસ્ટ લીડનો વિક્રમ તેમણે સર્જ્યો છે. હાલમાં તેઓ લોકસભાની હાઉસિંગ કમિટીના ચેરમેન છે અને લોકસભાની અર્બન ડેવલપમેન્ટ કમિટીના સક્રિય મેમ્બર છે. તેઓ બિહાર પ્રદેશ ભાજપના સહપ્રભારી પણ છે. 20મી જુલાઈ 2020ના રોજ તેમની ગુજરાત ભાજપ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
હાર્દિક પટેલ :20 જુલાઈ 1993ના રોજ 1993માં વીરમગામ ખાતે જન્મેલા હાર્દિક પટેલની પ્રાઇમ ઓળખ પાટીદાર અનામત આંદોલનના નેતા અને પાટીદાર અનામત આંદોલ સમિટી (PAAS)ના સંયોજક તરીકેની છે. હાર્દિક પટેલે ગામમાંથી શાળાકીય શિક્ષણ મેળવી અને અમદાવાદની સહજાનંદ કૉલેજમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો હતો. હાર્દિકે કૉલેજ કાળ દરમિયાન જનરલ સેક્રેટરીની પોસ્ટ માટે કૉલેજની ચૂંટણી લડી અને બિનહરીફ જીત મેળવી હતી. વર્ષ 2015થી વેગવંતા બનેલા પાટીદાર આંદોલનમાં તેમણે સક્રિય રીતે ઝંપલાવ્યું અને ઑગસ્ટમાં યોજાયેલી જીએમડીસીની સભાએ હાર્દિકને એક અલગ ઓળખ અપાવી. લાખોની મેદની વચ્ચે હાર્દિકે પાટીદારો માટે અનામત માંગી. વર્ષ 2015માં જ તેની રાજદ્રોહના ગુનામાં ધરપકડ થઈ અને તેને સુરતની લાજપોર જેલમાં ખસેડીદેવામાં આવ્યો. જેલમાંથી છુટ્યા બાદ હાર્દિક શરતી જામીનના કારણે 6 મહિના ઉદયપુરમાં રહ્યો અને ત્યારબાદ તેણે પાટીદાર અનામત આંદોલનને ફરી સક્રિય કર્યુ. એક બાજુ વિધાનસભાની ચૂંટણીના ભણકારા તો બીજી બાજુ હાર્દિકની ફાયર બ્રાન્ડ સભાઓ. ચૂંટણીમાં ભાજપ માંડ માડ જીત્યો અને 99 બેઠકો સાથે સરકાર બની ગ્રૅજ્યુએટ હાર્દિક પટેલે 2015થી 2020 સુધીમાં તેમની લોકપ્રિયતામાં ઉતાર-ચઢાવ, ટોચના નેતાઓના આકર્ષણ, વિધાનસભાની ચૂંટણીમાં પ્રભાવશાળી કામગીરી, જેલ, તડીપારી એ બધું જોયું છે. હાર્દિકે વર્ષ 2019માં કૉંગ્રેસની અડાલજ ખાતે યોજાયેલી વિશાળ સભામાં ગાંધી પરિવારની ઉપસ્થિતિમાં ખેંસ પહેરીને પક્ષમાં જોડાણ કર્યુ. કૉંગ્રેસમાં જોડાતાની સાથે જ હાર્દિક 14 મહિનામાં કૉંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ છે.
વિવાદ
રઘનાથ ચંદ્રકાંત પાટીલ : કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખની જેમ ભાજપના પ્રમુખ સીઆર પાટીલ પણ વિવાદોથી ઘેરાયેલા રહ્યા છે. વર્ષ 2002માં સીઆર પાટીલની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડાયમંડ જ્યૂબિલી કૉ-ઑપરેટિવ બેંક ફ્રોડમાં ધરપકડ કરવામાં આવી હતી. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આ લૉન 54 કરોડ રૂપિયાની હતી જે પાટીલ ચુતવલી શક્યા નહોતા. આ ઉપરાંત તેમને પોલીસ સેવામાં પણ અણબનાવ હોવાનો પણ આરોપ છે જ્યારે અન્ય છુટાછવાયા આરોપો પણ તેમના પર લાગ્યા છે.
હાર્દિક પટેલ :હાર્દિક પટેલ પર 27 વર્ષની નાનકડી ઉંમરમાં 54 જેટલી FIR દાખલ થયેલી છે. હાર્દિક પટેલ પર સૌથી મોટો રાજદ્રોહનો ગુનો દાખલ છે અને તેમાં તે જામીન પર બહાર છે. જ્યારે અન્ય એક ગુનામાં તેમને વીસનગરની અદાલતે સજા પણ ફટકારી છે. હાર્દિક પટેલ કથિત સેક્સ -CDમાં સંડોવાયા હોવાનો પણ આરોપ થયો છે જોકે, તેના વિશે કોઈ અધિકારીક પુષ્ટી નથી. એક વાયરલ ફૂટેજમાં કેટલાક તબક્કે મહિલાઓ સાથે જોવા મળેલ વ્યક્તિને હાર્દિક પટેલ તરીકે ચીતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ કૉંગ્રેસ અને ભાજપ બંનેના અધ્યક્ષો વાદવિવાદથી ઘેરાયેલા હોવાનું સ્પષ્ટ પણે જોવા મળે છે.
ચંદ્રકાંત રઘુનાથ પાટીલ :સીઆર પાટીલ સામે આગામી સમયમાં ભાજપની ભવ્ય પરંપરાને આગળ ધપાવતા કૉંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યો અને ભાજપના ધારાસભ્યોને સાથે લઈને ચાલવાનો પડકાર છે. પેટાચૂંટણીમાં ભાજપની જીત અને પરંપરાગત રીતે સૌરાષ્ટ્રની મનાતી પ્રદેશ પ્રમુખની બેઠક પર આશરે 20 વર્ષ બાદ દક્ષિણ ગુજરાતના અને નોન ગુજરાતી તરીકેના વ્યક્તિત્વને ભુંસીને ભાજપને તમામ ચૂંટણીમાં ભવ્ય જીત અપાવવાનો પડકાર છે. 2022માં ભાજપના ગઢમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો સાતમી વાર પરચમ લહેરાવાની જવાબદારી છે. હાર્દિક પટેલ : રાજકીય નિષ્ણાતોના મતે હાર્દિક પટેલ સામે સૌથી મોટો પડકાર સિનિયર-જુનિયરનું તાલમેળ જાળવી રાખવાનો છે. જુથવાદમાં વહેચાયેલા કોંગ્રેસ પક્ષમાં બધાને સાથે લઈને ચાલવાની સાથે પાટીદાર સિવાયના સમાજમાં સ્વીકૃતિ મેળવવાનો પડકાર છે. પેટાચૂંટણીની સેમિફાઇનલ અને વર્ષ 2020ના અંતમાં યોજાનારી મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સાથે 2022ની ચૂંટણી સુધી નેતૃત્વ ટકાવી રાખવાનો પડકાર છે.