Home /News /ahmedabad /

Hardik Patel Resign: 'કૉંગ્રેસ નેતૃત્વને ગુજરાત અને ગુજરાતી પ્રત્યે નફરત,' કૉંગ્રેસમાંથી હાર્દિક પટેલનું રાજીનામું

Hardik Patel Resign: 'કૉંગ્રેસ નેતૃત્વને ગુજરાત અને ગુજરાતી પ્રત્યે નફરત,' કૉંગ્રેસમાંથી હાર્દિક પટેલનું રાજીનામું

આખરે હાર્દિક પટેલનું રાજીનામું

Hardik Patel Resign from congress: "છેલ્લા ત્રણ વર્ષથી મને માલુમ પડ્યું છે કે કૉંગ્રેસ પાર્ટી ફક્ત વિરોધની રાજનીતિ સુધી સીમિત રહી ગઈ છે, જ્યારે દેશના લોકોને એક એવા વિકલ્પની જરૂર છે, જે તેમના ભવિષ્યનું વિચારે અને દેશને આગળ લઈ જવાની ક્ષમતા ધરાવે."

વધુ જુઓ ...
    ગાંધીનગર: યુવા નેતા હાર્દિક પટેલે કૉંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું  (Hardik Patel resign from Congress)ધરી દીધું છે. હાર્દિક પટેલે એક પત્ર લખીને કૉંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે કે, "આજે હું હિંમત કરીને કૉંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા દરેક સાથીદારો અને ગુજરાતના લોકો મારા આ નિર્ણયનું સ્વાગત કરશે. હું માનું છું કે મારા આ પગલાં પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરા અર્થમાં સકારાત્મક રીતે કામ કરી શકીશ."

    હાર્દિક પટેલનો પત્ર

    અનેક પ્રયાસો છતાં કૉંગ્રેસ પાર્ટી તરફથી દેશહિત તેમજ સમાજ હિતથી બિલકુલ વિપરિત કાર્ય કરવાને કારણે અમુક વાતો તમારા ધ્યાનમાં મૂકવી જરૂરી છે.

    છેલ્લા ત્રણ વર્ષથી મને માલુમ પડ્યું છે કે કૉંગ્રેસ પાર્ટી ફક્ત વિરોધની રાજનીતિ સુધી સીમિત રહી ગઈ છે, જ્યારે દેશના લોકોને એક એવા વિકલ્પની જરૂર છે, જે તેમના ભવિષ્યનું વિચારે અને દેશને આગળ લઈ જવાની ક્ષમતા ધરાવે. અયોધ્યામાં શ્રી રામનું મંદિર હોય, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો મુદ્દો હોય, GST લાગૂ કરવાનો નિર્ણય હોય, દેશ ખૂબ લાંબા સમયથી આ મુદ્દાઓનું સમાધાન ઇચ્છી રહ્યો હતો. કૉંગ્રેસ પાર્ટી આ વાતોમાં ફક્ત વિઘ્ન બનવાનું કામ કરતી રહી છે. ભારત દેશ હોય, ગુજરાત હોય કે મારો પટેલ સમાજ હોય, દરેક મુદ્દે કૉંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ ફક્ત કેન્દ્ર સરકારનો વિરોધ કરવા પૂરતું સીમિત રહ્યું છે. દેશના દરેક રાજ્યના લોકોએ કૉંગ્રેસને જાકારો આપ્યાનું કારણ એવું છે કે, કૉંગ્રેસ પાર્ટી અને તેનું નેતૃત્વ લોકો સમક્ષ પ્રાથમિક રોડમેપ પણ રજૂ કરી શકી નથી.

    કૉંગ્રેસના નેતૃત્વને ગુજરાતીઓ પ્રત્યે નફરત


    કૉંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વનું કોઈ પણ મુદ્દા પ્રત્યે ગંભીર ન હોવું મોટો મુદ્દો રહ્યો છે. હું જ્યારે પણ કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વને મળ્યો ત્યારે લાગ્યું કે નેતૃત્વનું ધ્યાન ગુજરાતના લોકો અને પાર્ટીની સમસ્યા સાંભળવાને બદલે મોબાઇલ અને અન્ય વસ્તુઓ પર હતું. જ્યારે દેશ સંકટમાં હતો અથવા કૉંગ્રેસને નેતૃત્વની સૌથી વધારે જરૂરિયાત હતી ત્યારે અમારા નેતા વિદેશમાં હતા. શીર્ષ નેતૃત્વનું ગુજરાત પ્રત્યે એવું વલણ રહ્યું છે કે જાણે તેમને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે નફરત હોય. આવા કેસમાં કૉંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખી શકે કે ગુજરાતના લોકો તેમને વિકલ્પ તરીકે જુએ?

    કૉંગ્રેસ પાર્ટીએ યુવાઓનો વિશ્વાસ તોડ્યો


    દુઃખ થાય છે જ્યારે મારા જેવા નેતા દરરોજ પોતાના ગાડીમાં, પોતાના ખર્ચે 500-600 કિલોમીટરનો પ્રવાસ કરે છે, લોકની વચ્ચે જાય છે અને પછી જોઈએ છીએ કે ગુજરાતના મોટા નેતાઓ તો જનતાના મુદ્દાઓથી દૂર રહીને ફક્ત એ વાતનું ધ્યાન રાખે છે કે દિલ્હીથી આવેલા નેતાઓને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં. હું જ્યારે પણ યુવાઓ વચ્ચે ગયો ત્યારે લોકોએ એક જ વાત કહી કે તમે આવી પાર્ટીમાં કેમ છો, જે દરેક રીતે ગુજરાતીઓનું અપમાન કરે છે. પછી તે ઉદ્યોગ ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય કે પછી રાજનીતિ ક્ષેત્ર હોય. મને લાગે છે કે કૉંગ્રેસ પાર્ટીઓએ યુવાઓનો વિશ્વાસ તોડ્યો છે, આજ કારણ છે કે આજે કોઈ પણ યુવા નેતા કૉંગ્રેસ પાર્ટીમાં જોવા મળતો નથી.


    અંગત સ્વાર્થ માટે નેતાઓ વેચાયા


    મારે મોટા દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતના દરેક લોકો જાણે છે કે કૉંગ્રેસના મોટા નેતાઓએ કઈ રીતે જાણી જોઈને ગુજરાતની જનતાના મુદ્દાઓને નબળા કર્યાં છે, તેના બદલામાં તેમણે આર્થિક ફાયદા ઉઠાવ્યા છે. રાજનીતિક વિચારધારા અલગ હોઈ શકે છે, પરંતુ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આ રીતે વેચાય જાય તે રાજ્યના લોકો માટે મોટો વિશ્વાસઘાત છે.

    રાજનીતિમાં સક્રિય તમામ લોકોનો ધર્મ હોય છે કે લોકો માટે કાર્ય કરતા રહે, પરંતુ દુર્ભાગ્યની વાત છે કે કૉંગ્રેસ પાર્ટીએ ગુજરાતના લોકો માટે કંઈ સારું નથી કરવું. આથી જ્યારે હું ગુજરાતમાં કંઈક કરવા માંગતો હતો ત્યારે પાર્ટીએ મારો તિરસ્કાર કર્યો. મેં વિચાર્યું ન હતું કે કૉંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ અમારા પ્રદેશ, અમારા સમાજ અને ખાસ કરીને યુવાઓ પ્રત્યે મનમાં આવો દ્વેશ રાખે છે.



    આજે હું મોટી હિંમત કરીને કૉંગ્રેસ પાર્ટીના તમામ પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો કરશે. હું માનું છું કે આ પગલાં બાદ હું ભવિષ્યમાં સમગ્ર ગુજરાત માટે સાચા અર્થમાં સકારાત્મક રીતે કાર્ય કરી શકીશ. જનતા તરફથી મળેલા પ્રેમનું ઋણ ચૂકવવાનો હંમેશા પ્રયાસ કરતો રહીશ.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Congress Gujarat, Hardik Patel Patidar, કોંગ્રેસ, હાર્દિક પટેલ

    આગામી સમાચાર