શાબાશ રૂપાણીજી, રંગ રાખ્યો: હાર્દિકભાઈ હવે કામે ચઢો!

હાર્દિકભાઈ ક્યારેક હોસ્પિટલમાં ગયા, ક્યારેક ગુરુકુળમાં ગયા, ક્યારેક ઘરે મંડપ બાંધ્યા, પોલીસના ભાઠે ભરાયા, ધાર્મિક સંસ્થાઓને શરણે ગયા ત્યાંથી પાછા વળી ગયા અને આખરે પત્તાં ખોલાવી નાખ્યા!

News18 Gujarati
Updated: September 12, 2018, 12:35 PM IST
શાબાશ રૂપાણીજી, રંગ રાખ્યો: હાર્દિકભાઈ હવે કામે ચઢો!
હાર્દિક, વિજય રૂપાણી
News18 Gujarati
Updated: September 12, 2018, 12:35 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : કાઠિયાવાડમાં એક લોકોકિત છે : કોઈ ઉદેશ કે તાકાત વગર માણસ અકારણ લડાઈમાં ઝંપલાવી દે ત્યારે તેને ખબર હોય છે કે તેનો અંત શું આવવાનો છે? પરંતુ ભાઠે ભરાઈ ગયા પછી નીકળવું કેમ? એટલે આવી વ્યક્તિ બીજાને હલકાં-પડકારા કરીને કહે, "એ ભાઈ, મને પકડ! મને બહુ જોર આવે છે." મુદ્દે બચવા માટે હવાતિયાં મારે છે. લગભગ આવી જ પરિસ્થિતિ પાછલાં 19 દિવસથી સાવ નકામા (ખેડૂતોના પ્રશ્નો સિવાય) કારણોસર અનશન ઉપર ઉતરેલા હાર્દિકભાઈની થઇ.

25 ઑગષ્ટથી પહેલા ગાંધી અને પછી ભગતસિંહ અને આ પ્રકારના મહાનુભાવોના નામને આગળ ધરીને 19 દિવસો સુધી હાર્દિકભાઈએ ઉપવાસના નામે બહુ ત્રાગાં કર્યા. ઘણા લોકો અને લેભાગુઓ મળવા પણ આવ્યા. તેમના કહેવાતા મસીહાઓ સાથે આવ્યા તો કેટલાક સમગ્ર ફિલમમાંથી દૂર હોવાનો ડોળ કરતા રહ્યાં. હાર્દિકભાઈ ક્યારેક હોસ્પિટલમાં ગયા, ક્યારેક ગુરુકુળમાં ગયા, ક્યારેક ઘરે મંડપ બાંધ્યા, પોલીસના ભાઠે ભરાયા, ધાર્મિક સંસ્થાઓને શરણે ગયા ત્યાંથી પાછા વળી ગયા અને આખરે પત્તાં ખોલાવી નાખ્યા! ખબર પડી ગઈ કે હવે બહુ ઝાઝી પીપુડી નહિ વાગે એટલે નક્કી કરી નાખ્યું કે હવે ખોલાવી નાખો. નહીંતર; અકારણ જીવથી જઈશું…!

કેમ આવું થયું? કારણ, સરકાર સ્પષ્ટ હતી, સરકારનું વલણ ચોક્કસ હતું. કોંગ્રેસીઓ ઘેલા થયા હતા. બધાએ બહુ મુલાકાતો કરી હાર્દિકભાઈની છાવણીની, પરંતુ સરકારે બોલાવીને કહ્યું કે શું તમે બંધારણીય રીતે અનામત આપવાની બાંયધરી આપી શકો છો? એટલે કોંગ્રેસી નેતાઓ પણ ફસાયા : કારણ જે શક્ય જ નથી તેની બાંયધરી કોઈ કઈ રીતે આપી શકે? ભૂંડા લાગ્યા અને ખેડૂતોના મામલે કઈ ન મળ્યું એટલે પેટ્રોલ ભાવવધારાના નામે 'ભારત બંધ' કરાવ્યું!

આ સમગ્ર પ્રકરણમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની નિર્ણાયક અડગતાને દાદ આપવી પડે. બાકી તેમની આસપાસમાં જ તેમની ઘોર ખોદનારાય ક્યાં ઓછા હતા? શાબાશ, રૂપાણીજી, ભાઈ રંગ રાખ્યો તમે! રાજ્ય સરકારે એ સાબિત કરી આપ્યું કે, છાશવારે ગેરબંધારણીય બાબતોને આગળ ધરીને અને વિકાસલક્ષી વાતોને આડે આવીને રાજ્યની શાંતિ ડહોળનારા લોકો સામે સરકાર ક્યારેય નહિ ઝૂકે.

ભાઈ હાર્દિક, હવે ત્રણ વાગે તમારો 'ઈગો' વચ્ચે લાવ્યા વગર સુખેથી 'પારણાં' કરી લ્યો! સરકાર, પોલીસ તંત્ર અને માધ્યમોને કોઈક રચનાત્મક કાર્ય કરવામાં તમે સહાયરૂપ થાઓ. તમારી નાહકની અને વારેવારની અડચણોના કારણે બધા પરેશાન છે અને કરવા જેવા ઘણા કામ અટકી ગયા છે. સરકાર જો ખોટી દિશામાં હોય તો તેનો કાન જરૂર આમળો. પરંતુ પ્રજાને બાનમાં લેવાનું, યુવાઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. બધા 'વિચારધારા'ને આગળ ધરીને અવનવી વાતો જરૂર કરે છે; પરંતુ આખરી ઉદેશ વ્યક્તિગત-સંસ્થાકીય ફાયદાઓ, રાજકીય મહેચ્છાઓ અને સત્તા સિવાય કશું જ નથી. સત્તાકારણ ખોટું નથી. ખુલીને સામે આવો, રાજકારણમાં ઝંપલાવો, ચૂંટણી લડો, લોકતંત્રનો સક્રિય હિસ્સો બનો અને બંધારણીય રીતે તમારી વાતોને આગળ ધરો.

મુદ્દે, હાર્દિકભાઈ હવે કામે ચઢો...હવે ક્યાં સુધી આમ છોકરમત કર્યા કરશો?
First published: September 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...