અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav)ની ઉજવણીના ભાગરૂપે હાલ ઠેર-ઠેર દેશ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. હર ઘર તિરંગા (Har Ghar Tiranga) અભિયાન સાથે ઠેર-ઠેર યાત્રા નીકળી રહી છે ત્યારે લોકોના જીવન માટે સંજીવની સમાન પુરવાર થયેલી 180 એમ્બ્યુલન્સ (108 Ambulance) સેવાની ટીમ દ્વારા હર ઘર તિરંગા અભિયાનને આગળ ધપાવ્યું છે. 108ની ટીમ અરબી સમુદ્રમાં દરિયાની વચ્ચે જઈ તિરંગો લહેરાવ્યો છે. જેની તસવીરો જોઈએ તમે પણ દંગ રહી જશો.
'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત શરૂ થયેલાં 'હર ઘર તિરંગા' અભિયાન અન્વયે સમગ્ર રાષ્ટ્રમાં તેની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતની નદી, સરોવર, ડેમ, પહાડ, રણભૂમિ, વેરાન પ્રદેશ એમ તમામ જગ્યાએ ભારત દેશનું સ્વાભિમાન તિરંગાના લહેરાવવા સાથે છલકાઈ રહ્યું છે. તે ઉપક્રમમાં ગુજરાતમાં સંજીવની બનીને અનેક લોકોના જીવ બચાવનાર 108 ની ટીમ દ્વારા એક સાહસભર્યું અને પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે.
108 ની ટીમ દ્વારા ગુજરાતના સૌરાષ્ટ્ર કિનારે આવેલા તમામ જિલ્લાઓના અરબી સમુદ્રના કિનારે ભારતની આન, બાન અને શાનના પ્રતિક એવાં તિરંગાને લહરાવીને ભારતમાતાનું સર વધુ ઉન્નત કર્યું છે. ભાવનગરના ઘોઘા, કોળિયાક, સરતાનપર, મહુવા, અલંગ સહિતની જગ્યાઓ સાથે અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર થી છેક પોરબંદર સુધીના અરબી સમુદ્રની અંદર નૌકા અને સ્પીડ બોટ દ્વારા જઈને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે.
આમ ગુજરાતના પગ પખાળતાં અરબી સમુદ્રની મધ્યે, દરિયાની ઉછળતી છોળો વચ્ચે ભારતનો તિરંગો જ્યારે અરબી સમુદ્ર સાથે વાતો કરી રહ્યો હોય તેમ શાનથી ફરકી રહ્યો છે. મહત્વનુ છે કે હરઘર તિરંગા અભિયાન અંતર્ગત તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સંસ્થાઓ રાજકીય આગેવાનો તિરંગા યાત્રા યોજી ઉજવણી કરી રહ્યા છે ત્યારે 108 ઈમરજન્સી સર્વિસની ટીમએ દરિયાની વચ્ચે આ ઉજવણી કરી સાહસિકતાનું અદ્ભૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે. દરિયાની વચ્ચે પણ શાનથી લહેરાઈ રહેલા તિરંગાની તસવીરોનો નજારો જોતા દરિયો પણ જાણે તિરંગા મય બન્યો હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું છે.