અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં H3N2ના કેસ તેમજ શરદી ખાંસી અને વાયરલ ફીવરના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, તે પણ આરોગ્યતંત્ર માટે ચિંતાજનક બાબત બની છે. જોકે, હાલમાં ત્રિપલ ઋતુનો એટેક પણ બિમારીઓ નોતરી રહ્યો છે. એટલું જ નહીં, H3N2 વાયરસ સતત મ્યુટેટ થઈ રહ્યો છે, ત્યારે ખૂબ સાવચેત રહેવાની સલાહ ડોક્ટર્સ આપી રહ્યા છે.
ત્રણેય ઈન્ફેક્શન એક સાથે થતા હોવાથી ખૂબ સાવધ રહેવાનો સમય છે
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના મીડિયા કન્વીનર ડૉ. મુકેશ મહેશ્વરી જણાવે છે કે, અત્યારે ખૂબ સાવધ અને સચેત રહેવાનો સમય છે. અત્યારે વાયરસનો ત્રિપલ એટેક જોવા મળી રહ્યો છે. એક તરફ દર વર્ષે આ સમયે સ્વાઈન ફ્લુ H1N1ના કેસ જોવા મળતા હોય છે. તેની સાથે હાલ હોંગકોંગ ફ્લુ એટલે કે H3N2ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યા છે. બીજી તરફ, સતત સાત દિવસથી કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ગઈકાલે દેશમાં 1 હજાર જેટલા નવા કોરોનાના કેસ આવ્યા છે. જે પાછલા સાત મહિનામાં મોટામાં મોટો આંકડો છે. એટલે ત્રણેય ઈન્ફેક્શન એક સાથે થતા હોવાથી ખૂબ સાવધ રહેવાનો સમય છે. કારણ કે આ સમયે પરિસ્થિતિ એટલી કન્ફ્યુઝીંગ છે કે આ કઈ ટાઈપનો વાયરસ છે. આ ઉપરાંત પણ ઘણા વાયરસ થતા હોય છે. એટલે કોરોનામાં જે એસએમએસનું પાલન કરતાં હતા. તે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, સતત માસ્ક પહેરવું, તેમજ વારંવાર હાથ ધોવા તે પાલન કરવું પડશે. કારણ કે આ પ્રકારના વાયરસ તમારા મોં અને નાક વડે શરીરમાં પ્રવેશી શકે છે. જેથી સતત હાથ ધોતા રહેવું જોઈએ, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ.
H3N2 ઓરીજનલ વાયરસ નથી. H1N1 ઓરીજનલ વાયરસ હતો. 1957માં પહેલુ મ્યુટેશન આવ્યું હતું. 1968માં બીજુ મ્યુટેશન આવ્યું અને બે નવા વાયરસ જે પક્ષીઓના હતા, તે આ વાયરસમાં ઘુસ્યા અને જે નવો વાયરસ બન્યો તે H3N2 છે. હજુ પણ તે સતત મ્યુટેટ થઈ રહ્યો છે. દર વર્ષે તેની સ્ટ્રેન બદલાઈ રહી છે. આ ખૂબ ઝડપથી બદલાતો વાયરસ છે. એટલે દર વર્ષે તેની વેક્સિન નવી આવે છે. આ વખતની નવી વેક્સિનમાં H3N2 ઉમેરવામાં આવ્યો છે. પરંતુ આવતા વખતે નવો વેરીયન્ટ આવશે, તો વેક્સિનમાં નવો વેરિયન્ટ ઉમેરવો પડે. એટલે વેક્સિન તેની એક જ વર્ષ ઈફેક્ટીવ રહે છે એટલે દર વર્ષે વેક્સિન લેતા રહેવું પડે છે. કોઈપણ વાયરસ જ્યારે મ્યુટેટ થતો હોય ત્યારે તે ખતરનાક બની શકે. ખતરનાક બનવાનું એક જ રીઝન હોય છે કે જેની ઈમ્યુન શક્તિ ઓછી હોય તેમાં તે વાયરસ ઘૂસે તેની સાથે નવો વાયરસ આવે અને બંને વાયરસ પોતાનું એન્ટિજેનિક મટીરીયલ અને જીનેટીક મટીરીયલ એક્સચેન્જ કરે તો જે નવો વાયરસ આવે તે ડેડલી હોઈ શકે છે. જે રીતે આપણે કોરોનાના ડેલ્ટામાં જોયું હતું કે, આલ્ફા અને બીટા કરતા તે ખૂબ ઘાતક બનીને આવ્યો હતો.