અમદાવાદ: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આગામી 3 એપ્રિલના રોજ લેવાશે. જે માટે હોલ ટિકિટ ઓનલાઈન મુકવામાં આવી છે. આ સાથે વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે, વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન હોલ ટિકિટની સાથે આધારકાર્ડ કે ડ્રાઈવિંગ લાયસન્સ જેવું આઇડી પ્રૂફ કે પછી ધોરણ 12ની પરીક્ષાની હોલ ટિકિટ સાથે રાખવા ખાસ નોંધ આપવામાં આવી છે.
ગુજકેટ 3 એપ્રિલના રોજ લેવાશે
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 3 એપ્રિલના રોજ લેવાશે. રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના અંદાજે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ડિગ્રી એન્જનિયરિંગ અને ફાર્મસીના એડમિશન માટે લેવાતી પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે. ડિગ્રી એન્જનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગત વર્ષ 2017થી ગુજકેટ ફરજીયાત કરવામાં આવી છે.
કેટલીક અગત્યની સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે. જેમાં ગુજકેટ-2023 માટેની એડમિશન કાર્ડ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ મળશે, જે પરીક્ષાખંડમાં પ્રવેશ માટે માન્ય રહેશે. આ હોલ ટિકિટ પર શાળાના આચાર્યના સહીસિક્કા કરાવવાની જરુર નથી. ગુજકેટની પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા ઉમેદવારોએ પોતાનું એડમિશન કાર્ડ બોર્ડની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી લેવું. જેમાં ઉમેદવારોએ ગુજકેટ માટે ભરેલ આવેદનપત્રમાં મોબાઈલનંબર કે ઈમેઈલ આડી અને જન્મ તારીખ કે એપ્લીકેશન નંબર દાખલ કરી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ હોલ ટિકિટ સર્ચ કરી જન્મ તારીખની વિગત ભરીને પણ ડાઉનલોડ કરી શકશે.
મહત્વનું છે કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અંદાજે એક લાખથી વધુ વિધાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપતા હોય છે. જે 3 એપ્રિલના રોજ રાજ્યભરમાં સવારે 10થી સાંજના 4 વાગે સુધી પરીક્ષા જિલ્લા કક્ષાના કેન્દ્રઓ ખાતે યોજાશે.