Home /News /ahmedabad /Gujarat Weather Update: આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગની આગાહી
Gujarat Weather Update: આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે - ફાઇલ તસવીર
Gujarat Weather Update: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારે જાણો ક્યાં ક્યાં વરસાદ પડે તેવી શક્યતા છે.
અમદાવાદઃ એકબાજુ ચોમાસું વિદાય લેવાની તૈયારી છે ત્યારે બીજી બાજુ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે.
મળતી માહિતી પ્રમાણે, હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી સામાન્ય વરસાદ પડશે તેવું જણાવ્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
દક્ષિણ ગુજરાતમાં આવેલા વલસાડ જિલ્લાના વાપી સહિતના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં સાંજે અચાનક પલટો આવ્યો હતો. સાંજ પડતા જ વરસાદી માહોલ છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, વરસાદને લઈને શહેરીજનોને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે. તો બીજી બાજુ, ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિને લઈને ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ચોમાસાની વિદાય બેવડી ઋતુઓ અહેસાસ અને સાથે રાહ જોવાઈ રહી છે કે, શિયાળાની શરૂઆત ક્યારથી થશે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુમાન વ્યક્ત કર્યું છે કે, ગુજરાતમાં 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડશે અને ઠંડી લાંબી ચાલશે.જોકે ગુજરાતમાં ઉત્તર તરફના સીધા પવનો ફૂંકાય ત્યારે કડકડતી ઠંડી પડે છે. ઠંડા અને સૂકા પવન ફૂંકાવવાનું શરૂ થાય ત્યાર બાદ લઘુતમ તાપમાન ઘટવાનું શરૂ થાય છે. પરંતુ હાલ તો બેવડી ઋતુનો અહેસાસ થશે અને ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડશે.
અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો?
નોંધનીય છે કે, આ વર્ષે ગુજરાત પર મેઘો મહેરબાન જોવા મળ્યો હતો. રાજ્યમાં સરેરાશ 119.61 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌથી વધુ કચ્છમાં 186 ટકા, ઉત્તર ગુજરાતમાં 121 ટકા, પૂર્વ ગુજરાતમાં 96 ટકા, સૌરાષ્ટ્રમાં 109 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 132 ટકા વરસાદ નોંધાયો છે.