Home /News /ahmedabad /ગુજરાતના હવામાન વિભાગની ચોંકાવનારી આગાહી, જણાવ્યું આ વર્ષે ઉનાળો કેવો રહેશે?
ગુજરાતના હવામાન વિભાગની ચોંકાવનારી આગાહી, જણાવ્યું આ વર્ષે ઉનાળો કેવો રહેશે?
ફાઇલ તસવીર
Gujarat Weather Summer 2023: ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ કહી શકાય ત્યારે જ આકરી ગરમી પડી રહી છે. ત્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4થી 6 ડિગ્રી વધુ છે.
અમદાવાદઃ રાજ્યમાં હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ કહી શકાય ત્યારે જ આકરી ગરમી પડી રહી છે. ત્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4થી 6 ડિગ્રી વધુ છે. આગામી 3થી 4 દિવસ તાપમાન યથાવત્ રહેશે અને ત્યારબાદ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.
ભારતના હવામાન વિભાગ દ્વારા કોઈપણ ઋતુ શરૂ થાય તે પહેલાં પૂર્વાનુમાન જાહેર કરતા હોય છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં માર્ચથી મે મહિનામાં દેશનું લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે.
ચાલુ વર્ષે ઉનાળો દેશના કેટલાક વિસ્તારમાં આકરો રહેશે
હવમાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં પણ ઉનાળો આકરો રહેશે. ફેબ્રુઆરી મહિનામાં જ મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઉંચુ રહ્યુ છે અને હાલ પણ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 4થી 6 ડિગ્રી ઉંચુ છે. માર્ચથી મે મહિનામાં ગુજરાતમાં સામાન્યથી બે ડિગ્રી તાપમાન ઉંચુ રહેવાની સંભાવના છે. તેમજ માર્ચ મહિનામાં હિટવેવ રહેવાની શક્યતા છે અને ગુજરાતમાં મે મહિનામાં કાળઝાળ ગરમી પડશે. એટલે કે ગુજરાતમાં ઉનાળા દરમિયાન મે મહિના સૌથી ઉંચુ મહત્તમ તાપમાન રહેશે.’
અમદાવાદનું મહત્તમ તાપમાન વધુ નોંધાયું
રાજ્યમાં મોટાભાગના શહેરનું તાપમાન 36 ડિગ્રી ઉપર નોધાયું છે અને હવે તો ધીમે ધીમે મહત્તમ તાપમાન વધશે. અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતાં 4 ડિગ્રી ઉંચુ તાપમાન છે. ભુજનું મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી નોંધાયું છે જે સામાન્ય કરતાં 6 ડિગ્રી ઉંચુ તાપમાન છે. ગુજરાતમાં સામાન્ય કરતાં ઊંચું મહત્તમ તાપમાન છે. જેના કારણે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.