વિભુ પટેલ, અમદાવાદ: માર્ચમાં વારંવાર માવઠું થયું છે અને માવઠાના કારણે કૃષિ પાકને નુકસાન થયું છે. માવઠાના મારથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. હવે ખેડૂતો માવઠું જાય તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ એપ્રિલમાં પણ માવઠાથી છૂટકારો મળે તેવું લાગતું નથી. કારણ કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું એપ્રિલ મહિનામાં વિશિષ્ટ વાતાવરણ રહેવાનું અનુમાન છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શિયાળામાં ગરમી પડી અને ઉનાળાની શરૂઆતથી વારંવાર માવઠું થઇ રહ્યું છે. હજુ એપ્રિલ મહિનામાં પણ વિશિષ્ટ વાતાવરણ રહેવાનું અનુમાન છે. ત્રીજી એપ્રિલથી ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળશે. રાજ્યમાં 5થી 7 એપ્રિલ દરમિયાન આંધી વંટોળ સાથે માવઠાની સ્થિતિ જોવા મળશે. તેમજ 10 એપ્રિલ સુધી કેટલાક ભાગોમાં માવઠું થશે. આ વિશિષ્ટ પ્રકારનું માવઠું હશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. આ શક્યતા 10થી 15 એપ્રિલે જોવા મળશે. રાજ્યના કેટલાક ભાગોમાં, દરિયાઈ કિનારાના ભાગોમાં, રાજસ્થાનના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભેજ ગુજરાત તરફ આવશે. સાથે જ તેમણે કહ્યું કે, 19 એપ્રિલથી ગરમી રહેશે, પણ હવામાનમાં વારંવાર પલટો આવશે. 23થી 25 એપ્રિલે કેટલાક ભાગોમાં આંધી સાથે વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. તેમજ 27થી 28 એપ્રિલમાં ઉતરીયા પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા રહેશે. એપ્રિલના અંતમાં પણ હવામાનમાં પલટો આવશે. જોકે, એપ્રિલ મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે. 20 એપ્રિલથી ગરમીનું પ્રમાણ વધશે અને 26 એપ્રિલથી કાળજાળ ગરમીનો અહેસાસ થશે. આ વર્ષે વિશિષ્ટ સંજોગોને કારણે વારંવાર માવઠું થઈ રહ્યું છે અને એપ્રિલ બાદ મે મહિનામાં પણ વારંવાર પલટો આવવાની શક્યતા છે. 8મેથી આંધીનું પ્રમાણ વધશે. વંટોળ વરસાદ લઈને આવશે.