માવઠાના કારણે કૃષિ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે
Gujarat weather update: આ સાથે બેવડી ઋતુના કારણે રોગચાળો વધી રહ્યો છે. ગુજરાતીઓ ફેબ્રુઆરીથી માર્ચના 21 દિવસ સુધીમાં બદલાતા વાતાવરણને કારણે શિયાળો, ઉનાળો અને ચોમાસાનો અહેસાસ કરાવી દીધો છે.
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ઉનાળામાં ચોમાસા જેવો માહોલ બન્યો છે. ગાજવીજ, ભારે પવન, સામાન્યથી મધ્યમ વરસાદ, કરા એવું તો માર્ચ મહિનામાં પહેલી વખત જોવા મળ્યું છે. હવે તો માવઠું બંધ થાય તેની લોકો રાહ જોઈ રહ્યા છે. માવઠાના કારણે કૃષિ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. આ સાથે બેવડી ઋતુના કારણે રોગચાળો વધી રહ્યો છે. ગુજરાતીઓને ફેબ્રુઆરીથી માર્ચના 21 દિવસ સુધીમાં બદલાતા વાતાવરણને કારણે શિયાળો, ઉનાળો અને ચોમાસાનો અહેસાસ કરાવી દીધો છે.
હવામાનની લેટેસ્ટ આગાહી
હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહન્તિએ આજે જણાવ્યું છે કે, આજે વધુ એક સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી ત્રણ દિવસ ગાજવીજ, ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતમાં 23 માર્ચ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. એક પછી એક સિસ્ટમ બની રહી છે જેના કારણે માર્ચ મહિનામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
22 માર્ચનાં રોજ વરસાદી માહોલ યથાવત રહેશે. આ રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, રાજકોટ, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, કચ્છમાં ભારે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં અમુક ભાગોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો અમદાવાદ શહેરમાં બપોર થતા વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યનું મહત્તમ તાપમાન આગામી પાંચ દિવસ યથાવત રહેશે અને લઘુતમ તાપમાન ત્રણ દિવસ યથાવત રહેશે. આ ત્રણ દિવસ બાદ 2થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે.