ગુજરાતમાં સૌપ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા માહિતી અધિકારનાં કાયદા (2005) વિશે એક અભ્યાસક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. ભારત દેશમાં વહીવટીતંત્રમાં પારદર્શક્તા લાવવા માટે 2005માં માહિતી અધિકારનો કાયદો ઘડવામાં આવ્યો હતો અને સામાન્ય નાગરિકને એક મહત્વપુર્ણ હથીયાર આપવામાં આવ્યુ હતુ. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ એટલે કે માહિતી અધિકારના કાયદાને 13 વર્ષ પુરા થયા.
ગૂજરાત વિદ્યાપીઠ પહેલી શૈક્ષણિક સંસ્થા બનશે જે માહિતી અધિકારના કાયદા વિશે અભ્યાસક્રમ શરૂ કરશે. ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક અનામિક શાહે જણાવ્યુ કે, આ કાયદાની પાયાની સમજ લોકોમાં વિકશે અને આ કાયદાનો લોકો જાહેર જીનને સમૃદ્ધ કરવા અને લોકશાહીના મૂળિયા ઉંડા કરવા ઉપયોગ કરે એ ઉદ્દેશ્ય છે.
આ કોર્ષ પાર્ટ ટાઇમ છે અને છ મહિનાનો રહેશે. પ્રવેશ માટે 12 ધોરણ પાસની લાયકાત રાખવામાં આવી છે. આ અભ્યાસક્રમ શનિ-રવિવારે ચલાવવામાં આવશે જેથી નોકરી કરનારા લોકો અથવા રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ જોડાઇ જશે. આ અભ્યાસક્રમમાં જોડાનારા લોકો માટે ખાદી અને પ્રાર્થના ફરજિયાત રહેશે.
ગૂજરાત વિદ્યાપીઠના આજીવન શિક્ષણ વિભાગ દ્વારા માહિતી અધિકાર કાયદા અંગેનો સર્ટીફિકેટ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. આજીવન શિક્ષણ વિભાગના વડા ડો. સંધ્યાબેન ઠાકરે ન્યૂઝ18 ગુજરાતીને આ નવી પહેલ વિશે જણાવ્યુ કે, ભારત દેશના દરેક નાગરિકે માહિતી અધિકારના કાયદા વિશે માહિતગાર હોવુ જોઇએ અને એનો ઉપયોગ કરી જાહરે જીવનમાં પારદર્શક્તા લાવવી જોઇએ. આ અભ્યાસ ક્રમ દ્વારા વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તતના અધિકારની સાથે સાથે લોકશાહી પ્રક્રિયામાં લોકોની સામેલગીરી અને સવોપરિતા હાસંલ કરવા સત્યાગ્રહના ઓજાર તરીકે માહિતી અધિકારને પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ થશે. આ અભ્યાસક્રમનો ઉદેશ્ય એ પણ છે કે, સદૃઢ લોકશાહી પ્રક્રિયા માટે નાગરિકોની સજ્જતા કેળવવા અને તે માટે તેમને માહિતી અધિકાર કાયદા વિશે માહિતગાર કરવા અને તેના ઉપયોગ થકી સરકારી વહીવટમાં પારદર્શક્તા લાવવા લોકોને પ્રોત્સાહિત કરવા.”
ડો. સંધ્યાબેન ઠાકરે વધુમાં જણાવ્યુ કે, આ કોર્ષમાં ચાર પેપર હશે. આ અભ્યાસક્રમનું માળખું તૈયાર કરવામાં માહિતી અધિકાર ગુજરાત પહેલ (એમ.એ.જી.પી) સંસ્થાની મદદ લેવામાં આવી છે. આ સંસ્થા માહિતી અધિકારના કાયદાના પ્રચાર-પ્રસાર સાથે જોડાયેલી છે. આ ક્ષેત્રના તજજ્ઞોને લેક્ચર લેવા બોલાવવામાં આવશે”
માહિતી અધિકાર ગુજરાત પહેલ સંસ્થાના હરીણેશ પંડ્યાએ જણાવ્યુ કે, આ સર્ટીફિકેટ કોર્ષ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે, તેમાં આ કાયદો કઇ રીતે અસ્તિત્વમાં આવ્યો, વહીવટીતંત્રમાં પારદર્શક્તા લાવવામાં કેટલી મહત્વની ભૂમિકા ભજવી, આ કાયદાની અમલીકરણમાં કેવી-કેવી મુશ્કેલીઓ આવી અને હાલ શું સ્થિતિ છે એ તમામ બાબતો આવરી લેવામાં આવી છે. આ કાયદો એ સામાજિક ચળવળમાંથી આવ્યો છે. અમને આશા છે કે, સામાજિક ક્ષેત્રે સક્રિય લોકો, જુનિયર એડવોકેટ, વિદ્યાર્થીઓને આ અભ્યાસક્રમમાં જરૂર રસ પડશે”
તેમણે વધુમાં જણાવ્યુ કે, મુંબઇ યુનિવર્સિટી દ્વારા આવો એક છ મહિનાનો સર્ટીફિકેટ કોર્ષ શરૂ કર્યો હતો પણ એ હાલ બંધ છે. અમને આશા છે કે, આ કોર્ષમાં લોકોને રસ પડશે અને આ દ્વારા માહિતી અધિકારના કાયદાને વધુ મજબૂત બનાવી લોકશાહીમાં લોકોની તાકાતે વધારે બળ મળશે”