અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસથી ડબલ ઋતુનો માહોલ છવાયો છે. ઉનાળાની શરૂઆત તો થઈ જ ગઈ છે પણ ઠેર ઠેર કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. જેને લઈને કેરી રસિયાએે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
ગુજરાતના સોરઠની કેસર કેરી જગવિખ્યાત છે. ત્યારે આ વર્ષે કમોસમી વરસાદને કારણે કેરીના પાકનો કચ્ચરઘાણ વળી ગયો છે. કેરીઓ આંબા પરથી ખરી પડી છે. તો બીજી તરફ, ભારે પવનને લઈને બાગાયતી ખેતી કરતા ખેડૂતોના હાલ બેહાલ જોવા મળ્યા છે.
માવઠાને કારણે જૂનાગઢમાં કેરી અને ચીકુના પાકને ખૂબ જ નુકસાન થયપું છે. એમાં પણ ઝાકળ પડતી હોવાથી કેરી સળી જતી હોવાનું જોખમ પણ માથે ઊભું છે. શરૂઆતમાં આંબે મોર આવ્યા હતા ત્યારે આ વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થાય તેવી ખેડૂતોનો આશા હતી. પરંતુ કમનસીબે કમોસમી વરસાદે કેરીના ઉત્પાદન પર પાણી ફેરવું કાઢ્યું છે.
ચીકુનું ઉત્પાદન પણ ઘટશે
ફળોનું હબ ગણાતા વંથલીમાં ચીકુ અને સીતાફળની ખૂબ જ મોટા પ્રમાણમાં ખેતી થાય છે. ત્યારે અત્યારે ચીકુની સિઝન છે. પરંતુ વાતાવરણે બધો જ ખેલ બગાડી નાંખ્યો છે. મોટાભાગના ચીકુ ઝારપ પરથી ખરી પડ્યાં છે. તેને લઈને ઉત્પાદનમાં ઘટાડો થશે.