Home /News /ahmedabad /બપોર બાદ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો, બનાસકાંઠા, મહેસાણા સહિત પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ
બપોર બાદ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો, બનાસકાંઠા, મહેસાણા સહિત પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ
બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ
Gujarat Weather Update: વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતનું વાતાવરણ ઠંડુગાર જોવા મળ્યું છે. સવારથી જ કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા છે. ત્યારે બપોર બાદ અચાનક ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
બનાસકાંઠાઃ વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતનું વાતાવરણ ઠંડુગાર જોવા મળ્યું છે. સવારથી જ કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા છે. ત્યારે બપોર બાદ અચાનક ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેને પગલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત અનેક જગ્યાએ કમોસમી વરસાદ ખાબક્યો હતો.
વાવમાં એક ઇંચ વરસાદ
સમગ્ર જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું. ત્યારે સમી સાંજે જિલ્લાના અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે ચોમાસા જેવો માહોલ છવાઈ ગયો છે. ત્યારે વાવ તાલુકામાં એક ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે થરાદમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે વાવ અને થરાદના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.
થરાદમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે કમોસમી વરસાદને કારણે અનેક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેટલું જ નહીં, ખેડૂતોના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. પાછોતરા વાવેતર કરેલા ઘઉં, એરંડા, રાયડો સહિત અનેક પાકમાં નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે.
પાટણમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો
બપોર બાદ પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે કમોસમી વરસાદ શરૂ થયો છે. ત્યારે પાટણ, વારાહી, રાધનપુર અને સિદ્ધપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.
મહેસાણામાં ભારે બફારા વચ્ચે વરસાદ શરૂ
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ ભારે બફારા બાદ અચાનક વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં ઠંડક છવાઈ ગઈ છે અને લોકોને બફારામાંથી છૂટકારો મળ્યો છે. તો બીજી તરફ, કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતા વધી ગઈ છે.
ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. ગીર-સોમનાથ જિલ્લામાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા છે. ત્યારે ખેડૂતોને કમોસમી વરસાદની ચિંતા થઈ રહી છે. જો ફરી એકવાર વરસાદ આવશે તો કેરી સહિત અનેક કઠોળના પાકને વ્યાપક નુકસાન પહોંચશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસમાં પડેલા વરસાદે સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલ બેહાલ કરી નાંખ્યા છે.
જિલ્લાના સાંતલપુરના રણ વિસ્તારમાં મિની વાવાઝોડું ફૂંકાયું છે. ત્યારે રણ વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભારે પવનને કારણે સોલાર પ્લેટ્સને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. મોટા પ્રમાણમાં સોલાર પ્લેટ્સ તૂટી ગઈ છે. ત્યારે તૂટેલી સોલાર પ્લેટ્સ ઉડીને અગરિયાના ઘરના છાપરાં પર પડતા તેમના ઘરોમાં નુકસાન પહોંચ્યું છે. વરસાદી ઝાપટાથી મીઠાના ઉત્પાદનમાં પણ નુકસાન થવાની ભીતિ છે. ત્યારે તોફાનને કારણે અગરિયાઓને ‘પડ્યા પર પાટું’ જેવો ઘાટ સર્જાયો છે.
માઉન્ટ આબુમાં કરા પડ્યાં
રાજ્યમાં છેલ્લા ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં કરા સાથે માવઠું થઇ રહ્યું છે. ત્યારે ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ માવઠા સાથે કરા પડ્યાં છે. ત્યારબાદ આખા વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને સહેલાણીઓને વાતાવરણની મઝા માણી હતી. સવારથી આબુમાં આકાશ વાદળોથી ઘેરાયેલું હતું અને વાતાવરણમાં ભેજ છવાયો હતો. જેની અસરના પગલે બપોર બાદ ભારે વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ વરસાદ અને કરા પડ્યા હતા. માઉન્ટ આબુમાં અચાનક કરા પડતા સ્થાનિક લોકો અને સહેલાણીઓએ તેની મઝા માણી હતી. સહેલાણીઓ કરા હાથમાં લઇને રમી રહ્યા હતા.