ગજેન્દ્ર કલાલ, અમદાવાદ : ગુજરાત ડગલેને પગલે વિકાસ સાથે ખભો મિલાવીને આગળ વધતું રહ્યું છે. રાજ્ય સરકારે ગુજરાતમાં ડીજીટલ ક્રાંતી લાવવા માટે ઈ-ગ્રામ યોજના હેઠળ દરેક જિલ્લાઓમાં તમામ સેવાઓને ગ્રામ્યકક્ષાએ ઓનલાઈન કરાવી છે. ત્યારે ફરી રાજ્યસરકારે તેમાં વધુ અસરકાર કરવા ડીજિટલ ગુજરાત વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/ દ્વારા સેવાઓ ઓનલાઈન કરીને લોકોને સહુલીયત પુરી પાડી છે. આ સાથે રાજ્યપોલીસ વિભાગ દ્વારા https://police.gujarat.gov.in/ નું વેબ પોર્ટલ હોય છે તો તેની સાથે દરેક જિલ્લા પોલીસ વડાનું વેબ પોર્ટલ બનાવાય છે.
ગુજરાત રાજ્યમાં વર્ષ 2007માં તાપી જિલ્લો અને વર્ષ 2013માં સાત જિલ્લામાં અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, દેવભુમી દ્વારકા, મહિસાગર, મોરબી, તથા ગીર સોમનાથ બનાવાયા હતા. આ તમામ નવા જિલ્લા બનાવ્યા બાદ નવેસરથી તમામ પ્રકારની સુવીધા, સરકારી કચેરી જેવા કાર્યો કરીને નાગરીકોની મુશ્કેલી નિવારવામાં આવી હતી. પણ આ તમામ નવા જિલ્લામાટે હજી પણ 13 વર્ષથી સરકારની જીલ્લા પોલીસની વેબસાઈટ ના હોવાથી મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના પોલીસ વડાની વેબસાઈટ તથા જિલ્લા કલેક્ટરનું ઓનલાઈન પોર્ટલ બનાવામાં આવે છે. આ પ્રકારના ઓનલાઈન પોર્ટલ દ્વારા જિલ્લાનો જે તે નાગરીક સરળતાથી તેનો ઉપયોગ કરી તેમા રહેલ તમામ પ્રકારની સેવાઓનો લાભ ઉઠાવી શકે છે. આ સરકારી પોર્ટલમાં જિલ્લા વ્યવસ્થાપનના જાહેર નોટીસ, જાહેરનામાં, નવા નિયમો જેવી તટસ્થ જાણકારી મળી રહે છે.
શું હોય છે જિલ્લા પોલીસની વેબસાઈટ પર
ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા પૈકી 25 જિલ્લા પોલીસ વડાની વેબસાઈટ કાર્યરત છે. આ પોર્ટલનું સંચાલન જિલ્લા પોલીસ વડાની કચેરીથી થતું હોય છે. જિલ્લા પોલીસ વડાની કચેરીથી પોતાના જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નાગરીકોને સંદેશ તથા નવા નોટીફીકેશન તેમા મુક્વામાં આવે છે. આ પોર્ટલ દ્વારા ઈ-નાગરીક તરીકે રજીસ્ટ્રેશન કર્યા બાદ વિવિધ બાબતોની માહિતી કે ફરિયાદ મોકલી શકે છે અને તેની અપડેટ વિશે પણ જાણી શકે છે તથા ફરિયાદ અંગેની કાર્યવાહી મેઈલ દ્વારા પણ મોકલવામાં આવે છે. આ સિવાય તેમાં ભાડુઆત/ઘરઘાટીની નોધણીનું ફોર્મ, પોલીસ સ્ટેશન ક્યા છે તથા તેમનો સંપ્રક નંબર અને સરનામું આપવામાં આવે છે. જનસેવા કેન્દ્ર, પાસપોર્ટ વેરીફીકેશન, પોલીસ ક્લીયરંસ સર્ટીફીકેટ, પાકીસ્તાની નાગરીકોની નોંધણી, પાકીસ્તાની નાગરીકોની રોકાણનું એક્સટેન્શન, વિદેશીઓના રહેઠાણનું એક્સટેન્શન, લાંબાગાળાના વિઝા મેળવવાં, સિનિયર સિટીજન વિરૂદ્ધ બનતા ગુના કાબુમાં લેવા માટે સિનિયર સિટીઝનની ઓળખ કરીને તેમના માટે સુવિધા પુરી પાડવી, આપઘાત, નાસી છુટે, વણઓળખાયેલ, ગુમથયેલ, બિનસારસી શબ, વોન્ટેડ, અટક કરેલની સુવીધા ઓનલાઈન રાખવામાં આવે છે.
કયા જિલ્લા શેમાંથી નવા બન્યા ?
2 ઓક્ટોબર 2007ના રોજ સુરત જિલ્લામાંથી 26માં જિલ્લા તરીકે તાપી જિલ્લો બનાવાયો હતો. જેમાં સાત તાલુકાનો સમાવેશ કરાયો હતો. ત્યારબાદ 15 ઓગસ્ટ 2013ના રોજ સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી, અમદાવાદ અને ભાવનગરમાંથી બોટાદ, વડોદરા જિલ્લામાંથી છોટા ઉદયપુર, જામનગર જિલ્લામાંથી દેવભુમી દ્વારકા, ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી મહિસાગર, રાજકોટ-સુરેન્દ્રનગર અને જામનગરમાંથી મોરબી જિલ્લો, તથા જુનાગઢમાંથી ગીર સોમાનાથ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો.
1 મે ગુજરાત બન્યા પછી તેમાં બદલાવ
1 મે 1960ના રોજ બોમ્બે સ્ટેટ માંથી અલગ થઈને ગુજરાત રાજ્ય બન્યુ ત્યારે તેના 17 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ડાંગ, જામનગર, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાંબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તથા વડોદરા રાજ્યો હતા. આ બાદ 2 ઓગસ્ટ 1965ના રોજ મહાત્માં ગાધીજીનાં નામ પરથી ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી. વર્ષ 1966માં વલસડા જિલ્લો તથા 2 ઓક્ટોબર 1997ના રોજ ખેડામાંથી આણંદ, પંચમહાલમાંથી દાહોદ, ભરૂચ અને વડોદરામાંથીં નર્મદા જિલ્લો, વલસાડમાંથી નવસારી અને જુનાગઢમાંથી પોરબંદર જિલ્લાની રચના કરવામાં આવી હતી. તથા વર્ષ 200માં મહેસાણા અને બનાસકાંઠામાંથી પાટણ જિલ્લાની રચના થઈ હતી.
શું છે જી-સ્વાન (G-SWAN)
રાજ્ય સરકારની તમામ વેબસાઈટ જે પોતાની માલીકીની છે તે તમામ જી-સ્વાન સાથે સંકળાયેલ હોય છે. જીસ્વાનનું સંચાલન ગાંધીનગર ખાતેથી થાય છે જ્યાં તમામ પ્રકારના વિભાગોની વેવેબસાઈટ બનાવવાથી લઈને તમામ પ્રકારનો ડેટા સાચવવાની કામગીરી કરવવામાં આવે છે. આ ટેક્નીકલ સાધનોથી સજ્જ જીસ્વાન સંચાલન ગાંધીનગરથી કરવામાં આવે છે. જીસ્વાનની ટીમ દ્વારા પોલીસ ખાતાના તમામ કાયદાઓ નાંખવા, ક્યા IPC હેઠળ ક્યો ગુનો નોંધવો તથા ઓનલાઈન FIR જેવી તમામ સગવડોનું કાર્ય ત્યાથી કરવામાં આવે છે.