અમદાવાદ : શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રના નિધિ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી પ્રથમ તબક્કામાં 100 કરોડ રૂપિયાની નિધિ સમર્પણ થયું છે . ત્યારે 31 જાન્યુઆરીથી બીજા તબક્કાનું અભિયાન વિશ્વ હિન્દુ પરિષદ કરવા જઇ રહ્યું છે. હવે વિહીપ લોકોના ઘર ઘર સુધી જઇ સમર્પણ નિધિ એકત્ર કરશે.
ઉત્તર ગુજરાત પ્રાંતના અભિયાન પ્રમુખ અશ્વિન પટેલે પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે ગુજરાત શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ દ્વારા હવેથી બીજા તબક્કાનું સમર્પણ નિધિ અભિયાન શરૂ થશે. 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ચાલનાર શ્રી રામ જન્મ ભુમિ તિર્થક્ષેત્રના નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત બીજા તબક્કા વિશ્વ હિન્દુ પરિષદ તથા સંઘ અને વિચાર સંસ્થાઓના કાર્યકર્તાઓ હવે ઘરે ઘરે સંપર્ક કરી પ્રત્યેક હિન્દુને મંદિર નિર્માણ કાર્ય સાથે જોડવાના છે. અત્યાર સુધી પ્રથમ તબક્કામાં 100 કરોડની રકમ સમર્પણ નિધિમાં આવી છે.
રૂપિયા 10, 100 અને 1000ની પાવતી દ્વારા ગુજરાતના 18556 ગામોમાં પ્રત્યેક ઘર સુધી પહોંચવાનો સંકલ્પ કરાયો છે. બીજા તબક્કાનું અભિયાન 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં તમામ વર્ગના લોકોએ રામજન્મ તિર્થ ભુમિ ક્ષેત્ર માટે નિધિ સમર્પણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. બીજા તબક્કામાં લાખો કાર્યકર્તા જશે પરંતુ સાથે મહિલાઓ પણ ડોર ટૂ ડોર જઇ નિધિ સમર્પણમાં લોકોને ભાગીદારી કરાવશે. એક અંદાજ મુજબ હજુ 100 કરોડ રૂપિયા ફંડ મળી શકશે. હવે વ્યાપક જનસમુદાય સુધી પહોંચવાનો સમય છે. અશ્વિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ ચરણમાં નિધિ સમર્પણની સાથે સાથે અમારા કાર્યકર્તાઓને સમાજના હૂંફ અને શ્રી રામલલા પ્રત્યેની અતુટ આસ્થાના પણ દર્શન થયા છે. જેથી હવે બીજા ચરણમાં લાખો કાર્યકર્તાઓ ઘરે ઘરે જવા માટે અત્યંત આતુર છે. રાષ્ટ્રીય સ્વાભિમાનની પુન : પ્રતિષ્ઠાના નારા સાથે શરૂ થયેલ આ અભિયાનમાં જોડવા હિંદુ સમાજ પણ આતુર છે.