Home /News /ahmedabad /Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય, રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય, રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

સેટેલાઇટ તસવીર

Gujarat rain forecast today: છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ રાજ્યના 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના પારડીમાં ચાર ઇંચ નોંધાયો છે. વાપી અને કપરાડામાં પણ ચાર ચાર ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 12 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

વધુ જુઓ ...
    અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી આપી છે. પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. આ દરમિયાન 10મી સપ્ટેમ્બરથી 12મી સપ્ટેમ્બર વચ્ચે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં એક લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ગુજરાતમાં સારો વરસાદ પડશે. એક અનુમાન પ્રમાણે રાજ્યમાં નવરાત્રી સુધી વરસાદનું જોર રહેવાની શક્યતા છે.

    કયા વિસ્તારોમાં વરસાદની આગાહી:


    10મી સપ્ટેમ્બર: દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી અને દમણમાં વરસાદની આગાહી.

    11મી સપ્ટેમ્બર: દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી. નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે.

    12મી સપ્ટેમ્બર: ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથમાં વરસાદની આગાહી.

    13મી સપ્ટેમ્બર: ડાંગ, નવસારી, અમરેલી, વલસાડ, ભાવનગર, દીવ, ગીર-સોમનાથમાં વરસાદની આગાહી છે.

    સરદાર સરોવરની સપાટીમાં વધારો


    ઉપરવાસમાં સારા વરસાદ અને પાણીની આવકને પગલે સરદાર સરોવરમાં પાણીની આવક વધી રહી છે. ડેમની સપાટી હાલ વધીને 137.34 મીટર થઈ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 07 સેમીનો વધારો થયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ ડેમમાં 96,348 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના બે દરવાજા 0.20 સેમી ખોલીને પાંચ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણીની કુલ જાવક 65,431 ક્યુસેક છે.


    દ્વારકામાં વરસાદ


    ગઈકાલે રાત્રે દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર તાલુકાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાત્રે આકાશી ગર્જનાઓને પગલે લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. ગ્રામ્ય પંથકમાં સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. હાલ પડેલો વરસાદ મગફળી અને કપાસના પાક માટે કાચા સોના સમાન સાબિત થશે. બીજી તરફ વરસાદને પગલે અમુક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી.

    જૂનાગઢમાં વરસાદ


    જૂનાગઢ શહેરમાં પણ ગત રાત્રે ધોધમાર વરસાદ વરસી ગયો હતો. અસહ્ય બફારા બાદ શહેરમાં કડાકા અને ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરમાં વરસાદ વરસ્યો હતો.


    રાજકોટમાં વરસાદ


    મોડી રાત્રે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ વીજળીના કડાકા અને ભડાકા સાથે અડધો ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. લાંબા સમય બાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજકોટ શહેરમાં પણ વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના માધાપર ચોકડી, મવડી, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. યાજ્ઞિક રોડ, જામનગર રોડ, શાસ્ત્રી મેદાન, રેલનગર, પોપટપરામાં પણ વરસાદ પડ્યો હતો.


    રાજ્યમાં પડેલો વરસાદ


    રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 103.21 ટકા વરસાદ વરસી ગયો છે. ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં 157.20 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં 110.71 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 84.24 ટકા, સૌરાષ્ટ્રમાં 91.15 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 113.07 ટકા વરસાદ પડ્યો છે.

    24 કલાકમાં પડેલો વરસાદ


    છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ રાજ્યના 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના પારડીમાં ચાર ઇંચ નોંધાયો છે. વાપી અને કપરાડામાં પણ ચાર ચાર ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 12 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Monsoon 2022, ગુજરાત, ચોમાસુ, વરસાદ

    विज्ञापन
    विज्ञापन