Home /News /ahmedabad /Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં સક્રિય થયેલું લૉ પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત, જાણો ગુજરાત પર શું અસર પડશે
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં સક્રિય થયેલું લૉ પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત, જાણો ગુજરાત પર શું અસર પડશે
સેટેલાઇટ તસવીર
Gujarat Monsoon 2022: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે માત્ર પોરબંદર, જૂનાગઢ અને વલસાડ ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
અમદાવાદ: રાજ્યમાં આજની સ્થિતિએ સિઝનને સરેરાશ 50 ટકાથી વધારે વરસાદ પડી ચૂક્યો છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલ એટલે કે 17મી જુલાઈથી રાજ્યમાં ક્રમશ: વરસાદનું જોર ઓછું થશે. આજે એટલે કે 16મી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સક્રિય થયું હતું તે હવે ડિપ્રેશન બની ગયું છે. જોકે, આ ડિપ્રેશનની અસર ગુજરાત પર નહીં થાય. કારણ કે ડિપ્રેશન સમુદ્ર વિસ્તારમાં છે, જમીન પર નહીં.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે માત્ર પોરબંદર, જૂનાગઢ અને વલસાડ ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. અહીં ભારે વરસાદની કોઈ આગાહી નથી.
ધરમપુર અને કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ ૫૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય 39 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 16 જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે 6:00 કલાક પુરા થતાં 24 કલાક દરમિયાન ધરમપુર તાલુકામાં 140 મિ.મી., કપરાડામાં 127 મિ.મી. મળી કુલ બે તાલુકાઓમાં પાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
જ્યારે ખેરગામ તાલુકામાં 93 મિ.મી, ચીખલીમાં 91 મિ.મી, તાલાલામાં 71 મિ.મી, વાપીમાં 69 મિ.મી, વઘઈમાં 67 મિ.મી, પારડી, ઉમરગામ અને સતલાણામાં 66 મિ.મી, અને ગણદેવીમાં 65 મિ.મી, મળી કુલ નવ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત થાનગઢ તાલુકામાં 64 મિ.મી, વલસાડમાં 61 મિ.મી, વાંસદા અને મોડાસામાં 54 મિ.મી, લખપતમાં 52 મિ.મી, વેરાવળમાં 51 મિ.મી, માતર અને છોટા ઉદેપુરમાં 50 મિ.મી, મળી કુલ આઠ તાલુકાઓમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 56 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 101.79 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 71.88 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 56.61 ટકા, પૂર્વ ગુજરાતમાં 43.72 ટકા અને ઉત્તર ગુજરાતમાં 39.91 ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.
રાજ્યના મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 50.92 ટકા જળસંગ્રહ
રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં તા. 16 જુલાઈ- 2022 સુધીમાં 50.92 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,69,139 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 50.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3,02,397 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 54.18 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
રાજ્યમાં 27 જળાશયોમાં 10 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે 41 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 29 જળાશયો (સરદાર સરોવર સહિત)માં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 48 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 62 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.
" isDesktop="true" id="1229213" >
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 27 જળાશયો 100 ટકાથી વધુ, 15 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 13 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 12 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.