અમદાવાદ: આ વર્ષે ચોમાસાએ મન મૂકીને ભીંજાવ્યા છે. રાજ્યમાં સર્વત્ર મેઘમહેર વચ્ચે નદી-નાળા ઓવરફ્લો થયા છે, ત્યાં જ ખેડૂતો માટે પણ સમગ્ર વર્ષ દરમિયાન પાણીની સમસ્યા રહેશે નહીં. જોકે, ભાદરવમાં ભરપૂર વરસાદ ખાબક્યો છે, ત્યારે નજીક આવી રહેલા નવરાત્રીના તહેવારને લઇને ખેલૈયાઓમાં થોડી ચિંતા જોવા મળી રહી હતી. પરંતુ ખેલૈયાઓ માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી ખેલૈયાઓને રાહત આપનારી છે. નવરાત્રિમાં વરસાદની શક્યતાઓ નહીંવત છે.
હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં ચોમાસાનો અંતિમ તબક્કો છે. 2 દિવસ બાદ કચ્છમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. નવરાત્રિમાં વરસાદની શક્યતાઓ નહીંવત છે. હવામાન વિભાગની આગાહી ખેલૈયાઓ માટે આનંદના સમાચાર છે. નોંધનીય છે કે, અત્યાર સુધી નવરાત્રીમાં વરસાદ ખાબકવાની શક્યાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, નવરાત્રીમાં વરસાદ વિધ્ન ઊભું કરે તેની શક્યતા નહીવત છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વરસાદ રહેશે. રાજ્યમાં 22, 23 સપ્ટેમ્બરે વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે. જ્યારે માત્ર નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા છે. જે બાદ બે દિવસ બાદ ચોમાસાના વિદાયની શક્યતા છે. હાલ રાજ્યમાં ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે રાજ્ય ઉપરાંત ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જેને કારણે નર્મદા ડેમ અને ઉકાઇ ડેમમાં પુષ્કળ પાણીની આવક થઇ રહી છે. પાણીની વધતી જતી આવકને લઇને બન્ને ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તાપીમાં ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થતાં ડેમના 13 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ, તો હાલ ડેમની સપાટી 342.39 ફૂટ પહોંચી છે. બીજી બાજુ, ભરૂચમાં નર્મદાની સપાટી 19.2 ફૂટે સ્થિર જોવા મળી રહી છે. ગોલ્ડન બ્રિજ પર સપાટી 19.2 ફૂટે સ્થિર છે. નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, તો હાલ ડેમની સપાટી 342.39 ફૂટે પહોંચી છે.