અમદાવાદ: પોતાના બાળકને આરટીઈ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા માટે ગરીબ અને મધ્યમવર્ગના વાલીઓ દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે. વાલીઓની આ આતુરતા બસ હવે પૂર્ણ થવાની તૈયારીમાં જ છે કારણ કે, સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત થાય તે અગાઉ અમદાવાદના શિક્ષણ તંત્ર દ્વારા શાળાઓમાં જગ્યાઓને લઈ વેરીફીકેશનની પ્રક્રિયા શરુ કરી દેવાઈ છે. વેરીફીકેશનની આ પ્રક્રિયા ત્રણ લેયરમાં થવાની છે. જેથી કરીને ખાનગી શાળા પાસેથી શાળામાં સંખ્યાની સચોટ માહિતી મળી શકે.
રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ માટેની કવાયત શરુ થઈ ગઈ છે. કાયદા અન્વયે ખાનગી શાળામાં ધોરણ 1ની કુલ સંખ્યાના 25 ટકા બાળકોને આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવાનો હોય છે. પરંતુ કેટલીક ખાનગી શાળાઓ આરટીઈ અંતર્ગત ઓછા બાળકોને પ્રવેશ આપવો પડે તે માટે ધોરણ એકમાં બાળકોની સંખ્યા છુપાવવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ આવી ખાનગી શાળાઓ પણ હવે એ સંખ્યા છુપાવવા માંગતી હશે તો પણ છુપાવી નહિ શકે. કારણ કે અમદાવાદના શિક્ષણ તંત્ર દ્વારા આરટીઈની પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત થાય તે પહેલા જ શાળાઓમાં વિદ્યાર્થીઓની બેઠકની સંખ્યાને લઈને વેરીફીકેશનની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
આ વેરીફીકેશનની પ્રક્રિયા ત્રણ લેયરમાં થવાની છે. જેથી કરીને શિક્ષણ અધિકારીઓને વિદ્યાર્થીઓની સચોટ માહીતી મળી શકે. આ અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ ભરતસિંહ ગોહિલ જણાવે છે કે, વર્ષ 2023-24 માટે આરટીઈ અંતર્ગત અભ્યાસ માટે ગરીબ બાળકોને પ્રવેશ મળી રહે તે માટે સરકાર દ્વારા જાહેરાત આવશે. પણ તે પહેલા શાળાઓ આઈડેન્ટીફાય કરવી, શાળાઓના એડ્રેસ ચેક કરવા તેમજ એ શાળાઓમાં કેટલા વિદ્યાર્થીઓને ઈન ટેક આપવાનો છે તે તમામ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જે માટે 87 સીઆરસીની ટીમને કામગીરી સોંપવામાં આવી છે. 87 સીઆરસીની ટીમ દરેક શાળાઓમાં જઈ તમામ માહીતી એકઠી કરી રહી છે. વેરીફીકેશન પ્રક્રિયામાં તમામ સ્કૂલમાં પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી જોવામાં આવે છે, જીઆરમાં વિદ્યાર્થીઓની સંખ્યાની કેટલી એન્ટ્રી છે તે જોવામાં આવે છે. ત્યાર બાદ શાળામાં ધોરણ એકમાં કેટલા વિદ્યાર્થીઓ ફીઝીકલ હાજર છે તે જોઈ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા, શાળાની ભૌતિક સુવિધાઓ જોઈ શાળા આઈડેન્ટીફાય કરે છે.
મહત્વનું છે કે, રાઈટ ટુ એજ્યુકેશ એક્ટ અંતર્ગત રાજ્યમાં અંદાજે 1 લાખથી વધુ જગ્યા માટે ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ મળી રહે તે માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ ગરીબ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મળે અને તે પ્રક્રિયામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે આરટીઈની પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત પહેલા જ શાળાઓમાં વેરીફીકેશન પ્રક્રિયા શરુ કરી દેવાઈ છે.