Home /News /ahmedabad /Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં ઉપસી આવેલા આ ત્રણ યુવા ધુરંધરોને સાચવી ન શકી કોંગ્રેસ: શું છે તેનું કારણ?
Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં ઉપસી આવેલા આ ત્રણ યુવા ધુરંધરોને સાચવી ન શકી કોંગ્રેસ: શું છે તેનું કારણ?
ગુજરાતના રાજકારણના ત્રણ યુવા ધુરંધરો, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી
gujarat politics : 2017ની વિધાનસભા ચૂંટણી (Assembly elections) દરમિયાન આ ત્રણેય નેતાઓ હાર્દિક પટેલ (Hardik patel), અલ્પેશ ઠાકોર (alpesh thakor) અને જીગ્નેશ મેવાણી (jignesh mevani) કોંગ્રેસ (Congress) ની નજીક આવ્યા હતા. રાજકીય પંડિતોનું પણ માનવું છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સારા પ્રદર્શન પાછળ આ નેતાઓની મહત્વની ભૂમિકા હતી. પરંતુ હવે 2022 ચાલી રહ્યું છે. આજે આ ત્રણેય યુવા નેતાઓ વિખરાઈ ચુક્યા છે અને તેમના જનાધાર પર પણ અસર પડી છે.
Gujarat Politics : હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યા બાદ વધુ એક વખત કોંગ્રેસ પર સવાલ ઉઠી રહ્યા છે. શા માટે કોંગ્રેસ પોતાના ધુરંધર નેતાઓને સાચવી શકતી નથી? તે સવાલ સૌથી વધુ પુછાય છે. ગુજરાતમાં વર્ષ 2017ની ચૂંટણી સમયે સ્થાનિક અને રાષ્ટ્રીય ફલક પર ત્રણ ચહેરા ચર્ચાનું કેન્દ્ર રહ્યા હતા. તે સમયે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી માધ્યમોમાં છવાયેલા રહેતા હતા. આ ત્રણેય યુવા નેતાઓના કારણે 2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું હતું. કોંગ્રેસ 182માંથી 77 વિધાનસભા બેઠકો કબજે કરવામાં સફળ રહી હતી. એકંદરે, 1985 બાદ કોંગ્રેસનું આ સૌથી સારું પ્રદર્શન હતું.
ત્રણેય યુવા નેતાઓનો જન્મ આંદોલનમાંથી થયો
આ ત્રણેય નેતાઓએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આંદોલન કર્યું હતું. હાર્દિક પટેલ પાટીદાર અનામતની માંગ સાથેના આંદોલનમાંથી ઉભો થયેલો નેતા છે. આ સાથે જ જિગ્નેશ મેવાણી દલિત સમાજ માટે અવાજ ઉઠાવવા બદલ લોકપ્રિય બન્યો હતો. બીજી તરફ ત્રીજા યુવા નેતા અલ્પેશ ઠાકોર ઓબીસીના યુવા નેતા તરીકે ઉપસી આવ્યો હતો. તેણે પાટીદાર આંદોલન દરમિયાન ઓબીસી અનામતમાં કોઈ પણ કાપ મૂકવા સામે તેમના સમુદાયને ઉભો કર્યો હતો. આ ઉપરાંત તેણે રાજ્યમાં ખાસ કરીને પોતાના સમુદાયમાં દારૂના સેવન સામે જંગ છેડી હતી.
2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આ ત્રણેય નેતાઓ કોંગ્રેસની નજીક આવ્યા હતા. રાજકીય પંડિતોનું પણ માનવું છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સારા પ્રદર્શન પાછળ આ નેતાઓની મહત્વની ભૂમિકા હતી. પરંતુ હવે 2022 ચાલી રહ્યું છે. આજે આ ત્રણેય યુવા નેતાઓ વિખરાઈ ચુક્યા છે અને તેમના જનાધાર પર પણ અસર પડી છે.
હાર્દિક પટેલ
ગુજરાતના યુવા નેતાઓમાં હાર્દિક પટેલ સૌથી મહત્વનો ચહેરો છે. તે માત્ર 22 વર્ષની ઉંમરે પાટીદાર અનામતના મુદ્દે ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં લાખોની જનમેદનીને રસ્તા પર ઉતારીને દેશ અને દુનિયાની લાઇમલાઇટમાં આવી ગયો હતો. ગુજરાત સરકાર સામેના આંદોલથી સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ પક્ષમાં તેના માટે સ્થાન બન્યું અને કોંગ્રેસ પક્ષ પણ તેની લોકપ્રિયતાનું સન્માન કરતો હતો. પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. આજે હાર્દિક પટેલને કોંગ્રેસમાં કોઈ સંભાવના દેખાતી નથી. બીજી તરફ કોંગ્રેસ વિશે પણ કહી શકાય કે, તે અન્ય નેતાઓની જેમ ફરી એકવાર આ યુવા નેતાને સાચવવામાં નિષ્ફળ રહી છે.
ન્યૂઝ18 ગુજરાતી વેબસાઈટના એસોસિએટ એડિટર અને ગુજરાતના રાજકારણ પર નજર રાખનાર હરેશ સુથાર જણાવે છે કે, હાર્દિક વધારે મહત્વકાંક્ષી છે. કોંગ્રેસમાં સત્તાવાર રીતે પ્રવેશના માત્ર ત્રણ જ વર્ષમાં પાર્ટીએ તેને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષનું પદ સોંપી દીધું હતું. તેમજ ગુજરાતના મુદ્દાઓ અંગે કોંગ્રેસમાં તેની વાત સાંભળવામાં આવતી હતી. પણ તેને વધારે જોઈતું હતું.
કોંગ્રેસે રાજ્યમાં પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિમણૂક કરી છે. ત્યારબાદ પક્ષ દ્વારા રાજ્યના દિગ્ગજ પાટીદાર નેતા અને ઉદ્યોગપતિ નરેશભાઈ પટેલને પક્ષમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બંને પરિસ્થિતિઓમાં હાર્દિક પોતાના માટે કોઈ મોટી જગ્યા જોઈ શક્યો ન હતો. બીજી તરફ કોંગ્રેસની અંદર બિન પાટીદાર ઓબીસી વોટબેન્ક બનાવવાની રણનીતિનું પ્લાનિંગ થઈ રહ્યું છે.
અલ્પેશ ઠાકોર ક્યાં ગાયબ થઈ ગયો?
રાજ્યની ચૂંટણીના પરિણામને પ્રભાવિત કરતા મુખ્યત્વે ત્રણ વર્ગો છે. એક સમુદાય તરીકે પાટીદાર સમાજની વસ્તી સૌથી વધુ છે અને તે કુલ વસ્તીના લગભગ 30 ટકા છે. જેમાં બંને પાટીદારો વર્ગો એટલે કે, કડવા અને લેઉવાનો સમાવેશ થાય છે. જ્યારે બીજા નંબરનો સૌથી મોટો વોટ સમુદાય બિન પાટીદાર ઓબીસીનો છે. તેઓ વસ્તીના લગભગ 30-33 ટકા છે. તેમાં ઘણી જાતિઓનો સમાવેશ થાય છે અને આ સમુદાયમાં સૌથી વધુ પ્રભાવશાળી ઠાકોર સમાજ છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને યુવા નેતા અલ્પેશ ઠાકોર આ સમાજમાંથી આવે છે. પરંતુ 2017થી 2022 વચ્ચે ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભામાં પહોંચેલા અલ્પેશનો ટૂંક સમયમાં જ પક્ષથી મોહભંગ થઈ ગયો હતો અને વિધાનસભામાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયો હતો. એ પછીની પેટાચૂંટણીમાં તે હારી ગયો અને આજની તારીખે તે રાજ્યના રાજકારણમાં ક્યાંય દૂર દેખાય છે.
હાર્દિક પાસેના વિકલ્પો
હરેશ સુથારના કહેવા પ્રમાણે કોંગ્રેસ પાર્ટીએ ખૂબ જ ઓછા સમયમાં હાર્દિક પટેલને ઘણું બધું આપ્યું હતું. કાર્યકારી અધ્યક્ષ બનાવવાની સાથે જ બિહાર વિધાનસભા ચૂંટણી સમયે તેને સ્ટાર પ્રચારકનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને પાર્ટીએ તેના માટે વિશેષ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી. રાજ્યના રાજકારણમાં પણ હાર્દિકને ઘણી સત્તા આપવામાં આવી હતી. પરંતુ હાર્દિક સામે હવે મોટો પડકાર છે. તેના આંદોલનને ઘણો સમય વીતી ગયો છે. હવે સમાજ પરની તેની પકડ વિશે પાકા પાયે કહી શકાય નહીં. બીજી તરફ ભાજપે પણ રાજ્યની કમાન પાટીદાર સમાજના અગ્રણી ભૂપેન્દ્રભાઇ પટેલને સોંપી છે. તે પણ હાર્દિકની જેમ કડવા પાટીદાર છે. આવી સ્થિતિમાં જો હાર્દિક ભાજપમાં પ્રવેશે તો ભાજપમાં તેને કઈ જગ્યા આપવામાં આવશે તે જોવા જેવું રહેશે.
રાજ્યમાં પાટીદાર અને બિન-પાટીદાર ઓબીસી પછી ત્રીજો સૌથી મોટો વર્ગ દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ અને સવર્ણોનો છે. આ બધા થઈને લગભગ 30 ટકાની વોટબેંક બને છે. આ બધા સમુદાયને પોતાના નેતાઓ છે. પરંતુ તેમાં સૌથી લોકપ્રિય નામ જીગ્નેશ મેવાણીનું છે. પત્રકારત્વના વ્યવસાયમાંથી રાજનીતિમાં આવેલા જીગ્નેશ ખૂબ જ જુસ્સાથી દલિત સમાજના મુદ્દા ઉપાડે છે. 2017માં તે અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભામાં પહોંચ્યો હતો. તેણે ઘણા સમય પહેલા મૌખિક રીતે કોંગ્રેસમાં જવાનો ઇરાદો જાહેર કર્યો હતો, પરંતુ અમુક કારણોસર તે હજી સુધી કોંગ્રેસમાં જોડાયો નથી. તે રાજ્યમાં સતત દલિત સમાજનો મુદ્દા ઉઠાવતો રહ્યો છે અને રાજ્ય સરકારની નીતિઓની ટીકા કરી રહ્યો છે.