Home /News /ahmedabad /રાજ્યમાં ઓનલાઈન ડેટા એન્ટ્રી જોબના નામે મોટું કૌભાંડ, ગુજરાત પોલીસે લોકોને કર્યાં એલર્ટ

રાજ્યમાં ઓનલાઈન ડેટા એન્ટ્રી જોબના નામે મોટું કૌભાંડ, ગુજરાત પોલીસે લોકોને કર્યાં એલર્ટ

ગુજરાત પોલીસે લોકોને એલર્ટ કર્યાં.

Online data entry jobs scam: ગુજરાત પોલીસે 20મી સપ્ટેમ્બરના રોજ એક ટ્વીટ કર્યું છે. જેમાં લખ્યું છે કે, "ઓનલાઈન ડેટા એન્ટ્રી જોબની ઓફર આપી અલગ અલગ ફીના નામે છેતરપિંડી કરતાં સાઇબર ક્રિમિનલ્સથી સાવધાન રહો."

  ગાંધીનગર: ભેજાબાજો હંમેશા લોકોને છેતરવાની નવાં નવાં કીમિયો શોધી જ લેતા હાય છે. તાજેતરમાં કોરોના વેક્સીનનો ડોઝ લીધો છે કે તેમ પૂછીને ફોનમાં અમુક નંબર દબાવવાનું કહીને પૈસા પડાવી લેવામાં આવતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ બધાની વચ્ચે ગુજરાત પોલીસે (Gujarat police) પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ રાજ્યમાં ચાલી રહેલા ઓનલાઈન ડેટા એન્ટ્રી જોબ (Online data entry jobs scam)ના કૌભાંડથી સાવધાન રહેવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે ડેટા એન્ટ્રી (Data entry Jobs)ના નામે પૈસા પડાવી લેવાનું કૌભાંડ ઘણા લાંબા સમયથી ચાલે છે. અનેક વખત આ પ્રકારના કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. અમુક કિસ્સામાં પીડિતોએ નાની રકમ ગુમાવી હોવાથી ફરિયાદ પણ નથી કરવામાં આવતી. જેના પગલે આવા તત્ત્વોને વધારે બળ મળે છે.

  ગુજરાત પોલીસે શુ ટ્વીટ કર્યું?

  ગુજરાત પોલીસે 20મી સપ્ટેમ્બરના રોજ એક ટ્વીટ કર્યું છે. જેમાં લખ્યું છે કે, "ઓનલાઈન ડેટા એન્ટ્રી જોબની ઓફર આપી અલગ અલગ ફીના નામે છેતરપિંડી કરતાં સાઇબર ક્રિમિનલ્સથી સાવધાન રહો." આ ટ્વીટમાં એક તસવીર પણ જોડવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, "સાઇબર ક્રિમીનલ્સ ડેટા એન્ટ્રી માટેની ખોટી જાહેરાતો સોશિયલ મીડિયા પર મૂકે છે. ઊંચી આવકની લાલચ આપીને લોકોને ફસાવે છે. જોબ અપાવવા માટે અલગ અલગ પ્રકારની ફીની માંગણી કરે છે. લોકો પાસેથી ફીની રકમ પડાવીને છેતરપિંડી કરવામાં આવે છે. સાઇબર ક્રાઇમની ફરિયાદ cybercrime.gov.in અથવા હેલ્પલાઇન નંબર 155260 પર નોંધાવો."

  કેવી રીતે થાય છે છેતરપિંડી?

  ઓનલાઈન ડેટા એન્ટ્રી જોબના નામે છેલ્લા ઘણા સમયથી છેતરપિંડી ચાલી રહી છે. ખાસ કરીને લૉકડાઉન (Lockdown) દરમિયાન લોકો ઘરે હતા ત્યારે આ પ્રકારની લલચામણી ઑફર્સ વધારે આપવામાં આવતી હતી. જેમાં સાઇબર ઠગો (Cyber criminals) ઓનલાઇન અને ફ્રીલાન્સ જોબ ઑફર કરતી એપ્સ મારફતે ઓનલાઇન ડેટા એન્ટ્રીના કામની જાહેરખબર આપે છે. જેમાં લોકોને મોટી કમાણીનું વચન આપવામાં આવે છે. એક વખત કોઈ વ્યક્તિ તેમના તરફથી આપવામાં આવતા ઇ-મેલ પર સંપર્ક કરે છે ત્યારે તેમને ઠગવાની શરૂઆત થાય છે. આ છેતરપિંડી અલગ અલગ રીતે કરવામાં આવે છે.

  આ પણ વાંચો: વલસાડના વૃદ્ધનું બેંક ખાતું સુરતના યુવાને કરી નાખ્યું ખાલી, છેતરપિંડીની ટ્રિક જાણીને પોલીસ પણ માથું ખંજવાળવા લાગી

  >> ઇ-મેલ પર સંપર્ક કરીને તમને ડેટા એન્ટ્રી જોબ માટે અમુક પેકેજ ઑફર કરવામાં આવશે. દા.ત. અમુક રકમ ભરો તો અમુક રકમ સુધીનું કામ મળશે. આ કિસ્સામાં જેમ વધારે રકમ ભરો તેમ તેમ વધારે આવક મળશે તેવી ઑફર કરવામાં આવે છે.

  >> સાઇબર ઠગો તમારી પાસે પ્રોસેસિંગ અથવા સિક્યુરિટી ડિપોઝિટના નામે અમુક ફી વસૂલ કરે છે. જેમાં એવી ખાતરી આપવામાં આવે છે કે તમે અમુક કામ પૂર્ણ કરશો ત્યારે આ રકમ પરત આપી દેવામાં આવશે. અમુક રકમ ભર્યાં બાદ કોઈ બીજી ફી કે બહાને વધુ રકમ માંગવામાં આવે છે. જ્યાં સુધી જે તે વ્યક્તિને પોતે છેતરાયો હોવાનો અહેસાસ ન થાય ત્યાં સુધી આ છેતરપિંડી ચાલે છે.

  >> ડેટા એન્ટ્રીના કામ સાથે અમુક શરતો રાખવામાં આવે છે. જેમ કે અમુક દિવસોમાં અમુક કામ પૂર્ણ કરીને આપવાનું રહેશે, નહીં તો ડિપોઝિટ જપ્ત થઈ જશે. આ શરતો સામાન્ય રીતે એવી હોય છે, જેને પૂર્ણ કરવી અશક્ય હોય છે. આવા કિસ્સામાં ડિપોઝિટ જપ્ત કરીને છેતરપિંડી કરવામાં આવે છે. આ માટે અમુક એગ્રિમેન્ટ પણ કરાવવામાં આવતું હોય છે. જેનાથી ઠગો એવું સાબિત કરી શકે કે નિયમ પ્રમાણે તેમની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી છે.  >>ફ્રિલાન્સ વર્ક ઑફર કરતી એપ્સ પર મોટાભાગે આવી જાહેરખબરો જોવા મળે છે. આવા કિસ્સામાં મોટાભાગે જાહેરાત પોસ્ટ કરનાર વ્યક્તિની પ્રૉફાઇલ જોઈને જ તે ફ્રોડ છે કે નહીં તે વાતનો અંદાજ લગાવી શકાય છે. સામાન્ય રીતે ફ્રિલાન્સ જોબ ઑફર કરતી એપ્સ તેમના થકી કામ આપતી હોય છે. જેમાં તેઓ અમુક ટકા કમિશન લે છે. પરંતુ સાઇબર ઠગો આવી એપ્સ પર જોબ માટે અપ્લાય કરનાર લોકોનો વ્યક્તિગત સંપર્ક કરીને તેમને પોતાની જાળમાં ફસાવે છે. ફ્રિલાન્સ એપ્સના કેસમાં જો વ્યક્તિ એપ્સ મારફતે જ કામ મેળવે તો તેમાં છેતરપિંડીની શક્યતા નહિવત રહે છે. કારણ કે જે તે એપ્સ જાહેરખબર આપનાર વ્યક્તિ પાસેથી અમુક રકમ ડિપોઝિટ તરીકે મેળવે છે. આ રકમ કામ પૂર્ણ થયે જે તે વ્યક્તિને આપી દેવામાં આવે છે. બદલવામાં એપ્સ પોતાનું કમિશન મેળવે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: CYBER CRIME, Data Entry, Job, ગુજરાત, ઠગાઇ, પોલીસ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन