Home /News /ahmedabad /કમોસમી વરસાદને કારણે ફ્રૂટના ભાવ આસમાને, ચૈત્રી નવરાત્રી-રમઝાનને માગ વધુ આવક ઓછી; 20થી 30 ટકા ભાવવધારો
કમોસમી વરસાદને કારણે ફ્રૂટના ભાવ આસમાને, ચૈત્રી નવરાત્રી-રમઝાનને માગ વધુ આવક ઓછી; 20થી 30 ટકા ભાવવધારો
ફાઇલ તસવીર
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કૃષિ પાક અને બાગાયતી પાકને નુકસાન થયું છે અને આવક ઘટી છે. તો બીજી તરફ, ચૈત્રી નવરાત્રી અને રમઝાન ચાલી રહ્યો છે. તેને કારણે ફળફળાદિની માગમાં વધારો થયો છે.
અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કૃષિ પાક અને બાગાયતી પાકને નુકસાન થયું છે અને આવક ઘટી છે. તો બીજી તરફ, ચૈત્રી નવરાત્રી અને રમઝાન ચાલી રહ્યો છે. તેને કારણે ફળફળાદિની માગમાં વધારો થયો છે. કમોસમી વરસાદની અસર શાકભાજી અને ફ્રૂટ માર્કેટ પર જોવા મળી છે. વધુ માગ અને ઓછી આવક સામે ભાવવધારો થયો છે. કમોસમી વરસાદને કારણે ફ્રૂટના ભાવ 20થી 30 ટકા વધી ગયા છે. કેરીના આવકમાં 50 ટકા ઘટાડો થયો હતો. ત્યારે ગુજરાતમાંથી આવતા કેરી, તરબૂચ, દ્રાક્ષ, ચીકુ, કેળાની આવક પર પણ કમોસમી વરસાદની અસર જોવા મળી છે
ફ્રૂટ માર્કેટના વેપારી રમેશભાઈ મારવાડીએ જણાવ્યુ હતુ કે, ‘કમોસમી વરસાદ પડવાના કારણે કેરીની આવકમાં 50થી 60 ટકા ઘટાડો છે. આ સાથે ગુજરાતમાંથી આવતા ફળ પર અસર પડી છે. ભાવમાં પણ 20થી 30 ટકા વધારો થયો છે. લોકો ફ્રૂટ લેવા આવે તો છે. પરંતુ કિલો ફ્રૂટ લેવા આવનારા અડધો કિલો લઈને જાય છે.’
એક કિલો દ્રાક્ષ 80થી 100 રૂપિયા છે. જ્યારે મોસંબી 500થી 600ની બોરી છે. તેમજ તરબૂચના એક કિલોના ભાવ 15થી 20 રૂપિયા છે. તેમજ સફરજનના કિલોના ભાવ 150થી 180 રૂપિયા છે. તો ચીકુના ભાવ 50થી 60 રૂપિયા અને દાડમના કિલોના ભાવ 100થી 150 છે. જ્યારે બેંગ્લોરની હાફૂસ કેરી 400 રૂપિયા એક ડઝન છે. જ્યારે રત્નગિરી હાફૂસ એક ડઝનના 800 રૂપિયા છે અને કેસર કેરી 9 કિલો બોક્સના 1000થી 1500 રૂપિયા છે.
રાજેશ્વરીબેને જણાવ્યું હતું કે, ‘ફ્રૂટના ભાવમાં વધારો થયો છે. તહેવારો ચાલી રહ્યા છે. ચૈત્રી નવરાત્રી કરી રહ્યા છીએ પણ ફ્રૂટના ભાવ સાંભળીને જ લેવાની ઈચ્છા ન થાય અને કમોસમી વરસાદના કારણે અસર ફ્રૂટ માર્કેટ જોવા મળી છે.’ સફરજન, કેલિફોર્નિયા દ્રાક્ષ, ઓરેન્જ, કિવી સહિતના ફ્રૂટ ગુજરાત બહારથી આવી રહ્યા છે. તેને લીધે ભાવ ઊંચા હોય છે. ગુજરાતમાંથી આવતા ફ્રૂટ પર કમોસમી વરસાદનું ગ્રહણ લાગ્યું છે. તેથી આવક ઓછી થઈ છે અને ભાવ આસમાને પહોંચ્યા છે.