Home /News /ahmedabad /અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી: ભારતીય જનતા પાર્ટીએ વધુ એક બેઠક જીતી, સંખ્યાબળ 160 થયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી: ભારતીય જનતા પાર્ટીએ વધુ એક બેઠક જીતી, સંખ્યાબળ 160 થયું

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં કૉંગ્રેસની બેઠક ઘટીને 24 થઈ, ભારતીય જનતા પાર્ટી 160 બેઠક પર વિજેતા, 7 બેઠક ઓવૈસીની AIMIM પાર્ટીના ફાળે, એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા.

અમદાવાદ: 21મી ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં યોજાયેલી છ મનપાની ચૂંટણી (Gujarat Municipal Elections) બાદ 23મી ફેબ્રુઆરીએ મતગણતરી યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)માં ભારતીય જનતા પાર્ટીએ 159 બેઠક જીતી હતી. જોકે, એક બેઠક પર એક રાઉન્ડના મત ન ગણાયા હોવાની ફરિયાદ ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી પંચમાં કરવામાં આવી હતી. આ મામલે ચૂંટણી પંચ તરફથી હવે વધુ એક બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ કૉંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર એ આવી રહ્યા છે કે લઘુમતિ કાઉન્સિલરો વિપક્ષ નેતાનું પદ માંગી રહ્યા છે. આવું ન કરવામાં આવે તો કેટલાક કાઉન્સિલરો પક્ષ છોડી શકે છે.

મળતી માહિતી પ્રમાણે કુબેરનગરની એક બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. ચૂંટણી પંચ તરફથી કુબેરનગરના ગીતાબા જાડેજાને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ ભાજપનું કુલ સંખ્યાબળ 160 થયું છે. જ્યારે કૉંગ્રેસની એક બેઠક ઘટી છે. કૉંગ્રેસના વિજેતા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર જગદીશ મોહનની હાર થઈ છે.

આ પણ વાંચો: દમણ: સોલવન્ટ ભરેલું ટેન્કર ભળભળ સળગતા લોકોનાં જીવ તાળવે ચોંટ્યાં

મતગણતરીમાં થઈ હતી ચૂક

મળતી માહિતી પ્રમાણે મતગણતરીના દિવસે નવમા રાઉન્ડ દરમિયાન ચૂક થઈ હતી. નવમા રાઉન્ડના મતોની ગણતરી કરવામાં આવી ન હતી. જે બાદમાં ભાજપના મહિલા ઉમેદવારની હાર બતાવવામાં આવી હતી. આ મામલે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી પંચને રજુઆત કરવામાં આવી હતી. નવમા રાઉન્ડની ગણતરી ધ્યાનમાં લેતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. આ સાથે જ કુબેરનગરમાં કૉંગ્રેસની પેનલ પણ તૂટી છે.

આ પણ વાંચો: અમદાવાદ: 'અમારી વગ ઉપર સુધી છે, અરજી પાછી નહીં લો તો પાછળથી તકલીફ પડશે,' મહિલાને ધમકી

કૉંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર

અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી બાદ કૉંગ્રેસ પાર્ટી માટે વધુ એક માઠા સમાચાર છે. કુબેરનગરની બેઠક ગુમાવ્યા બાદ હવે લઘુમતિ કાઉન્સિલરો વિપક્ષ નેતાનું પદ માંગી રહ્યા છે. જો હવે લઘુમતિ કાઉન્સિલરને વિપક્ષ નેતાનું પદ નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં પાંચથી સાત કૉંગ્રેસી કાઉન્સિલર પક્ષ છોડી શકે છે. કૉંગ્રેસના કાઉન્સિલરોએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો સંપર્ક પણ સાધ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષ નેતા પદ માટે 21 કાઉન્સિલરનું સંખ્યાબળ જરૂરી છે. જો આ સંખ્યાબળ ન હોય તો વિપક્ષનું પદ ન મળી શકે. એટલે આજના દિવસે કૉંગ્રેસ માટે એક સાથે બે માઠા સમાચાર આવ્યા છે.

અમદાવાદ ચૂંટણી પરિણામ:

અમદાવાદ કોર્પોરેશનની કુલ 192 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીએ 160 બેઠક, કૉંગ્રેસ પાર્ટીએ 24 બેઠક, AIMIM પાર્ટીએ 7 બેઠક જીતી છે. એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે.


" isDesktop="true" id="1075339" >


કૉંગ્રેસની ઓફિસ નાની કરી દેવાઈ

અમદાવાદમાં કૉંગ્રેસની બેઠક 24 થઈ ગઈ છે. આ કારણે જ હવે કોર્પોરશન ખાતે તેની ઓફિસ નાની કરવામાં આવશે. આ માટે તૈયાર પણ શરૂ કરી દેવામાં આવી છે. કૉંગ્રેસની ઓફિસ નાની કરીને AIMIMના સાત કોર્પોરેટરો માટે નવી ઓફિસ બનાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક અપક્ષ ઉમેદવાર પણ વિજેતા બનતા તેમના બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી શક્યતા છે.

-(ઇનપુટ: મયુર માકડિયા)
First published:

Tags: Local Body Polls, અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા, એએમસી`, કોંગ્રેસ, ભાજપ