Home /News /ahmedabad /મારી પેશન-ઇન્ટેન્સિટી પાછળ ‘સળગતા સૂરજમુખી’ પુસ્તકની મુખ્ય ભૂમિકા: મેવાણી

મારી પેશન-ઇન્ટેન્સિટી પાછળ ‘સળગતા સૂરજમુખી’ પુસ્તકની મુખ્ય ભૂમિકા: મેવાણી

મેવાણી સળગતા સૂરજમુખી પુસ્તક સાથે (ફોટો સૌજન્ય: ફેસબુક પોસ્ટ)

જે દિવસે મને પાસપોર્ટ મળશે એટલે પોતાનાં રૂપિયાથી સૌથી પહેલી જગ્યાએ જવાનું ઈચ્છું છું તે છે નેધરલેન્ડમાં આવેલું વિન્સેન્ટ વેન ગોગનું મ્યુઝિયમ: મેવાણી

  અમદાવાદ: ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભા બેઠકનાં અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ આજે ફેસબુક પર પોસ્ટમાં લખ્યું છે કે, તેમના જીવન ઘડતરમાં ‘સળગતા સૂરજમુખી’ પુસ્તકે અકલ્પ્ય ભૂમિકા ભજવી છે.

  અંગ્રેજી વિષયમાં સ્નાતક, પત્રકાર અને કર્મશીલ વકીલ પછી હવે ધારાસભ્ય બનેલા જિગ્નેશ મેવાણીએ તેમના મનગમતા પુસ્તક વિશે લખેલી ફેસબુક પોસ્ટની વિગતો અહીં રજૂ કરી છે. 

  'સળગતાં સૂરજમુખી'ની મારાં ઘડતરમાં અકલ્પ્ય ભૂમિકા છે. એટલા માટે કે ઓગણચાળીશમાં વર્ષે હું મારામાંથી બહાર નીકળી પોતાની જાતને તટસ્થ રીતે જોઉં છું તો હવે મને દેખાય છે કે હું ઇન્ટેન્સિટી અને પૅશનનો માણસ છું. ઇન્ટેન્સિટી અને પૅશન નામનાં આ પદાર્થ, આ તત્વ, આ ઉર્જા મારા વ્યક્તિત્વ અને અસ્તિત્વનો ભાગ બની ગયાં જે મારું સૌથી મહત્વનું ચાલક બળ છે અને તેના મૂળમાં આ પુસ્તક છે.

  સળગતાં સૂરજમુખી એ મહાન ચિત્રકાર વિન્સેન્ટ વેન ગોગની જીવનકથા છે. આ પુસ્તકની અને વેન ગોગનાં જીવનની મારા ઉપર સખત ઇન્ફ્લ્યુઅન્સ છે. આ પુસ્તક મને ખૂબ એટલા માટે ગમે છે કે જીવન માટેની ભૂખ, ધગશ, ધખના, વાસના અને કલા માટેની ઝંખનાનું મિલન એટલે વિન્સેન્ટ વેન ગોનું જીવન.

  આ જીવનને શોધવા માટે તેટલી જ પૅશન અને ઇન્ટેન્સિટીથી સંશોધક અરવિન્ગ સ્ટોને કામ કર્યું છે, આ પુસ્તકનું સર્જન કર્યું છે. વેન ગોગનું કોઈ ચિત્ર એ કલાનો એક મહાન નમૂનો કહેવાય તેમ અરવિન્ગ સ્ટોનનું વિન્સેન્ટ વેન ગોગનાં જીવન વિષે લખાયેલું પુસ્તક "લસ્ટ ફોર લાઈફ" એ પણ કલાનો એક મહાન નમૂનો છે. એમાંય વિનોદ મેઘાણીએ આનો જે અનુવાદ કર્યો છે, જેને ઘણાં મિત્રો બહુ પ્રેમથી અને સાચે જ અનુવાદને બદલે અનુસર્જન કહે છે. આવું અદ્ભૂત અનુસર્જન, આવું બેનમૂન જીવનચરિત્ર નવલકથા રૂપે અને તે પણ વિન્સેન્ટ વેન ગોગ વિષે. અને વિન્સેન્ટ વેન ગોગનું જીવન તો તોડી નાખે તેવું. આનો સરવાળો આ પુસ્તક છે.
  પુસ્તકના અંતમાં ગોગએ તેમની માંને લખેલ પત્ર પણ ખૂબ ગમે છે. એમાં તે એવું લખે છે કે, "વ્હાલી માં, તને મારા કેટલાંક સેલ્ફ પોટ્રેટ મોકલી રહ્યો છું જે જોઈને તને લાગશે કે પૅરીસ, લંડન જેવા મહાન નગરોમાં વર્ષો વિતાવવાં છતાં હું સાવ ગામડીયા ખેડૂત જેવો દેખાવ છું. સાચું કહું તો વિચારે ભાવે પ્રતિભાવે હું ખેડૂત જેવો જ છું, ફેર ફકત એટલો છે કે ઉપયોગિતાની દ્રષ્ટિએ ખેડૂતો મારાં કરતાં ઘણી ઉચ્ચ કક્ષાએ છે."

  જેનાં ચિત્રોની કિંમત કરોડોની છે એ ચિત્રકાર એવું કહે છે કે મારાં જીવન કરતાં એક ખેડૂતનું જીવન વધારે મહત્વનું છે. તે એમની બહુ મહાન ફિલસૂફી છે, કે હું ચિત્ર દોરું છું તો ચિત્ર દોરી શકું એવી અનુકૂળતા છે, મારા પાસેની આ અનુકૂળતા આખી દુનિયા પાસે કેમ નથી? બધા લોકોને કવિતા કરવી હોય, ચિત્રો દોરવા હોય, પુસ્તકો લખવા હોય, પણ માનવીની મૂળભૂત જરૂરિયાતો સંતોષાય પછી એને પુસ્તકો, ચિત્રો, સિનેમા જેવી કલાઓમાં રસ પડતો હોય છે. એટલે ખેડૂત ખેતરમાં તનતોડ મજૂરી કરે નહીં તો ધાન પાકે નહીં, ધાન પાકે નહીં તો તમારા અને મારા પેટમાં કાંઈ જાય નહીં અને પેટમાં જાય નહીં તો હાથ ચાલે નહીં અને હાથ ચાલે નહીં તો પીંછીનો લસરકો ક્યાંથી મારીએ?! એટલે આ બધું વિન્સેન્ટ વેન ગોગની પેલી વાતમાં અભિપ્રેત છે.

  સળગતાં સૂરજમુખી વાંચવાના કારણે મને આઈડિયા ઓફ માર્ક્સિઝમની બહું મજા પડે છે. કેમ કે એ પણ માર્ક્સિઝમમાં એવું કહે છે કે એક સમય એવો આવશે માનવસભ્યતામાં ઉત્પાદનનાં એવાં સ્તર પર આપણે પહોંચીશું કે જગતનાં દરેક મનુષ્યે પોતાની મરજીના ત્રણ ચાર કલાકથી વધુ કામ કરવું નહીં પડે. પોતાને ગમતું પોતાની મરજીનું પોતાની અનુકૂળતા અને આવડતનું અને એ પણ ત્રણ ચાર કલાક પછી બાકીનો સમય આપણે શું કરીશું?!! તો ભાઈ આપણે ચિત્રો દોરીશું, કવિતા કરીશું, 'બુધન' થિયેટરનું નાટક કરીશું, સૌમ્ય જોશીની કવિતા સાંભળીશું અને મરીઝનું 'આગમન' વાંચીશું અને 'ધરતીની આરતી' વાંચીશું અને ચૅપ્લિનની ફિલ્મો જોઈશું અને પિકાસોનું પેઇન્ટિંગ જોવા જઈશું. આ કારણથી મને સળગતાં સૂરજમુખી વધારે પ્રિય છે. મારી પાસે મારો પાસપોર્ટ નથી, બહુ બધી એફ. આઈ. આર (FIR) છે જેનાં કારણે મારે દરેક કોર્ટ પાસેથી એન.ઓ.સી. લેવી પડે એમ છે. પણ જે દિવસે મને બધી એન.ઓ.સી મળી અને મારો પાસપોર્ટ મળ્યો તો મારાં પોતાનાં રૂપિયાથી જે સૌથી પહેલી જગ્યાએ જવાનું ઈચ્છું તે નેધરલેન્ડમાં આવેલ વિન્સેન્ટ વેન ગોગનું મ્યુઝિયમ છે.’’
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Activist, Gujarat Assembly, MlA jignesh mevani, Writer

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन