Home /News /ahmedabad /LRD Exam: એલઆરડીના પરીક્ષાર્થીઓ માટે એસટી નિગમે કરી ખાસ વ્યવસ્થા
LRD Exam: એલઆરડીના પરીક્ષાર્થીઓ માટે એસટી નિગમે કરી ખાસ વ્યવસ્થા
ગુજરાત એસ.ટી. (ફાઇલ તસવીર)
LRD Exam: બસ સ્ટેશન પરથી પેસેન્જરને લેતી વખતે પરીક્ષાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવે તેમજ માર્ગમાં પરીક્ષા કેન્દ્ર આવતા હોય તો પરીક્ષાર્થી કહે ત્યાં બસ રોકી ઉતારી દેવાની પણ સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ: આવતીકાલે (10 એપ્રિલ)ના રોજ લોક રક્ષક દળની લેખિત પરીક્ષા (LRD examination) છે. આ માટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ગાંધીનગરમાં પરીક્ષા કેન્દ્ર છે. પરીક્ષાર્થીઓને બહારગામથી પરીક્ષા કેન્દ્રના શહેર સુધી પહોંચવા માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસટી નિગમ (Gujarat ST Nigam) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાર્થીઓ જવા-આવવા માટે બસ મળી રહે તે માટે નિગમે વધારાની બસ (Extra buses) દોડાવવાનું આયોજન કર્યુ છે. જેના અનુસંધાને દરેક ડિવિઝનને સુચના આપી દેવામાં આવી છે.
પરીક્ષાર્થીને અપાશે પ્રાથમિકતા
બસ સ્ટેશન પરથી પેસેન્જરને લેતી વખતે પરીક્ષાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવે તેમજ માર્ગમાં પરીક્ષા કેન્દ્ર આવતા હોય તો પરીક્ષાર્થી કહે ત્યાં બસ રોકી ઉતારી દેવાની પણ સૂચના આપવામાં આવી છે.
આ મામલે એસટી નિગમના સચિવ કે. ડી. દેસાઈએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "10 એપ્રિલના નવ સેન્ટરો પર મોટી સંખ્યામાં ઉમેદવારો લોક રક્ષક દળની પરીક્ષા આપવાના છે.એસટી નિગમના અધિકારીઓ દ્વારા દરેક વિભાગના ડેપો મેનેજરને હેડ ક્વાર્ટરમાં રહેવા સૂચના આપવામાં આવી છે. દરેક બસ સ્ટેશન પર લોક રક્ષક દળની પરીક્ષાના ઉમેદવાર આવે તો તેના માટે શિડ્યૂલ બસ છે. આખી બસના પરીક્ષાર્થી થાય તો એક્સ્ટ્રા બસનું અયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે. પરીક્ષાર્થી બસમાં બેસવા માટે પ્રથમ પસંદગી આપવા માટે પણ જાણ કરવામાં આવી છે.
નિયત ભાડું જ લેવાશે
એસ.ટી. નિગમના સચિવે વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષાર્થી કોઈ પણ સિટીમાં પરીક્ષા કેન્દ્રની નજીક ઉતરવા માંગતો હોય તો ફરજ પરના ક્રૂએ તેને ઉતારવાનો રહેશે. જે ભાડું નિયત કરવામાં આવ્યું તે જ લેવાનું રહેશે. પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી શકે તે માટે એસટી નિગમે પૂરતી મદદ કરવામાં આવે તેવી તમામ વિભાગીય નિયામકને સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આવતીકાલે લેવાનારી પરીક્ષા માટે લોક રક્ષક દળની પરીક્ષા કેન્દ્રો પર તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટે તંત્ર સજ્જ છે. તેમજ એસટી નિગમે પણ પરીક્ષાના ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે આયોજન કર્યું છે. બે દિવસ એસટી સ્ટેન્ડ ખાતેથી બસમાં પરીક્ષાર્થીઓને બેસવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે.