અમદાવાદ: ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી (Corporation Election) બાદ આજે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેની મતગણતરી (Vote counting) ચાલી રહી છે. સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (Aam Adami Party)એ 27 બેઠક જીતી છે. કોર્પોરેશનની ચૂંટણી બાદ જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. સુરત બાદ આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રમા ખાતું ખોલાવ્યું છે. તેમાં પણ જે વિસ્તારને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવતો હતો ત્યાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત નોંધાવી છે. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવારે બે મતે જીત નોંધાવી છે.
ભાડેર બેઠક પર આપની જીત
અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. ધારી તાલુકાની ભાડેર બેઠક પર આપના ઉમેદવાર રેખાબેન સવજીભાઈ પરમારની જીત થઈ છે. આ બેઠકના ભારતીય જનતા પાર્ટીની સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવતી હતી. ભાડેર ગામ ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થતાં ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ બંને પાર્ટીઓમાં સન્નાટો જોવા મળ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લાની અન્ય બેઠકોમાં પર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હતા.
આ ઉપરાંત ગાંધીધામ તાલુકા પંચાયતમાં આપને એક બેઠક મળી છે. જૂનાગઢ તાલુકા પંચાયત જામકા બેઠક પર આપના કૈલાસ સાવલિયા વિજેતા થયાના સમાચાર મળી રહ્યા છે. કાલાવડ તાલુકા પંચાયતમાં આપના એક ઉમેદવારની જીત થયાના સમાચાર પણ મળી રહ્યા છે. જેસર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને બે બેઠક મળી છે. બનાસકાંઠાના ડીસાના વોર્ડ નંબર ત્રણમાં આપના એક ઉમેદવારની જીત થઈ છે.
રાજ્યમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહીત કુલ 8,474 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 81 નગરપાલિકાની ચૂંટણીમાં 680 વોર્ડની કુલ 2,720 બેઠકો પૈકી 95 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 231 તાલુકા પંચાયતની બેઠકો 117 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. તાલુકા પંચાયતમાં ભાજપના 4, 652 ઉમેદવાર, કૉંગ્રેસના 4,594 ઉમેદવારો, આપના 1,067 ઉમેદવારો મેદાનમાં છે.
2015માં થયેલી ચૂંટણીની વાત કરવામાં આવે તો પાટીદાર આંદોલન વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોમાંથી 23થી વધુ જિલ્લા પંચાયતો કૉંગ્રેસના ફાળે ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર