ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના શિપીંગ-પોર્ટસ-વોટર વેઝ મંત્રાલય-ગુજરાત મેરિટાઇમ બોર્ડ-ફિક્કી દ્વારા સહઆયોજિત ઇન્ટરનેશનલ સેમિનાર ઓન શિપ રિસાયક્લિંગ એન્ડ વ્હીકલ સ્ક્રેપ પોલિસીનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને દેશ-વિદેશના પ્રતિનિધિઓ સહભાગી બન્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગ્રીન શિપ રિસાયક્લિંગનું હબ બનવા માટે ગુજરાત પાસે પૂરતું પોટેન્શ્યલ છે. ગ્રીન શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે નવા સ્ટાર્ન્ડડ સેટ કરવાની ગુજરાતની નેમ છે.
ભારત સરકારના શિપીંગ, પોર્ટસ-વોટર વેઝ મંત્રાલય તેમજ ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ફેડરેશન ઓફ ઇન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આ દ્વિદિવસીય ઇન્ટરનેશનલ સેમિનાર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઇ રહ્યો છે. ભારત સરકારના શીપીંગ, પોર્ટસ, વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ તથા રાજ્યના શિક્ષણ સાયન્સ ટેક્નોલોજી મંત્રી જીતુ વાઘાણી તથા નોર્વે અને ડેન્માર્ક રાષ્ટ્રો સહિત ભારતના વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ આ ઇન્ટરનેશનલ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, દેશનો સૌથી લાંબો 1600 કિ.મીનો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. એટલું જ નહીં, મેરિટાઇમ સેક્ટરમાં પ્રાચિન કાળથી વર્તમાન સુધીનો ગુજરાતનો ઉજ્જવળ અને સુદીર્ધ ઇતિહાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત પોર્ટ લેડ ડેવલપમેન્ટની રાહે આગળ વધ્યું છે. દેશનું 40 ટકાથી વધારે કાર્ગો ગુજરાતના બંદરોએથી સંચાલિત કરવામાં આવે છે. 1 મેજર તથા 48 નોન મેજર પોર્ટસ ધરાવતા ગુજરાતના નોન મેજર પોર્ટસ પરથી 2021-22ના વર્ષમાં 405 મિલીયન મેટ્રીક ટન કાર્ગો પરિવહન થયું છે. સુગ્રથિત ઇન્ફ્રાસ્ટ્રકચર અને કનેક્ટિવિટીના પરિણામે લીડસ ઇન્ડેક્ષમાં ત્રણ વર્ષથી ગુજરાત પ્રથમ રહ્યું છે. આ ઉપરાંત પી.એમ ગતિશક્તિ માસ્ટર પ્લાનમાં પણ ગુજરાત ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યું છે. દેશના ગ્રોથ એન્જીન એવા ગુજરાતમાં શિપ રિસાયક્લિંગ ઉદ્યોગોને વિકસવાનો પૂરો અવકાશ મળી રહે તેમ છે.
તેમણે કહ્યું કે, જેમ શિપ-બ્રેકીંગ, રિસાયક્લિંગ ક્ષેત્રે ગુજરાતના અલંગનો દબદબો છે તેવી જ રીતે ગ્રીન શિપ રિસાયક્લિંગમાં પણ અલંગ અગ્રેસર રહેશે. શિપમાંથી નીકળતા જોખમી તથા બિનજોખમી વેસ્ટ પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય અને દરિયાઇ જીવ સૃષ્ટિને નુકશાન કરી શકે છે. આવા નુકશાનને અટકાવવા તથા સેફ એન્ડ સસ્ટેઇનેબલ શિપ રિસાયક્લિંગ માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ મહત્વની ભૂમિકા નિભાવવા સજ્જ છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે અલંગને ઊંચા દરજ્જાનું ગ્રીન શિપ રિસાયક્લિંગ સેન્ટર બનાવવા કમર કસી છે.
કેન્દ્રીય વહાણવટા મંત્રી સર્બાનંદ સોનોવાલે આ ગ્રીન શિપ રીસાયકલીંગ એન્ડ વેહીકલ સ્ક્રેપીગ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભારતે વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે આપણે સૌ દેશવાસીઓ ટીમ ઈન્ડીયા બનીને સહિયારા પ્રયાસો કરશું તો ચોકકસ ભારત સર્વશ્રેષ્ઠ બનશે. સર્બાનંદ સોનોવાલે એ ગ્રીન શિપ રીસાયકલીંગ એન્ડ વેહીકલ સ્ક્રેપીગ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના આયોજન માટે ટીમ ગુજરાતને અભિનંદન આપતા કહ્યું કે, ગુજરાત 1600 કિ.મી દરિયા કિનારા સાથે વ્યવસાયિક ક્ષેત્રે ભારતનો ગેટ-વે છે અને ગુજરાત હવે વિશ્વનું પસંદ કરેલ દરિયાઇ સ્થળોમાંનું એક છે. તે 40 ટકા ભારતના કાર્ગોથી વધુ સંભાળે છે અને પોર્ટ ક્ષેત્રના ખાનગીકરણ માટે ભારતમાં પ્રથમ સ્થાને છે. ગુજરાત બધા મુખ્ય પોર્ટ-આધારિત વેપાર માર્ગો અને વિશ્વના મુખ્ય વેપાર કેન્દ્રોને બહેતર રોડ, રેલ અને એર કનેક્ટિવિટી સાથે સારી રીતે જોડાયેલું છે, આમ વિશાળ આંતરરાષ્ટ્રીય વેપાર તકો પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે, ભારતના પશ્ચિમ કિનારે તેના વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાનના આધારે, પ્રોએક્ટિવ પોલિસીઝ અને પહેલ તેમજ મજબૂત ઔદ્યોગિક અને સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે ગુજરાત ભારતની દરિયાઇ સફળતાની વાર્તાના ધ્વજ ધારક તરીકે ઉભરી આવ્યું છે.