અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનાં કેસ (Coronavirus cases) વધી રહ્યા છે. એવામાં ટ્રાવેલ્સના ધંધા (Travels business)માં નુકસાનનો સામનો કરી રહેલા પટેલ ટ્રાવેલ્સે (Patel Travels) ધંધો સંકેલી લેવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા 12 મહિનાથી કોરોના કાળ ચાલી રહ્યો છે. 32 વર્ષ જૂના ટ્રાવેલ્સના ધંધાને કોરોનાકાળના 12 મહીનાં નડી ગયા અને પટેલ ટ્રાવેલ્સે આખરે આ ધંધો બંધ કરવાનું નક્કી કર્યું છે. આ પ્રસંગે માલિક મેઘજીભાઈએ પોતાના ધંધામાં થઈ રહેલી આમદની અઠન્ની અને ખર્ચા રૂપૈયાનો ચિતાર રજૂ કર્યો છે.
પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજીભાઈ પટેલના ધંધાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. એટલે જ તેઓએ પોતાની 70 બસ વેચવા કાઢી છે. 50 જેટલી બસ અગાઉથી વેચી દીધી હોવાનું તેઓએ જણાવ્યું હતું. તેઓ વધુમાં જણાવે છે કે, તેમના ટ્રાવેલ્સના ધંધામાં 300 બસ હતી. કોરોનામાં પુરતા મુસાફરો ન મળતા ધંધો ધીરે ધીરે બંધ કરવાની નોબત આવી છે. હાલ 100 બસ અલગ અલગ કંપનીઓમાં કોન્ટ્રાક્ટ પર દોડી રહી છે. કોન્ટ્રાક્ટ પૂરો થતાં એ બસો પણ વેચી દેવાશે.
હાલની પરિસ્થિતિ પ્રમાણે એક બસ પાછળ થઈ રહેલા ખર્ચનો ચિતાર આપતા તેઓએ જણાવ્યું કે, 40 હજાર ટેક્સ, 65 હજારનો હપ્તો, 15 હજાર ડ્રાઇવરનો પગાર, 8 હજાર કંડકટરનો પગાર, 12 હજાર મેન્ટેનન્સ, 8 હજારનો ઇન્સ્યોરન્સ અને ડીઝલનો ખર્ચ અલગથી કરવો પડે છે. હાલ ડીઝલના ભાવ 88 રૂપિયાએ પહોંચ્યો છે. જેની સામે આવક નહિવત છે. હાલની સ્થિતિ પ્રમાણે બસની બેઠક વ્યવસ્થાના 75 ટકા સીટ ભરી શકાય છે પરંતુ મુસાફરો મળતા નથી. કોરોનાકાળમાં સરકારનો સહયોગ પણ પૂરતો રહ્યો હતો. લૉકડાઉન વખતે સરકારે 6 મહિના ટેક્સમાં રાહત પણ આપી હતી પરંતુ મુસાફરો જ ન મળે તો સરકાર શું કરે?
તેઓએ ઉમેર્યું કે, હાલ તો બસો વેચી બેન્કોની લોનના હપ્તા ભરી દઈશું જેથી શાખ બની રહે. પરિસ્થિતિ ફરી સુધરશે તો ફરી ધંધામાં પાછા ફરીશું. મહત્ત્વનું છે કે રાજ્યોમાં નાના મોટા 1,500 ટ્રાવેલ્સના ધંધાર્થીઓ છે. જેમાંથી 2થી 5 ટકા વેપારીઓને બાદ કરતાં મોટાભાગનાની હાલત એક જેવી જ છે.