Home /News /ahmedabad /આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારની જીતનું શું છે કારણ? કેમ કદાવર નેતાઓ હારી ગયા?
આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારની જીતનું શું છે કારણ? કેમ કદાવર નેતાઓ હારી ગયા?
આમ આદમી પાર્ટીએ 5 બેઠક જીતીને સૌ કોઇને ચૌકાવ્યા છે.
Gujarat election result 2022: ગુજરાતમાં પહેલીવાર આમ આદમી પાર્ટી એક સાથે 182 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડતાની સાથે 5 બેઠક પર જીત મેળવી છે. આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારની જીતનું શું છે કારણ?
અમદાવાદ: ગુજરાતમાં પહેલીવાર આમ આદમી પાર્ટી એક સાથે 182 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડતાની સાથે 5 બેઠક પર જીત મેળવી છે. જ્યારે 100થી વધુ બેઠક પર આપ ઉમેદવારે ડિપોઝીટ પણ ગુમાવી છે. આમ આદમી પાર્ટીએ 5 બેઠક જીતીને સૌ કોઇને ચૌકાવ્યા છે. આપ પાર્ટીએ જામજોધપુર, બોટાદ, ગારિયાધર, વિસાવદર અને ડેડિયાપાડા બેઠક જીતી છે. આમ 12.9 ટકા વોટ આપને મળવાની સાથે જ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે.
વિસાવદર બેઠક પર આપ ઉમેદવાર ભુપેન્દ્ર ભાયાણી
જીત પાછળનું મુખ્ય કારણ ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડીયા રહ્યા છે. તેમણે છેલ્લી ઘડીએ કોંગ્રેસ છોડી ભગવો ધારણ કર્યો હતો. ભાજપે હર્ષદ રિબડીયાને ટિકીટ આપી હતી. તેમજ કોંગ્રેસની સ્થાનિક નબળી નેતાગીરી, આ બન્ને લાભ આપ ઉમેદવારને જીતાડવામાં મદદ કરી. હર્ષદ રિબડીયાએ પેટા ચૂંટણીમાં કેશુભાઇ પટેલના પુત્ર ભરત પટેલને હરાવી સનસનાટી મચાવી હતી. જે બાદ તેઓ આ ચૂંટણી વખતે ભાજપમાં આવ્યા અને આમ આદમી પાર્ટીના ભુપેન્દ્રભાઇ ભાયાણી સામે હારી ગયા છે. કારણ કે લોકોએ પાર્ટી બદલવું ઉમેદવારને પસંદ ન કર્યા. તે વાતનો લાભ સીધો આપ પાર્ટી મળ્યો છે.
જામજોધપુર બેઠક 2017માં પાટીદાર આંદોલન પગલે કોંગ્રેસ જીત સરળ રહી હતી. પરંતુ આ વખતે ભાજપ અને કોગ્રેસ બન્નેને માત આપી આપ પાર્ટી ઉમેદવાર હેમંત ખવાની જીત થઇ છે. હેમંત ખવાના પિતા જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે. તેમજ હેમંત ખવા પણ યુથ કોગ્રેસમાં સક્રિય હતા. પરંતુ આખરે કોંગ્રેસ ટિકિટ ન આપતા આપમાંથી ઝંપલાવ્યું હતું. જામજોધુર બેઠક કડવા પાટીદાર વોટના પ્રભુત્વ વચ્ચે આહિર ઉમેદવારની જીત થઇ છે. બન્ને પાટીદારોની લડાઇનો સીધો લાભ આહિર ઉમેદવાર હેમંત ખવાને મળ્યો છે.
ભાજપ અને કોંગ્રસ ફેરબદલનો પ્રયોગ આપને અહીં ફળી ગયો
બોટાદ બેઠક પર આપ ઉમેદવાર ઉમેશ મકવાણાની જીત પાછળનું મુખ્ય કારણ ભાજપ અને કોંગ્રેસે છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવાર બદલ્યા તે મનાય છે. બોટાદ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા સૌરભ પટેલના સ્થાને અન્યને ટિકિટ આપી હતી. તેમજ કોંગ્રેસે કોળી ઉમેદવાર જાહેર કરી છેલ્લા ઘડીએ ત્યાં પાટીદાર ચહેરો મૂક્તા કોળી સમાજ આપ તરફ વળ્યો હતો. જેનો સીધો ફાયદો ઉમેશ મકવાણાને થયો છે. ભાજપ અને કોંગ્રસ ફેરબદલનો પ્રયોગ આપને અહીં ફળી ગયો છે.
સીધો ફાયદો સુધીર વાઘાણીને મળ્યો
ગારિયાધર બેઠક પર આપ ઉમેદવાર સુધીર વાઘાણીની જીત થઇ છે. ભાજપ આ બેઠક પરથી લગાતાર જીતતા આવ્યું હતું, પરંતુ સ્થાનિક મુદ્દાઓ અને ભાજપ ઉમેદવારના વિરોધમાં સ્થાનિક રોષ હોવાથી આપ ઉમેદવારને ફાયદો થયો છે. કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી ઉમેદવાર પસંદ કરવા મામલે અસમંજસમાં હતી. તેથી તેનો સીધો ફાયદો સુધીર વાઘાણીને મળ્યો છે.
ભાજપ, કોંગ્રસ અને બીટીપી વચ્ચેની લડાઇનો સીધો ફાયદો આપને થયો
આદિવાસી વિસ્તારમાં પણ આપ પોતાનું ખાતું ખોલવામાં સફળ રહ્યું છે. નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા બેઠક પર આપ ઉમેદવાર ચેતન વસાવાની જીત થઇ છે. એક યુવા ચહેરો અને આદિવાસી વિસ્તારમાં સારૂં નામ ધરાવતા ચેતન વસાવાની જીતનું મુખ્ય કારણ એ છે કે, ભાજપ, કોંગ્રસ અને બીટીપી વચ્ચેની લડાઇનો સીધો ફાયદો ચેતન વસાવાને મળ્યો છે. 2017ની ચૂંટણીમાં કોગ્રેસ અને બીટીપી ગંઠબંધનના કારણે અહીં બીટીપીની જીત થઇ હતી. અહીં આપએ ચેતર વસાવાને ટિકિટ આપી હતી. એક યુવા ચહેરા અને આદિવાસીઓ માટે લડતા ચહેરા તરીકે લોકોએ તેમને પસંદ કર્યા છે.