અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. આજે સવારના 8 કલાકથી ગણતરી ચાલી રહી છે, ત્યારે નારણપુરા ભાજપના ઉમેદવાર જિતેન્દ્ર પટેલની જીત થઇ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલની હાર થઇ છે.
આ બેઠક 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી હતી અને તે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર બનેલી સાત વિધાનસભા બેઠકોમાંથી એક છે. આ વિધાનસભા બેઠકમાં અમદાવાદ શહેર તાલુકાના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નં. – 11, 12, 13, 14નો સમાવેશ થાય છે.
2017ના ચૂંટણી પરિણામ પર એક નજર
ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો પર 59.05 ટકા મતદાન થયું હતું. જ્યારે જિલ્લામાં કુલ 35,45,691 મતો પડ્યા હતા. જિલ્લાની બેઠકોની વાત કરીએ તો, વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઇ, ઘોળકા, ધંધૂકાનો સમાવેશ થાય છે.
સરેરાશ મતદાન 64.33 ટકા
આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.