અમદાવાદ: આજે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન છે, ત્યારે સોમવારે યોજાનારા બીજા તબક્કાના મતદાન પહેલા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની તમામ બેઠકો આવરી લેતો રોડ શો યોજવાના છે. બપોરે 3 વાગ્યે એરપોર્ટ પાસે સરદાર પટેલના સ્ટેચ્યુ ખાતેથી રોડ શો શરૂ થશે. પૂર્વ વિસ્તાર નરોડાને સાંકળીને પશ્ચિમ અમદાવાદ તરફ રોડ શો આગળ વધશે, જે ચાંદખેડા ન્યુ સીજી રોડ ખાતે પૂર્ણ થશે.
32 કિલોમીટર લાંબો રોડ શો
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે. જેમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને આવરી લઇને 16 બેઠકો માટે પ્રચાર કરાશે. આ રોડ શો 32 કિલોમીટર લાંબો હશે. જ્યારે અત્યાર સુધીનો સૌથી લાંબો રોડ શો હશે. આ પહેલા તેમણે સુરતમાં 30 કિમી લાંબો રોડ શો કર્યો હતો. આજે યોજનાર રોડ શો રથયાત્રા કરતાં વધારે લાંબો હશે. 3 કલાકના રૂટમાં 3 સ્ટોપેજ હશે. સરદાર પટેલ, પંડિત દીનદયાળ, સુભાષચંદ્ર બોઝને પુષ્પાંજલિ અર્પણ કરશે.
શહેરમાં યોજાનારા આ મેગા રોડ શોનો રૂટ સામે આવ્યો છે. જે સામાન્ય લોકો માટે અતિ મહત્વનું છે. કયા સમયે ક્યાંથી કાફલો પસાર થશે, તે સામાન્ય લોકો માટે મહત્વનું છે. કેમ કે, તે સમયે આ રસ્તા પર અવરજવર નહીં કરી શકાય, ત્યારે તમે તે રસ્તા પરથી નિકળતા પહેલા અન્ય વૈકલ્પિક રસ્તા અંગે ખાસ ધ્યાન રાખવું પડશે.