અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને 8 તારીખે મતગણતરી હાથ ધરાવાની છે. મતગણતરીના પરિણામ પહેલા જ ફટાકડાનું માર્કેટ ગરમ થયું છે અને તેમાં પણ અલગ-અલગ એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં એક્ઝીટ પોલની આગાહીને કારણે ફટાકડા બજારમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ફટાકડાના વેપારીઓને ત્યાં ખરીદી માટે ભાજપ હોય કે કોંગ્રેસ અને આપના કાર્યકરો દ્વારા કરાતી ઈન્કવાયરીમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ઈન્કવાયરીમાં 30 ટકાનો વધારો
રાજ્યમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે તો બીજી તરફ લગ્નસરાની સિઝન પણ પૂર બહારમાં ચાલી રહી છે. રાજ્યની 182 બેઠકોના ઉમેદવારોનું ભાવી હાલ ઈવીએમમાં સીલ છે. જોકે, ચૂંટણીના પરિણામો 8 તારીખે જાહેર થવાના છે. જેને લઈને ફટાકડા બજારમાં હાલ દિવાળી જેવો માહોલ છે. પરિણામ પહેલા જ વેપારીઓને ત્યાં ફટાકડાની ખરીદી માટે ઈન્કવાયરીમાં 30 ટકાનો વધારો નોંધાયો છે.
અમદાવાદમાં આવેલી અંબિકા ફટાકડાના વેપારી આશિષભાઈ મોદી જણાવે છે કે, ભાજપ, કોગ્રેસ અને આપ સહિત અલગ-અલગ પક્ષની 100થી વધુ ઈન્કવાયરી ફટાકડા માટે હાલમાં આવી રહી છે. મોટાભાગે પરિણામ જાહેર થાય બાદ જ ફટાકડા ખરીદવાનો નિર્ણય કરતા હોય છે. તેમાં પણ સ્મોકર, રીબીન પટ્ટી, બોમ્બ ફટકાડાની લૂમ જેવી અલગ-અલગ ફટાકડાની વેરાયટી રાજકીય પાર્ટીના કાર્યકરો અને આગેવાનો લઈ જતા હોય છે. આશિષભાઈએ જણાવ્યું કે, જે પ્રકારે અગલ-અગલ એજન્સીઓ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એકઝીટ પોલના આંકડા અને ટકાવારીની આગાહી કરી છે, ત્યાર બાદ ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડાની ઈન્કવાયરીમાં વધારો થયો છે. ફટાકડાની આ ખરીદી દિવાળીની સિઝન કરતા સામાન્ય કહેવાય છે, પરંતુ સામાન્ય દિવસોની સરખામણીમાં ફટાકડાની ડિમાન્ડમાં 30 ટકા વધારો હોય છે.
મહત્વનું છે કે, 8 ડિસેમ્બરે જેમ-જેમ વિધાનસભા બેઠકના પરિણામો જાહેર થશે તેમ-તેમ ઉમેદવારોમાં વિજયોત્સવ અને વિજય સરઘસ નીકળતા હોય છે. તેમાં ફટાકડા ફોડીને આનંદ ઉત્સવ ઉજવતા હોય છે. જેને પગલે ફટાકડાની ઈન્કવાયરીમાં વધારો જોવા મળી રહ્યો છે.