Home /News /ahmedabad /કોંગ્રેસે OBCના CM અને 3 ડેપ્યુટી CM મામલે આપી સ્પષ્ટ જાણકારી, અર્જુન મોઢવાડિયાએ કહ્યું...
કોંગ્રેસે OBCના CM અને 3 ડેપ્યુટી CM મામલે આપી સ્પષ્ટ જાણકારી, અર્જુન મોઢવાડિયાએ કહ્યું...
અર્જુન મોઢવાડિયા
Gujarat election 2022: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ OBCના CM અને 3 ડેપ્યુટી CM મામલે સ્પષ્ટ છે. ગરીબ-વંચિત-આદિવાસી સમુદાયને ન્યાય આપી તેઓની મૂળભૂત માગણીઓ પૂરી કરવા કોંગ્રેસ વચનબધ્ધ છે.
ગુજરાત: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ OBCના CM અને 3 ડેપ્યુટી CM મામલે સ્પષ્ટ છે. ગરીબ-વંચિત-આદિવાસી સમુદાયને ન્યાય આપી તેઓની મૂળભૂત માગણીઓ પૂરી કરવા કોંગ્રેસ વચનબધ્ધ છે. મુખ્યમંત્રી નક્કી કરવો અમારા માટે કોઈ મોટી વાત નથી. તમામ સમુદાયો કોંગ્રેસની સાથે છે અને ગુજરાતના તમામ મતદારોએ કોંગ્રેસ પર વિશ્વાસ મુકી દીધો છે. અમે એવા મુખ્યમંત્રી જાહેર નહી કરીએ કે જેમને બદલવા પડે.’
ચૂંટાયેલા ધારાસભ્યો જ CMનું નામ નક્કી કરશે: મોઢવાડિયા
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, ‘અમારા પૂર્વ મુખ્યમંત્રીઓ અને નેતાઓ સંવિધાન અને પ્રજાલક્ષી કાર્યો પ્રત્યે વચનબધ્ધ બની રહ્યા હતા અને આવનારા સમયમાં પણ વચનબધ્ધ રહેશે. કોંગ્રેસ પાર્ટીમાં મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરવાનો હક તમામ કોંગ્રેસના ચૂંટાયેલા ઉમેદવારોને છે. લોકશાહી મુજબ અમે સર્વસંમતિથી તે પાર પાડીશું. ચૂંટાયેલા ધારાસભ્યો જ મુખ્યમંત્રીના ઉમેદવારનું નામ નક્કી કરશે.
વધુમાં મોઢવાડિયાએ પ્રશાસન અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પોલીસ ખાતાના ભાજપ સમર્પીત અધિકારીઓને ચેતવણી આપે છે. પોલીસ અને પ્રશાસન ભાજપનું નહીં પરંતુ ભારતની સર્વોચ્ચ સ્વાયત સંસ્થા એવી ચૂંટણી પંચની દેખરેખ નીચે કામ કરી રહ્યા છે. ગુજરાત પોલીસના અધિકારીઓ ભાજપના નહિ ચૂંટણી પંચના તાબા હેઠળના અધિકારીઓ છે. તેઓ સંવિધાન, ચૂંટણી પંચ અને કાયદા પ્રત્યે ઉત્તરદાયિત્વ ધરાવે છે. કોંગ્રેસે સીધો આક્ષેપ કર્યો કે, પોલીસ અધિકારીઓ ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે.
વધુમાં મોઢવાડિયાએ જણાવ્યુ હતું કે, ‘ભાજપ પોતાની હાર માની ચૂકી છે. પ્રથમ તબક્કામાં ભારી માત્રામાં કોંગ્રેસ તરફી થયેલા મતદાનથી ભાજપ ડરી ગઇ છે. આ ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેથી પાછળા બારણેથી ભાજપ સમર્થીત પોલીસ અધિકારીઓ અને પેરોલ પર છોડેલા અસામાજિક તત્ત્વોને છુટો દોર આપી દીધો છે. અધિકારીઓ લોકોને ધમકાવી રહ્યા છે, જ્યારે અસામાજિક તત્ત્વો લોકોને ડરાવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ અપીલ કરે છે કે લોકશાહીના પર્વમાં હાડકા નાખવાનું કામ પોલીસ અધિકારીઓ બંધ કરે. ચૂંટણી પંચે વ્યવસ્થામાં ગોઠવેલા અધિકારીઓ સિવાય ચૂંટણીમાં ડ્યૂટી નથી તેવા LCB, ક્રાઇમ બ્રાન્ચ અને અમુક IPS ભાજપનો હાથો બની કામ કરી રહ્યા છે. કોંગ્રેસનું નિવેદન છે કે ચૂંટણી પંચ તટસ્થ રીતે મતદાન કરાવે અને અસામાજીક તત્ત્વ પર ચાપતી નજર રાખે.