અમદાવાદ : રાજ્યના શિક્ષણ (Gujarat Education) વિભાગના ખાડે ગયેલા તંત્રની વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. જે મામલે રાજ્યના શાળા સંચાલક મંડળે કરેલા ઘટસ્ફોટ અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીની (DEO) 67 જગ્યાઓ પૈકી 34 જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓ કોઈને કોઈ અધિકારીના ચાર્જમાં છે. અમદાવાદ (Ahmedabad) જેવા મેગા સિટીમાં પણ જિલ્લા શિક્ષણ અધિકારી શહેર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યાઓ ખાલી પડી છે.
આ જગ્યાઓ પર શિક્ષણ અધિકારીની નિમણૂક કરવા શાળા સંચાલક મંડળએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને (Jitu Vaghani) રજુઆત કરી છે. સામાન્ય રીતે કોઈપણ જિલ્લામાં શિક્ષણને લગતી વહીવટી પ્રક્રિયા કરવા તેમજ ગેરરીતિ આચરતી શાળાઓ સામે પગલા લેવાની કામગીરી શિક્ષણ અધિકારીની હોય છે. જો DEO જ ન હોય તો એ વિસ્તારમાં એ કામગીરી શક્ય જ કેવી રીતે બને. રાજ્યમાં 33 જીલ્લાઓમા જીલ્લા શિક્ષણ અધિકારીઓની જગ્યાઓ ખાલી છે. જે પૈકી 21 જગ્યાઓ માધ્યમિકના DEO અને 13 જગ્યાઓ પ્રાથમિકના DEOની ખાલી છે. અને તેમાંય 9 જિલ્લાઓ એવા છે કે, બંને જગ્યાઓ ખાલી છે અને જિલ્લા શિક્ષણ અધિકારીની આ ખાલી જગ્યાઓ ઈન્ચાર્જમાં ચલાવવામાં આવી રહી છે.
ઈન્ચાર્જમાં રહેલા વર્ગ 2ના અધિકારીઓ કોઈ વહીવટી નિર્ણય લઈ શકતા નથી. આ અંગે રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ જણાવે છે કે, છેલ્લા કેટલાક સમયથી ક્લાસ વનની ભરતી કરાઈ નથી. ક્લાસ ટુ અધિકારીને ડેપ્યુટ કરીને કામ ચલાવાઈ રહ્યુ છે. રાજકોટ, જામનગર,અમરેલી, છોટાઉદેપુર,જુનાગઢ, પાટણ, મોરબી, તાપીમાં ઇન્ચાર્જથી કામ ચલાવઇ રહ્યુ છે.
અમદાવાદમાં પણ એક વર્ષથી ઇન્ચાર્જ ડીઇઓ દ્વારા કામ ચલાવઇ રહ્યુ છે. ક્લાસ ટુ અધિકારી પાસે અનેક વૈધાનિક સત્તા ન હોવાથી કાર્ય અટકી પડ્યા છે. સ્કુલ ઇન્સપેક્શન કે સ્કુલ સામે પગલા લેવાની સત્તા ક્લાસ ટુ અધિકારી પાસે નથી. આ અંગે ઝડપથી ખાલી જગ્યાઓ ભરવા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને રજુઆત કરી છે.