Congress Gujarat: ફરી એકવાર ગુજરાત કોંગ્રેસમાં થયેલો આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે. જેને લઈને કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસના ધારાસભ્ય સહિત પૂર્વ ધારાસભ્યની નિવેદનબાજી સામે આવી છે.
અમદાવાદઃ વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ પક્ષમાં રહેલા કેટલાક નેતાઓમાં ઉચવાટ યથાવત છે. તેમનું પાર્ટીમાં ચાલી રહ્યું નથી. ત્યારે પાર્ટી નિર્ણય શક્તિમાં હજુ નબળી પડી રહી છે. કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો હજુ તેવું માની રહ્યા છે. તેવામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના નિવદેન સામે આવતા કોંગ્રેસનો કકળાટ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કકળાટ મોટું સ્વરૂપ લે તે પહેલાં જ પ્રમુખ જગદીશ ઠાકોરે તમામ નેતાઓને રોકડુ પરખાવી દીધું છે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપતા કહ્યુ હતુ કે, ‘કોંગ્રેસના કેટલાક મિત્રોને મીડિયાથી વાત કરવાની ટેવ છે. આવા મિત્રોને વિનંતી કે, રૂબરૂ મળી જે સમસ્યા હોય તે અંગે વાત કરે. જાહેર મંચ પર આવી પોતાની વાત મૂકી માત્ર પ્રસિદ્ધ ન લેવી જોઇએ.’ આ ઉપરાંત પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ મુદ્દે વળતો જવાબ આપતા કહ્યુ હતુ કે, તમારા બનાવેલા જિલ્લા પ્રમુખ વિધાનસભામાં કિરીટ પટેલને મત આપવાની વાતો કરે છે અને લોકસભામાં ભાજપને મત આપવાની વાતો કરતો વીડિયો વાયરલ થયો છે. આ મુદ્દે શિસ્તભંગના પગલાં લેવામાં આવે તો અમારા નેતાને ટાર્ગેટ કરવામાં આવે છે તેવું કહેવાય છે. શિસ્ત સમિતિ બની છે તે બેઠક બોલાવી પેન્ડિંગ કેસ પર નિર્ણય કરશે. નાના કાર્યકરને નુકસાન થાય અને મોટા નેતા પાર્ટીને જેમ ફાવે તેમ નુકસાન કરે તે ન ચલાવી લેવાય એવું મારૂં વ્યક્તિગત માનવું છે. મેં આ અંગે હાઇકમાન્ડનું ધ્યાન દોર્યું છે અને માર્ગદર્શન માંગ્યું છે.’
વધુમાં જગદીશ ઠાકોરે કહ્યુ હતુ કે, ‘કેટલાક નેતા અને પૂર્વ ધારાસભ્ય માની રહ્યા છે કે કાયમ હું કહું એમ કરવું, હું કહું તેને ટીકીટ આપવી, હું બીજા સાથે સેટીંગ કરૂં એનો કોઇ વાંધો નહીં. બીજો કોઇ મારા વિશે બોલે એ યોગ્ય નહીં. આ વાત હવે નહીં ચલાવી લેવામાં આવે.’ નોંધનીય છે કે, કોંગ્રેસમાં કેટલાક નેતાઓને દુખી રહ્યુ છે પેટ અને માથું પછાળી રહ્યા છે. એટલે કોઇને કોઇ કારણોસર પાર્ટીમાં નાના મોટા વિવાદ ઉપજાવવાની કોશિશ થઈ રહી છે. વિધાનસભા ચૂંટણી કોંગ્રેસના આંતરિક કકળાટના પગલે આજે વિધાનસભામાં કોંગ્રેસ માત્ર 17 બેઠકમાં સમેટાઈ ગઈ છે. હજુ પણ કેટલાક સિનિયર નેતાઓ તેમની મરજીથી પાર્ટી નિર્ણય કરવા માંગે છે અને સાથે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે પાર્ટી નુકસાન કરવાનું કામ કરી રહ્યા છે.
કિરીટ પટેલે શું કહ્યું?
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યુ હતુ કે, ‘આ મુદો વિધાનસભામાંથી ઉભો થયો હતો, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કોંગ્રેસમાં બે ભાગ પડ્યાં છે. કેટલાક ધારાસભ્ય નારાજ છે, જેમાં મેં કહ્યું હતું કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય નારાજ છે. નારાજ એટલા માટે છે કે, પાર્ટી ઝડપથી કોઈ નિર્ણય લેતી નથી. મેં મારું પણ ઉદાહરણ આપ્યું હતું. પક્ષ વિરુદ્ધ જેને કામ કર્યું છે, તેના વિરુદ્ધ કોઈ પગલાં લેવાતા નથી. જ્યાં સુધી પાર્ટીમાં શિસ્ત ન હોય અને ઝડપથી પગલાં ન લેવાય એ પાર્ટી મજબૂત ન બની શકે, જે કોઈ લોકોએ પક્ષ વિરુદ્ધ કામગીરી કરી છે તેને દૂર કરવા જોઈએ. લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને કઈ રીતે મજબૂત બનાવી શકાય તેવી વાત હતી. અમે કોઈ ભાજપમાં જવાના નથી. અમારી ચિંતા પાર્ટી કોંગ્રેસ પાર્ટીમાં મજબૂત બને શિસ્ત અને ડિસિપ્લિન આવે તે માટે છે.’
જગદીશ ઠાકોરના બોલ બાદ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ઠંડા પડ્યા હતા અને ખોડલધામ પહોંચેલા લલિત વસોયાએ જણાવ્યુ હતુ કે, ‘પાર્ટીના કોઈ ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય નારાજ નથી. અમારી વાત પાટીના નાના કાર્યકર્તાઓનો અવાજ પાર્ટી સુધી પહોંચાડવાના ભાગરૂપે છે. પાર્ટી શિસ્તમાં રહે, તત્કાલિક નિર્ણય થાય તેવી અપેક્ષા છે. આવનારા દિવસોમાં પાર્ટીનું સંગઠન મજબૂત બને તેવા પ્રયાસો છે. આગામી દિવસોમાં પાર્ટી હાઇકમાન્ડને પણ મળવા જવાના છીએ. એક બે દિવસમાં પૂર્વ ધારાસભ્ય પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાંઈ વાત કરશું એ ડંકાની ચોટ ઉપર કરીશું, પાર્ટીને મજબૂત કરવા નીકળીએ છીએ બળવાની કોઈ વાત જ નથી.’