Home /News /ahmedabad /Gujarat Congress: કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનો રઘુ દેસાઈને વળતો જવાબ, કહ્યુ - પક્ષની વિરુદ્ધ કામ કરનારાને સસ્પેન્ડ કરવામાં આવશે
Gujarat Congress: કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનો રઘુ દેસાઈને વળતો જવાબ, કહ્યુ - પક્ષની વિરુદ્ધ કામ કરનારાને સસ્પેન્ડ કરવામાં આવશે
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો રઘુ દેસાઈને વળતો જવાબ
ગુજરાત કોંગ્રેસમાં હાલ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. જ્યારે હવે જગદીશ ઠાકોરે તેમને વળતો જવાબ આપ્યો છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર્યા પછી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સામે વિરોધ પ્રગટ્યો હતો. ત્યારે કોંગ્રેસના રઘુ દેસાઈએ રાષ્ટ્રીય અધ્યક્ષને જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માગ સાથે પત્ર લખ્યો હતો. તેના પર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે વળતો જવાબ આપ્યો છે.
જગદીશ ઠાકોરે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે, ‘પક્ષની વિરુદ્ધમાં કામ કરનારા કાર્યકર્તાઓ સામે પગલાં લેવામાં આવશે. આગામી દિવસોમાં આવા તમામ ઉમેદવારો-કાર્યકર્તાઓને શોધી કાઢીને નોટિસ પાઠવવામાં આવશે. તેટલું જ નહીં, પાર્ટી દ્વારા અમુક ઉમેદવાર અને કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવશે.’
રાધનપુર કોંગ્રસ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્યનો પત્ર ઘટસ્ફોટ સામે આવ્યો છે. રઘુ દેસાઈએ જણાવ્યું કે, રાધનપુરમાં જગદીશ ઠાકોરના કારણે હાર થઈ છે. ચૂંટણીમાં કેટલાકે પાર્ટીમાં રહી પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હતું. જગદીશ ઠાકોરના નજીકના સાથીઓએ ભાગ ભજવ્યો હતો. ઠાકોરે પાર્ટી વિરુદ્ધનું કામ કરનારાઓને કાબૂમાં ન રાખ્યા. સાથે જ તેમણે જગદીશ ઠાકોરને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ કરી છે.
રઘુ દેસાઈએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, એ લોકોએ ભાજપની તરફેણમાં કામ કર્યું હતું. મારી સામે લવિંગજી ઠાકોર ઉમેદવાર હતા. તેમણે 2017માં કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી. મેં પણ ટિકિટ માંગી હતી. અલ્પેશ ઠાકોરને રાધનપુર મોકલ્યા તો લવિંગજીને રાતોરાત ભાજપમાં કોણે મોકલ્યા હતા? જગદીશ ઠાકોરને પૂછો કે લવિંગજી ઠાકોર કોનો માણસ છે? 2017માં તેમને કેમ ભાજપમાં મોકલી ત્યાંથી ટિકિટ અપાવી, અલ્પેશ ઠાકોરને હરાવવા માટે. એમના સમર્થકોએ વિરુદ્ધમાં કામગીરી કરી અને તેમને રોક્યા નહીં તો જગદીશ ઠાકોર તેમની જવાબદારીમાંથી છટકી ના શકે. જેના માથે આખી કોંગ્રેસને કન્ટ્રોલ કરવાની જવાબદારી હોય તે પાંચ માણસોને કન્ટ્રોલના કરી શકે તો કોંગ્રેસની સરકાર બને ક્યાંથી?
'મને ખડગે અને રાહુલ ગાંધી પર સંપૂર્ણ વિશ્વાસ છે'
પત્ર વિશે પૂછતાં તેમણે કહ્યુ કે, મને ખડગે અને રાહુલ ગાંધી પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ સૌ ટકા પગલા લેવડાવશે. સાથે વળતાં જવાબ વિશે પૂછતાં તેમણે કહ્યું કે, મને પાર્ટીના એક સિનિયર આગેવાને જણાવ્યું છે કે તમે આ બાબતે આગળ ન વધતાં. મેં તેમને સ્પષ્ટ કીધું કે આ મારી એકલાની વાત નથી. ભાજપ સામે વર્ષોથી લડી રહેલા લાખો કોંગ્રેસના કાર્યકરોની વેદનાનો પ્રશ્ન છે. મારી સામે પાર્ટીએ જે પગલાં લેવા હોય તે લે, પરંતુ પાર્ટીએ મને ન્યાય આપવો જોઇએ.