અમદાવાદ: આગામી માર્ચ મહિનાથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે ત્યારે આ પરીક્ષાના ટાઈમ ટેબલને લઈને સિંધી સમાજમાં નારાજગી ફેલાઈ છે. પરીક્ષાના ટાઇમટેબલમાં ફેરફાર કરવા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. ધો. 10 અને 12ની પરિક્ષા 23 માર્ચના રોજ ચેટિચાંદના દિવસે આવતી હોઇ સમાજ દ્વારા પરીક્ષાની તારીખ બદલવા રજુઆત કરાઈ છે.
ગુજરાત બોર્ડ દ્વારા ૧૪મી માર્ચથી શરૂ થનારી ધોરણ 10 અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ પરીક્ષામાં અંદાજે 17 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જોકે પરિક્ષાના કાર્યક્રમ મુજબ ૨૩મી માર્ચે ધો. ૧૦માં સામાજિક વિજ્ઞાન, ધોરણ ૧૨માં મનોવિજ્ઞાન અને ધોરણ 12 સાયન્સની એક પરીક્ષા એમ ત્રણેયની વિવિધ વિષયની પરીક્ષા ગોઠવવામા આવી છે. જોકે તહેવારના દિવસે બોર્ડની પરિક્ષા યોજાવાની હોવાથી સિંધી સમાજમાં રોષ ફેલાયો છે.
સિંધી સમાજ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામા આવી છે કે, ૨૩મી માર્ચે ચેટીચાંદની ઉજવણી થવાની છે અને ચેટીચાંદ સિંધી સમાજનો સૌથી મોટો તહેવાર છે. જો આ દિવસે પરીક્ષા યોજાય તો સમાજના એક લાખ વિદ્યાર્થીઓને અસર થાય તેમ છે. જેથી પરિક્ષાના આ દિવસે રજા આપવા માંગ કરવામાં આવી છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે, સરકાર દ્વારા જાહેર કરેલી રજાઓમાં શરત ચુકથી એક દિવસ ૨૨મી માર્ચે ચેટીચાંદની રજા અપાઈ છે. પરંતુ સિંધી સમાજની તમામ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ૨૩મી માર્ચે ચેટીચાંદ ઉજવવાનું નક્કી કરાયું છે. આ દિવસે ઠેરઠેર શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવે છે. જેથી બોર્ડની ૨૩મી માર્ચે લેવાનારી પરીક્ષાઓ રદ કરીને અન્ય કોઈ તારીખે ગોઠવવામા આવે તેવી માંગ કરવામાં આવી છે.
મહત્વનુ છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના એકેડેમિક કેલેન્ડરમાં અગાઉ ૨૩મી માર્ચે ચેટીચંડની રજા દર્શાવાઈ હતી. ત્યારે સિંધી સમાજ દ્વારા બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા જણાવાયું છે.