અમદાવાદ: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પોટીલ (CR Patil)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive)ના અહેવાલ વહેતા થયા હતા. પાટીલને સારવાર માટે એપોલો હૉસ્પિટલ (Apollo hospital) માં દાખલ કરવામાં આવ્યા બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિ આવ્યાના અહેવાલ વહેતા થયા હતા. એપોલો ખાતે હાલ તેમની તબિયત એકદમ સારી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ દરમિયાન સી.આર. પાટીલે પોતાના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને તેમની તબિયત એકદમ સારી હોવાનું તેમજ તેમને એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાનું જણાવ્યું છે. જોકે, સાથે જ તેઓએ એવું પણ લખ્યું છે કે તેઓનો આરટી-પીસઆર રિપોર્ટ આવવાનું બાકી છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે વરણી થયા બાદ પાટીલ તાજેતરમાં જ સૌરાષ્ટ્ર (Saurashtra) અને ઉત્તર ગુજરાત (North Gujarat)ના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેઓ અનેક નેતાઓ અને કાર્યકરોના સંપર્કમાં આવ્યા હતા. એટલું જ નહીં પાટીલના પ્રવાસ દરમિયાન તેમની રેલીમાં હાજર રહેલા અનેક નેતાઓ અને કાર્યકરોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
પાટીલનું ટ્વીટ 'મારી તબિય સારી છે'
મારી તબિયત સારી છે. મારો એન્ટીજન ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. RT-PCRનો રિપોર્ટ પેન્ડીંગ છે. અત્યારે હું સંપૂર્ણ સ્વસ્થ છું.
ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા બાદ પાટીલ લોક સંપર્ક માટે ચાર દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેઓ લાખો કાર્યકરોને મળ્યા હતા. સૌરાષ્ટ્રની રેલી બાદ બીજેપીના અનેક નેતાઓ સંક્રમણનો ભોગ બન્યા હતા. સૌરાષ્ટ્રની રેલી બાદ વિપક્ષ તરફથી પાટીલની ખૂબ ટીકા કરવામાં આવી હતી. જોકે, તેઓએ કોઈની સલાહ માની ન હતી અને ફરીથી ઉત્તર ગુજરાતનો ત્રણ દિવસનો પ્રવાસ કર્યો હતો. એટલું જ નહીં સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન બીજેપી કાર્યકરોના રસ્તા પર ગરબા લેવાના વીડિયો પણ સામે આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં તેમના કાર્યક્રમમાં હાજર રહેલા જિલ્લાના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રવાસમાં સાથે રહેલા બીજેપી ધારાસભ્ય હર્ષ સંઘવી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
પાટીલે આજે જ સી.એમ. સાથે બેઠક કરી હતી
આજે જ ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. એવી પણ માહિતી મળી છે કે આજે જ સી.આર. પાટીલે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. હવે જો પાટીલનો રિપોર્ટ પોઝિટિવ આવે છે તો તેઓએ આગામી દિવસોમાં હોમ ક્વૉરન્ટીન થવું પડશે.
સી.આર. પાટીલ અને ભાજપને હવે બેદરકારી દાખવવી ભારે પડી શકે છે. એક તરફ સરકાર તરફથી લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને મેળવડા ન કરવાની સલાહ આપવામાં આવી રહી હતી ત્યારે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ જ ઠેર ઠેર રેલીઓ અને મેળાવડા કરી રહ્યા હતા. આ દરમિયાન ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયું ન હતું. ઠેરઠેર સ્વાગત કાર્યકમો થયા હતા. એટલું જ નહીં અનેક કાર્યકરો અને નેતાઓ માસ્ક વગર પણ નજરે પડ્યા હતા. આ જ બેદરકારી હવે ભાજપ તેમજ પ્રદેશ અધ્યક્ષ પાટીલને ભારે પડી છે. ભાજપના એક પછી એક નેતા કોરોના પોઝિટિવ આવી રહ્યા છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોરોના પોઝિટિવ આવ્યાના વહેતા થયેલા અહેવાલ બાદ આ મામલે પ્રતિક્રિયા આપતા કૉંગ્રેસ પ્રવક્તા ડૉક્ટર મનિષ દોષીએ જણાવ્યું હતું કે, આ પહેલા પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચૂંટાયા છે. પાટીલ પોતાનું ચાલે છે તેવું બતાવવા માટે રેલીઓ કરી રહ્યા હતા. રાજકોટ અને સુરતની રેલી દરમિયાન તેમની જ પાર્ટીના નેતાઓ કોરોના પોઝિટિવ થયા છે. ગુજરાતનો કોઈ પણ નાગરિક કોરોના પોઝિટિવ થાય તે ઇચ્છનીય નથી. કૉંગ્રેસ પાર્ટીએ ત્યારે પણ રજુઆત કરી હતી કે આ મામલે કાર્યવાહી થવી જોઇએ પરંતુ પ્રજા અને નેતાઓ માટે અલગ અલગ નિયમો હોવાથી પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર