મયુર માકડિયા, અમદાવાદ : ગુજરાત વિધાનસભાની 6 બેઠકો માટેની પેટા-ચૂંટણી ઉપરાંત ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થઇ ગઈ છે. મહારાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસવાટ કરે છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોના નેતાઓએ મહારાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ અને ચૂંટણી પ્રચાર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ભાજપની વાત કરવામાં આવે તો પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, તેમજ ઋષિકેશ પટેલ સહિતના નેતાઓને મહારાષ્ટ્રની 60 જેટલી વિધાનસભાની જવાદારીઓ મહારાષ્ટ્ર ભાજપ દ્વારા સોપવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. આ નેતાઓ દ્વારા તેમને સોંપવામાં આવેલી વિધાનસભામાં ચૂંટણી સભાઓથી લઈ ચૂંટણી પ્રચારની તમામ પ્રકારની વ્યવસ્થા તેમને જોવાની રહશે. કચ્છ, વડોદરા અને સુરત જિલ્લા અને શહેર ભાજપના કાર્યકરોને પણ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે મોકલવામાં આવશે.
કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પ્રદેશ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ કચ્છ અને દક્ષિણ ગુજરાતના કોંગ્રેસનાં નેતાઓ મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર માટે જશે. ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ પણ મહારાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવશે.
ચૂંટણીની સમય છે ત્યારે ચોક્કસ બંને પક્ષનો નેતાઓ મહેનત કરે તેમાં કોઈ નવાઈ નથી, પરંતુ અહીં બીજી એવી પણ ચર્ચા જાગી છે કે ગુજરાતમાં વારેવારે ચૂંટણી હરતી કોંગ્રેસના નેતાઓ મહારાષ્ટ્રમાં શું કમાલ કરી બતાવશે!