વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી પાંચવાર પેટાચૂંટણી યોજાઈ
Gujarat Assembly Election: વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી ગુજરાતમાં ચારવાર પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કુલ 20 બેઠકનો સમાવેશ થાય છે. આવો જાણીએ એ પેટાચૂંટણી પહેલાં અને પછી કોણ જીત્યું અને કોણ હાર્યું....
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં એકબાજુ હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીનો માહોલ જામેલો છે તો બીજીબાજુ રાજકારણનો સૌથી મોટો તહેવાર એટલે કે ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. હાલ તમામ પક્ષો ગુજરાતમાં સત્તા હાંસલ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ગામેગામ જાહેર જનસભાઓનું આયોજન કરી રહ્યા છે. લોકોની વચ્ચે જઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં અનેક ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે અને ત્યાં પેટાચૂંટણી યોજાઈ હતી. તો આવો નજર કરીએ આ પેટાચૂંટણી પર અને જાણીએ કે ત્યાં કોણ જીત્યું...
ગુજરાત વિધાનસભા ચૂંટણીની પહેલી પેટાચૂંટણી
સૌથી પહેલાં વાત કરીશું વર્ષ 2018માં યોજાયેલી પેટાચૂંટણી વિશે. જસદણ સીટ પરથી જીતેલા કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળિયા જીત્યા હતા. ત્યારે ભાજપે સત્તા હાંસલ કરતાંની સાથે જ સૌથી પહેલાં કુંવરજી બાવળિયાને ભાજપમાં સામેલ કર્યા હતા અને વર્ષ 2018માં આ સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. તેમાં પણ કુંવરજીને રિપિટ કર્યા અને તેઓ જીતી ગયા હતા.
ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી પછીની બીજી પેટાચૂંટણી
હવે વાત કરીશું વર્ષ 2019માં યોજાયેલી પેટાચૂંટણી વિશે. ત્યારે 10 સીટ પર પેટાચૂંટણીનું બે અલગ અલગ તારીખે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય, માણાવદર, ઉંઝા, રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, અમરાઇવાડી અને લુણાવાડાનો સમાવેશ થાય છે. વર્ષ 2019ની બંને પેટાચૂંટણી પહેલાં 6 બેઠક પર કોંગ્રેસનું આધિપત્ય હતું. જ્યારે પેટાચૂંટણી બાદ દસમાંથી સાત સીટ પર ભાજપ જીતી હતી અને કોંગ્રેસ ત્રણ સીટ સાચવવામાં સફળ રહી હતી. 23 એપ્રિલ 2019ના દિવસે ચાર સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી અને તે ચારેય સીટ પર પહેલાં કોંગ્રેસ હતી અને બાદમાં ભાજપે ત્યાં કેસરિયો લહેરાવ્યો હતો.
ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી પછી ત્રીજી પેટાચૂંટણી
ત્યારબાદ 21 ઓક્ટોબર, 2019ના દિવસે ત્રીજી પેટાચૂંટણી યોજવામાં આવી હતી. તેમાં 6 સીટ પર મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાંથી ત્રણ સીટ કોંગ્રેસ તો ત્રણ સીટ ભાજપના ફાળે આવી હતી. મહત્ત્વનું છે કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીં 4 બેઠક પર ભાજપ અને બે બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. જ્યારે પેટાચૂંટણી બાદ અહીં કોંગ્રેસે ભાજપની એક સીટ આંચકી લીધી હતી અને આમ, બંને પાર્ટીને ત્રણ-ત્રણ સીટ મળી હતી.
વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી ચોથી પેટાચૂંટણી
વર્ષ 2020માં ચોથી પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમાં આઠ સીટ પર ચૂંટણી યોજવામાં આવી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ આઠેય સીટ પર કોંગ્રેસ જીતી હતી. જ્યારે પેટાચૂંટણી પછી તમામ સીટ પર ભાજપે ભગવો લહેરાવ્યો હતો. આ આઠ સીટમાં અબડાસા, લીમડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડાની વિધાનસભા સીટનો સમાવેશ થાય છે.
2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પછીની પાંચમી પેટાચૂંટણી
પાંચમી પેટાચૂંટણી વર્ષ 2021માં યોજવામાં આવી હતી. માત્ર એક જ સીટ પર આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરવા હડફની આ બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ખાંટે બાજી મારી હતી. ત્યારબાદ પેટાચૂંટણીનું આયોજન કરતા તે સીટ પરથી નિમિષા સુથાર જીત્યા હતા.