Home /News /ahmedabad /

Gujarat Election: 1990થી નરોડા વિધાનસભા બેઠક પર બીજેપીનો કબ્જો? આ વખતે કેવી છે તમામ પક્ષોની તૈયારી

Gujarat Election: 1990થી નરોડા વિધાનસભા બેઠક પર બીજેપીનો કબ્જો? આ વખતે કેવી છે તમામ પક્ષોની તૈયારી

    ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે. ચૂંટણી પંચ કોઈપણ સમયે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી શકે છે. તમામ પક્ષોએ આ ચૂંટણી જીતવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકોનું અલગ અલગ મહત્વ રહેલું છે. વિધાનસભા ચૂંટણીમાં આ વર્ષે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો પૈકી અમદાવાદ શહેરના ફાળે 16 જેટલી વિધાનસભા બેઠકો જાય છે.

    નરોડા વિધાનસભા બેઠક

    વર્ષ 2019માં લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. ગુજરાતમાં લોકસભાની તમામ 26 સીટ પર ભાજપે ભગવો લહેરાવ્યો હતો. નરોડા વિધાનસભા બેઠક અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તાર હેઠળ આવે છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હસમુખભાઈ પટેલે કોંગ્રેસના ગીતાબેન પટેલને હરાવીને અમદાવાદ પૂર્વી લોકસભા સીટ પર જીત મેળવી હતી. વર્ષ 2008માં ડિ-લિમિટેશનની પ્રક્રિયા બાદ આ મતવિસ્તારની રચના થઈ હતી. ત્યારબાદ વર્ષ 2009, 2014 અને 2019માં લોકસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે. આ ત્રણેય ચૂંટણી ભાજપના ઉમેદવારોએ જીત મેળવીને પરચમ લહેરાવ્યો હતો. અમદાવાદ શહેરમાં 16 વિધાનસભા બેઠકો છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 16 બેઠકમાંથી 12 બેઠક પર વિજય મેળવ્યો હતો અને 4 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. ભાજપે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ 4 બેઠક પર પણ ભગવો લહેરાવા માટેની કવાયત શરૂ કરી દીધી છે.

    ભાજપનો ગઢ નરોડા વિધાનસભા બેઠક

    વર્ષ 1990થી ભાજપ નરોડા બેઠક પરથી સતત જીતી રહ્યું છે. જેથી આ બેઠકને ભાજપની કમિટેડ બેઠક માનવામાં આવે છે. નરોડા વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ વોર્ડ અને અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે. વર્ષ 2017માં નરોડા વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર બલરામ થવાણીએ કોંગ્રેસ ઉમેદવાર ઓમપ્રકાશ તિવારીને હરાવ્યા હતા. વર્ષ 2012માં પણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે નરોડા વિધાનસભા બેઠક પર જીત મેળવી હતી. ભાજપ ઉમેદવાર ડૉ.નિર્મલાબેન વાઘવાણીએ કોંગ્રેસ ઉમેદવાર ભગવાન ભરવાડને 58,352 મતથી હરાવી દીધી હતા. વર્ષ 2007માં પણ ભાજપે નરોડા વિઘાનસભા બેઠક પર પોતાનો પરચમ લહેરાવ્યો હતો. ભાજપ ઉમેદવાર માયાબહેન કોડનાનીએ કોંગ્રેસ ઉમેદવાર ડૉ. પરષોત્તમ હરવાણીને 1,80,442 મતથી પાછળ છોડી દીધા હતા. વર્ષ 2002માં પણ ભાજપ ઉમેદવાર માયાબહેન કોડનાનીએ કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ કોઠિયાને હરાવીને જીત મેળવી હતી.

    જ્ઞાતિ જાતિના સમીકરણ

    નરોડા વિધાનસભા બેઠક પર સિંધી અને OBC મતદારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. વિધાનસભા બેઠકની ચૂંટણીમાં સિંધી જ્ઞાતિનું 14 ટકા મતનું પ્રમાણ જોવા મળે છે. પાટીદાર સમાજનું વિધાનસભા બેઠકની ચૂંટણીમાં 10 ટકા મતનું પ્રમાણ જોવા મળે છે. બક્ષીપંચનું 26 ટકા, દલિતનું 12 ટકા, સવર્ણનું 3 ટકા, પરપ્રાંતિયનું 13 ટકા તથા અન્ય જ્ઞાતિનું 22 ટકા મતનું પ્રમાણ જોવા મળે છે.





















































    વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
    2017બલરામ થવાણીભાજપ
    2012ડૉ.નિર્મલાબેન વાઘવાણીભાજપ
    2007માયાબહેન કોડનાનીભાજપ
    2002માયાબહેન કોડનાનીભાજપ
    1998માયાબહેન કોડનાનીભાજપ
    1995ગોપાલદાસ ભોજવાણીભાજપ
    1990ગોપાલદાસ ભોજવાણીભાજપ
    1985ગીતાબેન દક્ષિણીકોંગ્રસ
    1980રામચંદ તહલરામકોંગ્રેસ

    વિવાદોમાં રહ્યા ભાજપ ધારાસભ્ય બલરામ થવાણી

    વર્ષ 2019માં નરોડાના સરદારનગર વિસ્તારમાં રહેતા નીતુ તેજવાની પાણીની સમસ્યા અંગે ભાજપ ધારાસભ્ય બલરામ થવાણીના ઘરે ગયા હતા. તે સમયે ભાજપ ધારાસભ્ય બલરામ થવાણી ભાન ભૂલી ગયા હતા અને જાહેરમાં નીતુ બહેનને લાતો મારી હતી. નીતુ તેજવાનીને લાતો મારતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે બલરામ થવાણીએ પોતાના સૂર બદલ્યા હતા અને પોતાની ભૂલ સ્વીકારીને પીડિત મહિલાની માફી માંગી હતી. બલરામ થવાણીએ કહ્યું હતું કે, ‘હું મારી ભૂલનો સ્વીકાર કરું છું. મને મારી ભૂલનું ખૂબ જ દુ:ખ છે’

    નરોડા વિસ્તારની સમસ્યા

    નરોડા વિસ્તારમાં મધ્યમવર્ગ અને શ્રમજીવી વર્ગના લોકો વસવાટ કરે છે. સ્થાનિકો જણાવે છે કે, નરોડામાં અનેક સમસ્યાઓ છે. ચૂંટણી સમયે ઉમેદવારો આ મતવિસ્તારની મુલાકાત લે છે. બાકી કોઈ પણ લોકો રજૂઆત કે ફરિયાદ સાંભળતું નથી. પીવાનું પાણી સમયસર મળી રહે છે, પરંતુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ડોર ટુ ડોર કચરાની ગાડી પણ સમયસર આવતી નથી. ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સ્થાનિકો આ વિસ્તારમાં એક હોસ્પિટલ અને ગાર્ડનની માંગ કરી રહ્યા છે. નરોડા સ્મશાનથી રિંગરોડ સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની કનેક્ટિવિટીનો અભાવ છે. આ વિસ્તારમાં માત્ર એક જ AMTS બસ આવે છે. જેથી સ્થાનિકો આ વિસ્તારમાં AMTSની માંગ કરી રહ્યા છે. નરોડા ગેલેક્સી ક્રોસ રોડથી લઈને રિંગ રોડ સુધી રસ્તાઓની બિસ્માર હાલતમાં છે. સ્થાનિકો અને રાહદારીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. થોડો વરસાદ પડતા જ ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે અને તેનો નિકાલ કરવામાં આવતો નથી.

    2022ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ

    તમામ પક્ષોએ ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણી જીતવાના લક્ષ્યાંકને પાર પાડવા માટે તૈયારીઓ શરૂ કરૂ દીધી છે. ભાજપે તમામ 182 બેઠક પર જનપ્રતિનિધિઓ, પૂર્વ હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓને રાજકીય પ્રવાસ કરવાની સૂચના આપી હતી. જેને લઈ 3થી 5 જૂન દરમિયાન રાજકીય આગેવાનો અને નેતાઓએ મતવિસ્તારની મુલાકાત પણ લીધી હતી. અમદાવાદ શહેરની 16 બેઠકોમાં પાટીદાર, ઓબીસી, એસસી તથા લઘુમતીનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારો છે, જેમાં દરેક બેઠકોના જ્ઞાતિના સમીકરણોને રાજકીય પ્રવાસ દરમિયાન સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠકોમાંથી 70 ટકાથી વધુ વિસ્તારોમાં ધારાસભ્યો બદલવાની સૂચનાઓ આપી છે. કોંગ્રેસે 182 બેઠકમાંથી 125 બેઠક પર જીત મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તો ત્રીજા પક્ષ તરીકે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 50 થી વધુ બેઠક પર જીત મેળવવાના લક્ષ્ય સાથે રણનીતિ ઘડી છે.

    ગત ચૂંટણીમાં કોંગ્રેસે સારો એવો દેખાવ કર્યો હોવા છતા પણ  નરોડાની બેઠક ખુબ જ મોટા માર્જિન સાથે બીજેપીએ જીતી હતી. તેવામાં કોંગ્રેસ માટે નરોડાની બેઠક જીતવી એક ખુબ જ મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. જોકે આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ હોવાના કારણે ગુજરાતની તમામ બેઠકોના સમીકરણોમાં થોડા અંશે ફેરફાર આવી શકે છે. તેવામાં નરોડાની બેઠકને જીતવા માટે કોંગ્રેસને પોતાનો બધો જ દમ લગાવવો પડી શકે છે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन