Home /News /ahmedabad /Gujarat Election 2022: નારણપુરા બેઠક ભાજપનો અતૂટ કિલ્લો, શું છે સ્થિતિ, કેવો છે રાજકીય ઈતિહાસ
Gujarat Election 2022: નારણપુરા બેઠક ભાજપનો અતૂટ કિલ્લો, શું છે સ્થિતિ, કેવો છે રાજકીય ઈતિહાસ
Naranpura assembly constituency : આ બેઠક પર જેટલું પાટીદાર મતોનુ વર્ચસ્વ છે, તેવી જ રીતે ઓબીસી મતદારો સારા એવા પ્રમાણના વર્ચસ્વ ધરાવે છે. સામાન્ય રીતે ઓબીસી મતદારોનું કુણું વલણ કોંગ્રેસ પ્રત્યે રહેતું હોય છે, પરંતુ આ બેઠક ઉપર વર્ષોથી ભાજપનું વર્ચસ્વ રહ્યું છે.
Naranpura assembly constituency : આ બેઠક પર જેટલું પાટીદાર મતોનુ વર્ચસ્વ છે, તેવી જ રીતે ઓબીસી મતદારો સારા એવા પ્રમાણના વર્ચસ્વ ધરાવે છે. સામાન્ય રીતે ઓબીસી મતદારોનું કુણું વલણ કોંગ્રેસ પ્રત્યે રહેતું હોય છે, પરંતુ આ બેઠક ઉપર વર્ષોથી ભાજપનું વર્ચસ્વ રહ્યું છે.
Gujarat Assembly election 2022 : ગુજરાતમાં આ વર્ષના અંત એટલે કે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેની માટે સત્તાપક્ષ ભાજપ તરફથી તૈયારીઓ આરંભી દેવાઈ છે. જ્યારે કોંગ્રેસ પણ હવે કમરકસી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અલગ-અલગ રણનીતિ બનાવી કામ કરી રહ્યુ છે. જે અંતર્ગત વધુમાં વધુ લોકો પક્ષ સાથે જોડાય અનેઆ સાથે સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ ઉઠાવવા માટે ચર્ચા કરે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તો આ તરફ બીજેપી પણ પૂરજોશમાં છે. અમદાવાદની નારણપુરા વિધાનસભા બેઠકનો (Naranpura assembly constituency) સમગ્ર ચિતાર જાણીએ કે જે ભાજપનો ગઢ છે.
નારણપુરા વિધાનસભા બેઠક (Naranpura assembly seat)
નારણપુરા ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલો એક વિસ્તાર છે. આ વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવે છે. તે અમદાવાદના સતત વિકસતા પશ્ચિમ ભાગનો સૌથી જૂનો વિસ્તાર છે.
આ ઉપરાંત 182 વિધાનસભા બેઠકો પૈકી 45 નંબરની વિધાનસભા એટલે અમદાવાદની નારણપુરા વિધાનસભા બેઠક. આ બેઠક 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી હતી અને તે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર બનેલી સાત વિધાનસભા બેઠકોમાંથી એક છે.
આ વિધાનસભા બેઠકમાં અમદાવાદ શહેર તાલુકાના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નં. – 11, 12, 13, 14નો સમાવેશ થાય છે. નારાયણપુરા મતવિસ્તારમાં મતવિસ્તારમાં કુલ 228644 મતદારો છે, જેમાં 117864 પુરૂષ, 110778 મહિલા અને 2 અન્ય મતદારો છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નારણપુરા મતવિસ્તારમાં 65.96% મતદાન નોંધાયું હતું.
નારાયણપુરા વિધાનસભા બેઠકના જાતિગત સમીકરણો
આ બેઠક પર જેટલું પાટીદાર મતોનુ વર્ચસ્વ છે, તેવી જ રીતે ઓબીસી મતદારો સારા એવા પ્રમાણના વર્ચસ્વ ધરાવે છે. સામાન્ય રીતે ઓબીસી મતદારોનું કુણું વલણ કોંગ્રેસ પ્રત્યે રહેતું હોય છે, પરંતુ આ બેઠક ઉપર વર્ષોથી ભાજપને વર્ચસ્વ રહ્યું છે.
નારાયણપુરા વિધાનસભા બેઠકના રાજકીય સમીકરણ
અમદાવાદની નારાયણપુરા વિધાનસભા પૂર્વ મહેસૂલ મંત્રીનો મત વિસ્તાર છે. સાથે જ આ બેઠક ભાજપ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ગઢ છે અને એટલા માટે જ આ બેઠક પર વર્ષોથી ભાજપનો કબ્જો છે. નારાયણપુરા પાટનગર ગાંધીનગર હેઠળ આવે છે અને સંપૂર્ણપણે શહેરી વિસ્તાર છે.
ગુજરાત વિધાનસભાની નારાયણપુરા બેઠક પરથી ભાજપના કૌશિકભાઈ જમનાદાસ પટેલે જીત મેળવી હતી. આ પહેલા 2012માં આ બેઠક ભારતીય જનતા પાર્ટીના વર્તમાન અધ્યક્ષ અમિત શાહે જીતી હતી. અમદાવાદના શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ નારાયણપુરામાં ભાજપની સારી પકડ હોવાનું માનવામાં આવે છે. આ બેઠક પણ 2008માં અસ્તિત્વમાં આવી હતી.
ગત વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદની નારણપુરા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને મેદાને ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના કૌશિક પટેલે કોંગ્રેસના નિતીન પટેલને 66000થી વધુની સરસાઈથી જીત મેળવી હતી.
નારાયણપુરા વિધાનસભામાં બેઠકમાં પ્રજાના વિરોધ
અમદાવાદના નારણપુરા એઈસી ચાર રસ્તા પાસે અહીંના રહેવાસીઓએ ડમ્પિંગ સાઈટના પગલે વિરોધ પ્રદર્શન કર્યા હતા. ચક્કાજામ પણ કરી મુકતા પોલીસ અધિકારીઓ સહિતનું તંત્ર દોડતુ થઈ ગયું હતું. અડધો કલાક સુધી તો લોકોએ રસ્તો જામ કરી નાખ્યો હતો.
ભાજપના કોર્પોરેટર્સ પણ તેમની સમજાવટ કરવા કે મામલાનો ઉકેલ લાવવા હાજર ન રહેતા એએમસી હાય હાયના નારા લાગ્યા હતા. ડે. મેયર ગીતાબહેન પટેલના નારણપુરા વોર્ડમાં આવેલી ડમ્પિંગ સાઈડને દુર કરવા સ્થાનીકો વિરોધ પ્રદર્શન કરવાના રસ્તે આવ્યા હતા.
નારણપુરાના રહીશો અહીં છેલ્લા કેટલાક સમયથી કચરો નાખવામાં આવતો હોવાની પરેશાનીથી ત્રસ્ત હતા. આ મામલે તેમણે સ્થાનીક કાઉન્સિલર્સને કહ્યું હતું જોકે તેનો નિવેડો ન આવ્યો. અહીંના પ્રદુષણને કારણે ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોનો રોષ ભભૂક્યો હતો. જમીન અને વાયુ પ્રદુષણથી ત્રસ્ત જનતાએ નારાજગી વ્યક્ત કરી હતી.
આ સિવાય થોડા સમય પહેલા નારાયણપુરા વિસ્તારમાં રોડ પહોળા કરવા બાબતે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. એએમસી દ્વારા નારાયણપુરા ક્રોસિંગથી ગામ સુધી દોઢ કિમી રોડ પહોળો કરવા કપાત કરવાનો નિર્ણય કર્યો જેના પગલે વિવાદ સર્જાયો હતો.
એએમસીના આ નિર્ણયના કારણે 100 જેટલી દુકાનો અને 50 થી વધુ આવાસો કપાતમાં જતા હોવાને કારણે સ્થાનિકો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ભાજપના કાઉન્સિલરો કે પૂર્વ મેયર પણ આ બાબતે મૌન સેવીને બેઠા હોવાથી લોકોમાં રોષ ભભૂક્યો હતો.
નારાયણપુરા વિધાનસભામાં બેઠકમાં વિકાસ
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ.631.77 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અમિત શાહે સંબોધન દરમિયાન જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનતાની સાથે જ અમદાવાદ ઓલિમ્પિકની તૈયારીઓ માટે સજ્જ થઈ જાય એ પ્રકારનું છે
નારણપુરા વિધાનસભામાં બેઠકમાં વિવાદ
અમિત શાહના કટ્ટર વિરોધ કહેવાતા હરેન પંડ્યાની 26 માર્ચ, 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હરેનના પિતા વિઠ્ઠલભાઇ પંડ્યાએ પોતાના પુત્રની હત્યા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહને દોષી ગણાવ્યા હતા.
અનેક વર્ષો સુધી આ મામલે ચુપ્પી સાધ્યા બાદ હરેનના પત્ની જાગૃતિ પંડ્યાએ 2007-08માં પોતાના સસરાની માફક જ નરેન્દ્ર મોદી અને અમિત શાહને જ પોતાના પતિની હત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા. હાલમાં જ અમદાવાદમાં યોજાયેલ રન ફોર યુનિટિ કેમ્પેનમાં જાગૃતિ પંડ્યા જોડાયા હતા અને તેમણે પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવી હતી
નારાયણપુરા વિધાનસભામાં બેઠકમાં સમસ્યા
નારાયણપુરા બેઠકના રહીશોના મત પ્રમાણે આ વિસ્તારમાં મોટાભાગની સેવાઓનો સારો વિકાસ કરવામાં આવ્યો છે. જો કે અહીં પાયાની કેટલીક સુવિધાઓમાં કચાશ જોવા મળી રહી છે જેમાં મુખ્યત્વે પાણીની સમસ્યાઓનો સમાવેશ થાય છે.
અહીંના સ્થાનિકો પ્રમાણે પાણીની શુધ્ધિકરણની સમસ્યા મુખ્ય છે. આ સિવાય વાયદા પ્રમાણે અહીં પાણીનુ સબસ્ટેશન ખોલવામાં આવ્યું નથી કે પાણીની ટાંકીનું પણ નિર્માણ કરાવવામાં આવ્યું નથી. જેના કારણે લોકોને સ્વ ખર્ચે બોરિંગનુ કામ કરાવવુ પડે છે.
જો કે તેના પાણીના ઉપયોગના કારણે સ્થાનિક લોકો સ્કિન પ્રોબ્લેમની સમસ્યાથી પીડાય છે. સ્થાનિકોનુ કહેવુ છે કે અનેક વખત રજૂઆત કરવા છતા પણ આ સમસ્યાઓનો નિવેડો લાવવામાં આવતો નથી.