Home /News /ahmedabad /Gujarat Election 2022: ચૂંટણી માટે કોંગ્રેસના 7 કાર્યકારી પ્રમુખોમાં સ્થાન ધરાવતા ધારાસભ્ય હિંમતસિંહ પટેલ કોણ છે?
Gujarat Election 2022: ચૂંટણી માટે કોંગ્રેસના 7 કાર્યકારી પ્રમુખોમાં સ્થાન ધરાવતા ધારાસભ્ય હિંમતસિંહ પટેલ કોણ છે?
Congress MLA Himmatsingh Patel Profile : હિંમતસિંહ પટેલ વર્તમાન સમયે બાપુનગરના ધારાસભ્ય તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ કોંગ્રેસના મોટા નેતા માનવામાં આવે છે.
Congress MLA Himmatsingh Patel Profile : હિંમતસિંહ પટેલ વર્તમાન સમયે બાપુનગરના ધારાસભ્ય તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ કોંગ્રેસના મોટા નેતા માનવામાં આવે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવતા જ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ (BJP)એ દરેક બેઠક માટે એક એક નેતાને જવાબદારી સોંપી દીધી છે અને કોંગ્રેસે પણ એક સાથે 7 કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરી છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રમુખ સી આર પાટીલ 150થી વધુ બેઠકો જીતવા માંગે છે. બીજી તરફ કોંગ્રેસ (Congress) દ્વારા ગત વખતે મેળવેલી બેઠકો ઓછી ન થાય અને ભાજપને વધુ બેઠકો જીતી શકાય તેવી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે.
આ વખતે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ થોડી ઘણી બેઠક પર દમ બતાવીને પરિણામે ફેરવી શકે છે. ખાસ કરીને કોંગ્રેસની બેઠકો પર તેની અસર વધુ જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં દરેક ધારાસભ્યની જાણકારી રાખવી જરૂરી બની જાય છે. ત્યારે આજે અહીં બાપુનગરથી કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ (Congress MLA Himmatsingh Patel) અંગે જાણકારી આપવામાં આવી છે.
કોણ છે હિંમતસિંહ પટેલ? (Who is Himmat Singh Patel?)
હિંમતસિંહ પટેલ વર્તમાન સમયે બાપુનગરના ધારાસભ્ય તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ કોંગ્રેસના મોટા નેતા માનવામાં આવે છે. વર્ષો પહેલા તેઓ અમદાવાદના મેયર તરીકે પણ રહી ચૂક્યા છે.
હિંમતસિંહ પટેલની વ્યક્તિગત જાણકારી (Personal information of Himmat Singh Patel)
હિંમતસિંહ પટેલના પિતાનું નામ પ્રહલાદભાઈ છે. હિંમતસિંહ રખિયાલ ખાતે રહે છે. તેમના પત્નીનું નામ કેસંતીબેન છે. હિંમતસિંહનો જન્મ 1961ની 12મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે ધો. 9 સુધી શિક્ષણ લીધું છે. તેઓએ માતૃછાયા સ્ફુમાંથી અભ્યાસ કર્યો હતો. હવે તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. તેમના પર બે ગુના દાખલ થયા હોવાનું પણ જાણવા મળે છે.
હિંમતસિંહ પટેલ નાની ઉંમરથી જ રાજકારણમાં સક્રિય થઈ ગયા હતા. કોંગ્રેસ સાથે તેમનો જૂનો સંબંધ રહ્યો છે. તેમણે 2014 - 2017 વિધાનસભા લડ્યા તે પહેલાં સ્થાનિક કક્ષાએ ઘણા લોકો માટે ઉપયોગી કામ કર્યા હતા. તેમણે અમદાવાદ શહેરમાં મેયર તરીકે જવાબદારી પણ ઉપાડી હતી.
2022 ચૂંટણી માટે 7 કાર્યકારી પ્રમુખોમાં થઈ પસંદગી
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસ દ્વારા 7 કાર્યકારી પ્રમુખોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ પ્રમુખોમાં હિંમતસિંહને પણ સ્થાન મળ્યું છે. નવા સાત કાર્યકારી પ્રમુખમાંથી પાંચ ધારાસભ્ય છે. જેમાં વડગામના જિજ્ઞેશ મેવાણી, પડધરી - ટંકારાના લલિત કગથરા, રાજુલાના અંબરીષ ડેર, ઋત્વિક મકવાણા અને બાપુનગરના હિંમતસિંહ પટેલનો સમાવેશ થાય છે. આ સિવાયના નવા બે કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને કદીર પીરઝાદા છે.
કોરોના કાળમાં મતવિસ્તારમાં કરી હતી સેવાકીય પ્રવૃત્તિ
બાપુનગર વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને સેવાભાવી નાગરિકોની મદદથી ગરીબો માટે રસોડું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં તેમને વિનામૂલ્યે જમાડવામાં આવતા હતા. તે સમયે પરપ્રાંતિયો અમદાવાદ ન છોડે અને કોંગ્રેસ તેમની સાથે હોવાનું કહ્યું હતું.
2014ની લોકસભા ચૂંટણીમાં થઈ હતી હાર
2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે અમદાવાદ પૂર્વ સીટ પર હિંમતસિંહ પટેલને ટિકિટ આપી હતી. સામા પક્ષે ભાજપે પરેશ રાવલને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં હિંમતસિંહ પટેલ 326,633 જેટલા મતથી હારી ગયા હતા. 2014માં આ જીતની સાથે જ લોકસભા 2014માં અમદાવાદ પૂર્વ સીટ પર ભાજપનો વોટશેર 10.92 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર 7.82 ટકાથી ઘટ્યો હતો. ભાજપના 62 વર્ષીય ઉમેદવાર પરેશ રાવલને કુલ 633,582 વોટ મળ્યા હતા.
2017ની ચૂંટણીમાં જીત
ગત વિધાનસભા ચૂંટણી હિંમતસિંહ માટે ફળદાયી નીવડી હતી. તેઓ બાપુનગર બેઠક પરથી જીતી ગયા હતાં. બાપુનગર વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના બાપુનગર, રખિયાલ અને સરસપુર વોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકની રચના નવા સીમાંકનમાં કરવામાં આવી છે. અગાઉ આ બેઠકનો સમાવેશ રખિયાલ બેઠકમાં થતો હતો. પહેલા અહીં ભાજપનો વિજય થતો હતો. જોકે હવે અહીં ઓબીસી, દલિતો અને મુસ્લિમોના મતદારોનું વર્ચસ્વ છે અને 2017 વખતે ઓબીસી અને દલિતોની નારાજગીનો લાભ કોંગ્રેસને મળ્યો હતો.
આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને 58785 મત મળ્યા હતા. ભાજપે જાગૃપસિંહ રાજપૂતને ટિકિટ આપી હતી. તેમને 55718 મત મળ્યા હતા. અગાઉ આ બેઠક પર તેઓ જીત્યા હતા. પણ 2017માં હિંમતસિંહ પટેલ સામે હારી ગયા હતા.
2019માં લોકસભા સમયે પણ હિંમતસિંહના નામની હતી ચર્ચા
2017માં બાપુનગર વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હિંમતસિંહના નામની ચર્ચા 2019ની લોકસભા માટે પણ થઈ હતી. પણ 2014માં લોકસભાનો ચૂંટણીજંગ હારનાર હિંમતસિંહ પટેલે પુનઃ ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી હતી.
સરકારના કાર્યક્રમમાં હાજરી આપતા થયો હતો વિવાદ
ગુજરાતમાં 8 બેઠકો પર પેટાચૂંટણી સમયે અને અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ હિંમતસિંહ પટેલે સરકારના કાર્યક્રમમાં હાજરી આપતા અનેક તર્ક વિતર્ક થયા હતા. આ ઉપરાંત વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવાની માંગને લઈને પણ હિંમતસિંહ પટેલ વિવાદમાં આવ્યા હતા.
હિંમતસિંહે ગ્રેડ પે મામલે નીલમ મકવાણા સાથે કરી હતી મુલાકાત
હિંમતસિંહ ગ્રેડ પે મામલે સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલનો અવાજ બન્યા હતા. પીડિત સામે પોલીસના અયોગ્ય વર્તન અને તેમને પગાર પણ ન અપાતા કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.
મ્યુનિ.ના કાર્યક્રમમાં કોંગ્રેસના હિંમતસિંહ સહિતના ધારાસભ્યો એક સાથે જોવા મળ્યા
તાજેતરમાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ હતી. આ તારાજી તંત્રની પ્રી મોનસૂન કામગીરીની નિષ્ફળતાના કારણે થઈ હોવા આક્ષેપ થયા હતા. અમદાવાદ મ્યુનિ.ની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરીએ કોંગ્રેસ તરફથી સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મ્યુનિ.કોંગ્રેસના કાર્યક્રમમાં પહેલી વખત અમદાવાદમાં કોંગ્રેસના ચાર પૈકી ત્રણ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ ઉપરાંત શૈલેષ પરમાર અને ઈમરાન ખેડાવાલા એક સાથે હાજર રહ્યા હતા.
હિંમતસિંહ પટેલની સંપત્તિ (Property of Himmat Singh Patel)
2017ની ચૂંટણી સમયે હિંમતસિંહ પટેલ દ્વારા એફિડેવિટ કરવામાં આવ્યું હતું. જે મુજબ તેમની પાસે રૂ.25000 જેટલી રકમ હાથ પર હતી. જ્યારે તેમના પત્ની પાસે 2.56 લાખ જેટલી રકમ હાથ પર હતી. એકંદરે બેંક થાપણો, શેર, વીમા, લેણા, જવેલરી અને હક્કદાવા/વ્યાજ સહિતની કુલ જંગમ મિલકત 1.58 કરોડ જેટલી થતી હતી. આવી જ રીતે તેમના પત્ની પાસે 59 લાખ જેટલી જંગમ મિલકત હતી. બીજી તરફ બીજ કૃષિ જમીન, રહેણાંક મકાન સહિત સ્થાવર મિલકત 51 લાખ જેટલી હતી. સ્વોપાર્જીત અસકયામત 2 કરોડથી વધુની થતી હતી. તેમણે 18 લાખ જેટલી રકમ લોનપેટે લીધી હતી.