અમદાવાદઃ 8 ડિસેમ્બરે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે. તમામ ઉમેદવારોના કિસ્મત વોટિંગ મશીનમાં બંધ છે. બે રાજ્યોમાં ચૂંટણીના પરિણામ આવવાના છે. પરંતુ સૌની નજર ગુજરાત પર મંડાયેલી છે. તેનું કારણ એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો ગઢ ગુજરાત છે. પરિણામ ગમે તે હોય, પરંતુ આ ચૂંટણીમાં કેટલાક ચહેરા એવા છે કે જે ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. પછી તે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા યુવા નેતા હાર્દિક પટેલ હોય કે પછી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા હોય. આવો આવા જ 10 ચર્ચિત ચહેરાઓ વિશે વાત કરીએ...
જિગ્નેશ મેવાણી
જિગ્નેશ મેવાણી વડગામ વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર છે અને તેઓ ભારે રસાકસી બાદ જીતી ગયા છે. દલિત યુવા નેતા તરીકે પ્રખ્યાત થયેલા જિગ્નેશ મેવાણી 2017માં અપક્ષ ઊભા રહ્યા હતા અને જીત મેળવી હતી. આમ, પ્રોફેશનલ રીતે તેઓ વકીલ છે અને સામાજિક અને રાજનૈતિક કાર્યકર્તા તરીકે પણ ઊભરી આવ્યા છે. આ વખતે તેમની સામે આપની ટક્કર વચ્ચે મુસ્લિમ અને દલિત વોટબેન્ક ટકાવી રાખવાની ચિંતા છે. તેમનો મુકાબલો ભાજપના મણિભાઈ જેઠાભાઈ વાઘેલા અને આપના દલપત ભાટિયા સાથે છે.
ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા સીટથી બીજી વાર મેદાનમાં ઉતર્યા છે અને તેઓ આ વખતે 1.51 લાખની જંગી બહુમતી સાથે વિજયી બન્યા છે. આ સીટ પર કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક અને આપમાંથી વિજય પટેલ મેદાનમાં ઉતર્યા છે. 60 વર્ષીય ભૂપેન્દ્ર પટેલે 2017માં કોંગ્રેસના હરીફને ખૂબ મોટી લીડથી હરાવ્યા હતા. ભૂપેન્દ્રભાઈ આ વખતે પણ ભાજપ તરફથી ગુજરાતના મુખ્યમંત્રીના ઉમેદવાર છે.
રિવાબા જાડેજા
ભારતીય જનતા પાર્ટીના જામનગર ઉત્તરની વિધાનસભા બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા મેદાનમાં ઉતર્યા છે અને તેઓ 50,456 વોટથી જીત્યાં છે. પહેલા તબક્કાના મતદાન વખતે મુખ્ય ક્ષેત્રોમાંથી એક જામનગર ઉત્તર પણ છે. આ ચૂંટણીમાં ભાજપના રિવાબા જાડેજાનો મુકાબલો કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજા અને આપના કરસન કરમૂર સાથે થવાનો છે.
અલ્પેશ ઠાકોર
ગાંધીનગર દક્ષિણ વિધાનસભા સીટ પર ભાજપના યુવા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે અને તેમણે પણ બહુમતી સાથે જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે પ્રવક્તા અને પાટીદાર નેતા હિમાંશુ પટેલને અને આપે દોલત પટેલને ઉમેદવારી આપી છે. આ સીટ પર ઠાકોર વોટર્સની બહુમતી છે. ત્યારબાદ પાટીદાર અને ત્રીજા નંબરે દલિત સમુદાય છે.
હાર્દિક પટેલ
અમદાવાદના વિરમગામ વિધાનસભા સીટ પર ભાજપે ફાયરબ્રાન્ડ પાટીદાર નેતા હાર્દિક પટેલને મેદાને ઉતાર્યો છે અને તેમણે પણ જીત મેળવી છે. હાર્દિક પટેલ પાર્ટીના સ્ટાર પ્રચારકોમાંથી એક છે. જૂનમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. તેમની પહેલી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસના ધારાસભ્ય લખાભાઈ ભરવાડ અને આપના અમરસિંહ ઠાકોર સામે છે. આ સિવાય પ્રસિદ્ધ દલિત કાર્યકર્તા કિરિટ રાઠોડ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
હર્ષ સંઘવી
હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી છે. તેઓ સુરતની મજૂરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. ભાજપે તેમને આ સીટ પરથી ત્રીજીવાર ટિકિટ આપી છે. આ સીટ પર આમ આદમી પાર્ટીએ પીવીએસ શર્મા અને કોંગ્રેસે બળવંત શાંતિલાલ જૈનને ટિકિટ આપી છે. ત્યારે મતગણતરી કરતા ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીની પ્રચંડ બહુમતી સાથે જીત થઈ છે.
પરષોત્તમ સોલંકી
ભાવનગર ગ્રામીણ સીટ પર ભાજપે પાંચમીવાર ધારાસભ્ય અને કોળી સમુદાયના દિગ્ગજ નેતા પરષોત્તમ સોલંકી પર ભરોસો મૂક્યો છે અને તેઓ જીતી ગયા છે. તેઓ ગુજરાત સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યાં છે. પરષોત્તમ કોળી સમાજના મોટાનેતાઓમાંથી એક છે. આ કોળી સમુદાયના વર્ચસ્વવાળી સીટ 2012માં અસ્તિત્વમાં આવી હતી. આ સીટ પર કોંગ્રેસે રેવતસિંહ ગોહિલ અને આમ આદમી પાર્ટીએ ખુમાણસિંહ ગોહિલને ટિકિટ આપી છે.
ઇસુદાન ગઢવી
પૂર્વ પત્રકાર અને ટીવી એન્કર ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. તેઓ દ્વારકા જિલ્લાની ખંભાળિયા સીટ પરથી આપના ઉમેદવાર છે. આ સીટ પર ભાજપે મૂળુભાઈ બેરા અને કોંગ્રેસે વિક્રમભાઈ માડમને ઉમેદવાર બનાવ્યાં છે. ત્યારે ભાજપના મૂળુ બેરા આ સીટ પરથી વિજયી બન્યા છે અને ઇસુદાન હારી ગયા છે.
ભેમાભાઈ ચૌધરી
દિયોદર વિધાનસભા ક્ષેત્ર બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં આવે છે. આ સીટ પર ચર્ચિત ચહેરામાં સામેલ આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી છે, જે ગુજરાતમાં પાર્ટીને લોન્ચ કરતા સાથે જ જોડાયા હતા. તેમનો મુકાબલો ભાજપના કેશાજી શિવાજી ચૌહાણ અને કોંગ્રેસના ભીમાભાઈ ચૌધરી સામે છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ભૂરિયા શિવભાઈ અમરાભાઈએ ભાજપના ચૌહાણ કેશાજી શિવાજીને 972 વોટથી હરાવ્યા હતા. ત્યારે આ વખતે અહીંથી ભાજપના કેશાજી ચૌહાણ જીત્યા છે.
કાંતિલાલ અમૃતિયા
મોરબી પુલ દુર્ઘટના પછી ચર્ચામાં આવેલા કાંતિલાલ અમૃતિયાને ભાજપે મેન્ડેટ આપ્યું છે. કાંતિલાલ તે વ્યક્તિ છે કે જેમણે મોરબી પુલ દુર્ઘટના વખતે ડૂબતા લોકોને બચાવવામાં મદદ કરી હતી. આ ઘટના બાદ કાંતિલાલ અમૃતિયા ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. તો આ ચૂંટણીમાં કાંતિલાલ અમૃતિયા જીતી ગયા છે.