Home /News /ahmedabad /વિરમગામ બેઠક બની વધુ રસપ્રદ: હાર્દિક v/s હાર્દિક v/s હાર્દિક વચ્ચે ખરાખરીનો જંગ
વિરમગામ બેઠક બની વધુ રસપ્રદ: હાર્દિક v/s હાર્દિક v/s હાર્દિક વચ્ચે ખરાખરીનો જંગ
આ બેઠક પર કુલ ત્રણ હાર્દિક પટેલ વચ્ચે સીધો જંગ જામશે
Gujarat assembly election 2022: આ બેઠક પર ચૂંટણી લડવા માટે 34 ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાને છે. જેમાં કુલ 9 પાટીદાર ઉમેદવારો છે. આમાં પણ ત્રણ ઉમેદવાર હાર્દિક પટેલ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ગરમાવો વધુ તેજ બની રહ્યો છે. તેમાંય આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 39 વિરમગામ બેઠક વધુ ચર્ચામાં છે, ત્યારે આ બેઠક પર પાટીદારોનો પાવર જોવા મળ્યો છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે 34 ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાને છે. જેમાં કુલ 9 પાટીદાર ઉમેદવારો છે. ભાજપ દ્વારા હાર્દિક પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યો છે ત્યારે આ બેઠક પર અન્ય બે હાર્દિક પટેલ નામના યુવાનોએ પણ અપક્ષ ચૂંટણી જંગમાં જંપલાવતા આ બેઠક પર કુલ ત્રણ હાર્દિક પટેલ વચ્ચે સીધો જંગ જામશે તે નક્કી છે.
કુલ 34 ઉમેદવારો ચૂંટણી મેદાને
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા જે બેઠકની છે તે છે 39 વિરમગામ બેઠકની. કારણ કે આ બેઠક પરથી પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો એવા હાર્દિક પટેલને ભાજપે ઉમેદવારી માટે ટિકિટ આપી છે. જોકે, કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે ધારાસભ્ય લાખા ભરવાડ મેદાને છે. પરંતુ આ બેઠક પર ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે કારણ કે કુલ 39 જેટલા ફોર્મ વિરમગામ બેઠક પર ચૂંટણી લડવા માટે ભરાયા હતા. જેમાંથી 34 ઉમેદવારોના ફોર્મ એક્સેપ્ટ થયા છે જ્યારે 5 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા છે. આ 34 ઉમેદાવારોમાં કુલ 9 ઉમેદવાર પાટીદાર છે. આ પાટીદાર ઉમેદવારોમાં પણ ત્રણ પાટીદાર ઉમેદવાર એવા છે જેમના નામ હાર્દિક પટેલ છે. એટલે કે ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલા હાર્દિક પટેલ સામે અન્ય બે હાર્દિક પટેલ ઉમેદવારો અપક્ષ ઉમેદવારી કરી રહ્યાં છે. આ અગે હાર્દિકકુમાર કિરિટભાઈ પટેલે જણાવ્યું કે, તેમણે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું, પરંતુ અન્ય ઉમેદવારને મેન્ડેટ મળતા તે અપક્ષમાં કન્વર્ટ થઈ ગયું છે. જ્યારે અન્ય હાર્દિકકુમાર જગદીશચંદ્ર પટેલ નામના ઉમેદવાર બહારગામ હોવાથી સંપર્ક થઈ શક્યો નથી.
મહત્વનું છે કે, વિરમગામ બેઠકની મતદારોની વાત કરવામાં આવે તો કુલ 2 લાખ 74 હજાર 811 મતદારો છે. જેમાં 1 લાખ 42 હજાર 635 પુરુષ અને 1 લાખ 32 હજાર 173 મહિલા મતદારો છે. જ્યારે ત્રીજી જાતીના 3 મતદારો છે. વિરમગામ બેઠક પર ઠાકોર, પટેલ, દલિત, મુસ્લિમ, કોળી પટેલ, દરબારો જેવા મતદારોનો દબદબો છે. અહી મતદારોમાં ઠાકોર, કોળી પટેલ બન્ને સમાન જ્ઞાતિ ગણાય છે. આ જ્ઞાતિના મતદારો સૌથી વધુ છે. જ્યારે પાટીદાર જ્ઞાતિના મતદાર બીજા નંબરે છે. જ્યારે આ બેઠક પર આ ઉપરાંત ઓબીસી મતદારો અને મુસ્લિમ મતદારોનું પણ વર્ચસ્વ વધારે છે. બીજા તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં આ વખતે ખરાખરીનો જંગ જામવાનો છે ત્યારે વિરમગામ બેઠક પર કયા ઉમેદવાર બાજી મારશે તે મતદારોના મિજાજ પર નિર્ભર છે.