અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજનેતાઓ દ્વારા એડીચોટીનો જોર લગાવી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રચાર રિક્ષાચાલક માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. અમદાવાદ કલેક્ટર દ્વારા આપવામાં આવેલી સૂચનાને કારણે રિક્ષાચાલકો મુશ્કેલીમાં મૂકાઇ શકે છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચાર માટે વિવિધ પેંતરા અજમાવવામાં આવી રહી છે, ત્યારે રાજકીય પાર્ટીના પ્રચાર માટે રિક્ષાઓ પર પણ જાહેરાતો લગાવવામાં આવી રહી છે. મંજૂરી વિના રિક્ષા પર રાજકીય પાર્ટીઓના પોસ્ટર્સ લગાવતાં રિક્ષાચાલકો માટે કલેક્ટરની સૂચના મુશ્કેલી ઉભી કરશે.
મંજૂરી વિના પોસ્ટર લગાવનાર સામે થશે કાર્યવાહી
ચૂંટણીના ધમધમાટ વચ્ચે હવે અમદાવાદ કલેક્ટરે મંજૂરી લીધા વગર રિક્ષા પર રાજકીય પાર્ટીના પોસ્ટર્સ લગાવીને ફરતા રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે. શહેરમાં ફરતી એક લાખથી વધુ ઓટોરિક્ષા પર નજર કરીએ તો મોટાભાગની રિક્ષાઓ પર રાજકીય પાર્ટીના પોસ્ટર્સ લાગેલા જોવા મળી રહ્યા છે. આ જ વાત કલેક્ટરના ધ્યાને આવી છે અને તેમણે મંજૂરી વિના રિક્ષા પર પોસ્ટર લગાવનારા ચાલકો સામે કાર્યવાહીની સૂચના આપી છે. આ માટે અમદાવાદ કલેક્ટરે આરટીઓને પત્ર લખીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
કલેક્ટર આરટીઓને લખેલા પત્રમાં મંજૂરી લીધા વિના બેનરો લગાનારા રિક્ષાચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી છે. બીજી બાજુ, રિક્ષાચાલક એસોશિએશને પણ રિક્ષાચાલકોને મંજૂરી લેવા અપીલ કરી છે. નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવવાનું છે, ત્યારે હાલ રાજકીય પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.