અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે અમુક બેઠકો પર અઢળક દાવેદારી પણ સામે આવી રહી છે. આવામાં હવે આજે સાંજે અમદાવાદ શહેરની 16 બેઠકો માટે મંથન કરાશે. સાંજે શહેર ભાજપની સંકલન સમિતિની બેઠક મળશે. સાંજે 5 વાગ્યે સંકલન સમિતિની બેઠક યોજાશે. આ બેઠકમાં પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા, સહપ્રભારી ધર્મેન્દ્ર શાહ જોડાશે.
182 બેઠકો માટે સંકલન બેઠકમાં કાર્યવાહી થશે
શહેર સંગઠનના મુખ્ય હોદ્દેદારોની હાજરીમાં સંકલનની બેઠક યોજાશે. આજે સાંજે મળનારી મંથન બેઠકમાં શહેરી બેઠકના દાવેદારોના બાયોડેટાનું મૂલ્યાંકન થશે. નિરીક્ષકોની હાજરીમાં દાવેદારોના નામને ક્રમ અપાશે. બેઠક પ્રમાણે દાવેદારોના નામોને ટોપ ટેન છણાવટ કરાશે. બાદમાં સમિતિ નામોને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલશે. આવી જ રીતે તમામ 182 બેઠકો માટે સંકલન બેઠકમાં કાર્યવાહી થશે. ભાજપના ઉમેદવારોની પસંદગીની કવાયત મામલે સેન્સની પ્રક્રિયા બાદ આજે સંકલન બેઠક મળશે. બેઠક દીઠ દાવેદારોના નામોને ક્રમાંક અપાશે. દાવેદારોના નામને ક્રમ આપી પ્રદેશ ભાજપને સોંપાશે.
ભાજપની સેન્સ પ્રકિયાના બે દિવસ પૂરા થઈ ગયા છે. ત્યારે અત્યાર સુધીમાં 182 બેઠક પરથી કુલ 3500 દાવેદારો નોંધાયા છે. નિરિક્ષકોએ તમામ દાવેદારોને સાંભળ્યા છે. હવે આ તમામ દાવેદારોનું લિસ્ટ હાઇકમાન્ડને મોકલવામાં આવશે અને ત્યારબાદ હાઇકમાન્ડ ઉમેદવાર નક્કી કરશે.
વિજય રૂપાણી દાવેદારી નહીં કરે તેવો દાવો
રાજકોટમાં સેન્સ પ્રકિયામાં વજુભાઈ વાળાના અંગત મદદનીસે પણ ટિકિટની માગણી કરી છે. રાજકોટ પશ્ચિમ અને રાજકોટ પૂર્વ બેઠક પરથી વજુભાઈ વાળાના અંગત મદદનીસ તેજસ ભટ્ટીએ ટિકિટની માગ કરી છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દાવેદારી નહીં કરે તેવી વાત સામે આવી છે. રાજકોટ પશ્ચિમ બેઠક પરથી વિજય રૂપાણી ધારાસભ્ય છે. ત્યારે પાર્ટી જે કામ સોંપશે તે કરવાની તૈયારી પણ બતાવી છે. આ મામલે વિજય રૂપાણી મવડીમંડળ પાસે ટિકિટની માગ કરે તેવી શક્યતા છે.